Ahmedabad Bews: અમદાવાદ શહેરમાં આગામી 2030ની કોમનવેલ્થ ગેમ્સ, ઓલિમ્પિકની તૈયારીઓ અને પ્રોપર્ટીના સતત વધી રહેલા ભાવોને કારણે બિન-નિવાસી ગુજરાતીઓ (NRI) માટે અમદાવાદ રોકાણની પહેલી પસંદ બન્યું છે. પરિણામે, છેલ્લા ચાર મહિનામાં વિદેશથી ગુજરાતમાં આવતા રેમિટન્સમાં 58 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે અને NRI ડિપોઝિટમાં 64,381 કરોડના જંગી વધારા સાથે રાજ્યની કુલ થાપણો ₹1.76 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે. ગુજરાતના મુખ્ય ચાર જિલ્લાઓમાં સૌથી વધુ ભંડોળ અમદાવાદમાં આવ્યું છે, જ્યાં NRI રોકાણકારો કરોડો રૂપિયા ઠાલવી રહ્યા છે અને રાજ્યની કુલ NRI થાપણોમાં એકલા અમદાવાદનો હિસ્સો 30 ટકા જેટલો નોંધાયો છે.

SLBC એ જાહેર કરેલા રિપોર્ટમાં પણ ત્રિમાસિક ધોરણે પણ NRI થાપણોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જૂન ક્વાર્ટરમાં રાજ્યવ્યાપી NRI થાપણો 1.22 લાખ કરોડ હતી, જે માત્ર ત્રણ મહિનાના ગાળામાં અંદાજે 53,155 કરોડ વધીને સપ્ટેમ્બરમાં 1.76 લાખ કરોડ થઈ ગઈ છે. એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે, ઘણા NRI માટે આ વળતર (Yield) અને ચલણ સુરક્ષા (Currency hedge) બંનેની શ્રેષ્ઠ તક છે, જ્યાં વ્યાજ દરનો તફાવત અને વિનિમય દરનો ફાયદો એકસાથે કામ કરી રહ્યા છે. આ ઉછાળો 'ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક)' એટલે કે FCNR(B) સ્કીમ હેઠળ થયેલા તીવ્ર નાણાપ્રવાહને દર્શાવે છે.
RBI ના ડેટા અનુસાર, સમગ્ર ભારતમાં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન NRI થાપણો વધીને $125.6 બિલિયન થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળામાં માત્ર $6.01 બિલિયન હતી.

ગુજરાતના મુખ્ય જિલ્લાઓમાં અમદાવાદમાં સૌથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે, જ્યાં NRI થાપણો ગત વર્ષના ₹25,293.8 કરોડથી બમણી થઈને ₹52,751.6 કરોડ સુધી પહોંચી ગઈ છે. રાજ્યની કુલ NRI થાપણોમાં એકલા અમદાવાદનો હિસ્સો 30 ટકાથી વધુ છે.

રાજ્યની કુલ NRI થાપણોના અંદાજે 66 ટકા જેટલો હિસ્સો માત્ર અમદાવાદ, વડોદરા, કચ્છ અને સુરત એમ ચાર જિલ્લાઓમાં કેન્દ્રિત થયેલો છે.

બેન્કિંગ નિષ્ણાતોના મતે, 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ (CWG 2030) ને ધ્યાનમાં રાખીને ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરવું એ બિન-નિવાસી ગુજરાતીઓ (NRGs) માટે સૌથી આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. ભારતીય રૂપિયા સામે અમેરિકન ડોલર મજબૂત થવાને કારણે NRGs ને પ્રીમિયમ રહેણાંક મિલકત (Premium residential property) બજારમાં વધુ ફાયદો મળી રહ્યો છે. ડોલરના ઊંચા મૂલ્ય અને ભવિષ્યમાં મિલકતના વધતા ભાવોની અપેક્ષાએ વિદેશથી ગુજરાતમાં આવતા રેમિટન્સમાં આ મોટો ઉછાળો નોંધાયો છે.