ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગર પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીઓના નામ સંદીપકુમાર વર્મા, પ્રદીપ રાજપૂત અને બંટી મીરચંદાની છે. પોલીસને બાતમી મળી હતી કે સંદીપ વર્મા પાસે હાઇબ્રીડ ગાંજાનો જથ્થો છે. જેથી પોલીસે રેડ કરીને આરોપીની પૂછપરછ અને તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે ગાંજા અંગેની તપાસ કરતા પ્રદીપ રાજપૂત અને બંટી મીરચંદાનીનું નામ સામે આવ્યું હતું.
જેથી પોલીસે તે બંનેની તપાસ કરતા બંટીના ઘરમાંથી પણ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી રૂ 1,90,000 ની કિંમત નો 54.180 ગ્રામ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઇબ્રીડ ગાંજા અંગેની તપાસ કરતા સામે આવ્યું કે બંટી મીરચંદાની આ હાઇબ્રીડ ગાંજાનો જથ્થો દસ દિવસ પહેલા રાજસ્થાનથી લાવ્યો હતો અને કૃષ્ણનગર અને તેના આસપાસના વિસ્તારમાં છુટક વેચાણ કરતો હતો.
મહત્વનું છે કે ત્રણેય આરોપી પણ નશાના બંધારણી હોવાથી આ જથ્થો પોતાના ઉપયોગમાં લેવાની સાથે અન્ય લોકોને પણ વેચાણ કરતા હતા. પોલીસની તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી છેલ્લા 7 મહિનાથી આ રીતે ગાંજાની હેરફેર કરે છે. જેથી પોલીસે રાજસ્થાનથી ગાંજાની હેરાફેરી કરનાર અંગે વધુ તપાસ શરૂ કરી છે. હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ એકબીજાના મિત્રો હોવાનું સામે આવ્યું છે.
ઉપરાંત ત્રણેય મિત્રો હાઇબ્રીડ ગાંજાનું સેવન કરતાં હોવાનો પણ ખુલાસો થયો છે. જેથી પોલીસને શંકા છે કે, ઝડપાયેલ આરોપીઓ પાસેથી સ્થાનિક અન્ય ગાંજાના કે નશાનું વિતરણ કરનાર ડ્રગ્સ સપ્લાયરની માહિતી પણ સામે આવી શકે છે. જેથી પોલીસે તે દિશામા પણ વધુ તપાસ હાથ ધરી છે.