હિતલ પારેખ, ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 અને 14 નવેમ્બરે કર્ણાટક અને ગુજરાતના પ્રવાસે છે. તેમનો અંબાજી પ્રવાસનો કાર્યક્રમ રદ કરાયો છે. પહેલા તેઓ લાભપાંચમના દિવસે પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરવાના હતા. નવા કાર્યક્રમ મુજબ પીએમ મોદી આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. વિગતવાર કાર્યક્રમ જાણો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં એક ફેરફાર જોવા મળ્યો છે. પીએમ મોદીનો અંબાજીનો કાર્યક્રમ રદ કરાયો છે. લાભ પાંચમના દિવસે પીએમ મોદી અંબાજી જવાના હતા પરંતુ વહીવટી કારણોસર હાલ પૂરતો આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
તેઓ 13 નવેમ્બરે બેંગલુરુમાં સવારે પ્રશાંતિ કુટીરમના સ્વર્ણ જયંતી કાર્યક્રમમાં ભાગ લેશે અને સંબોધન કરશે. બપોરે 12.45 કલાકે પીએમ મોદી તવરેકેરેથી આઈઆઈએમ બેંગલુરુ મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોને લીલી ઝંડી દેખાડશે અને તેમાં સફર કરશે. બપોરે લગભગ 1.15 કલાકે પીએમ મોદી બેંગલુરુમાં 15600 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ધાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્યારબાદ પીએમ મોદી મૈસુર જશે અને બપોરે સાડા ત્રણ વાગે ભારત વનમાં એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લેશે તથા સાંજે 4 વાગે પીએમ મોદી કોસમોસ-મૈસૂરુ તારામંડળનું ઉદ્ઘાટન કરશે. અહીં સંબોધન પણ કરશે.