Hardik Patel Vs Varun Patel: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી નજીક આવતા જ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કાળી સમાજ, આદિવાસીઓ સમાજ બાદ હવે પાટીદારો એક મંચ પર આવ્યા છે. બીજી બાજુ પાટીદાર નેતાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર શરૂ થયેલું શાબ્દિક યુદ્ધ હવે ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે. આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં વિરમગામ વિધાનસભા બેઠક હોવાનું રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રો માની રહ્યા છે. પાટીદાર નેતાઓ પોતાનું વર્ચસ્વ જમાવવાની લડાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક તરફ હાર્દિક પટેલ, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાની ત્રિપુટી મેદાનમાં છે, તો બીજી તરફ વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા આક્રમક તેવર બતાવીને નવા રાજકીય સમીકરણો બનાવી રહ્યા છે.
પાટીદાર આંદોલનના અગ્રણી નેતા વરુણ પટેલે પોતાના ફેસબુક પેજ પર આક્રમક અંદાજમાં એક સ્ટોરી મૂકીને સૌને ચોંકાવી દીધા છે. તેમણે કોઈનું નામ લીધા વગર લખ્યું છે કે, ‘અભી તો ચિનગારી ભડકાઈ હૈ ઔર ચૂહે તિલમિલાને લગે, વક્ત આને દો સારે બિલ કે દરવાજે ભી બંધ કર દૂંગા, અભી તો સિર્ફ શોલા ભડકાયા હૈ આગે દેખો સૈલાબ હોગા, બહુત કુછ બદલને વાલા હૈ.’ વરુણ પટેલની આ પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ કોને 'ઉંદર' કહી રહ્યા છે અને કોના દરવાજા બંધ કરવાની વાત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી પોસ્ટ બાદ ZEE 24 કલાક દ્વારા વરુણ પટેલ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે આગામી રણનીતિ અંગે અનેક મોટા નિવેદનો આપ્યા હતા. વરુણ પટેલે જણાવ્યું કે, આ તો માત્ર એક હળવી વૉમ-અપ એક્સરસાઇઝ છે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ઘણું બધું નવું થશે અને ઘણા લોકોની દશાને અમે દુર્દશામાં ફેરવીશું. તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી સમયમાં એક બાદ એક પત્તા ખુલશે અને જેના પત્તા વિખેરવાના છે એ હું વિખેરીશ. કેટલાકની સફળતા તો કેટલાકની નિષ્ફળતા પાછળ અમે હોઈશું. પાસની અગાઉની ટીમ અંગે સ્પષ્ટતા કરતા વરુણ પટેલે કહ્યું કે, "હું અને દિનેશ બાંભણિયા એક ટીમમાં છીએ, પરંતુ હાર્દિક પટેલ અમારી ટીમમાં નથી. તેઓ ચિંતન શિબિરમાં પણ આવ્યા ન હતા."

આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે 25 નવેમ્બરની સાંજ હતી. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે તમિલ સુપરસ્ટાર વિજય થલપતિના ગીત સાથે પોતાનો એક ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે તે જરૂરી નથી.’

હાર્દિકની આ પોસ્ટના કલાકો બાદ પાસના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને સમર્થન જાહેર કર્યું હતું. અલ્પેશે લખ્યું કે, ‘અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ.’ ત્યારબાદ ધાર્મિક માલવિયા અને પાટીદાર યુવાનોએ પણ આ પોસ્ટ શેર કરીને એકજૂથતા બતાવી હતી.

ગુજરાતના રાજકારણ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંતરિક ખેંચતાણ પાછળ વિરમગામ વિધાનસભા બેઠકની ટિકિટ જવાબદાર હોઈ શકે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પણ વરુણ પટેલ વિરમગામ બેઠક પરથી પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા અને તેમને ટિકિટ મળવાની પૂરી આશા હતી, પરંતુ છેલ્લી ઘડીએ હાર્દિક પટેલને ટિકિટ આપવામાં આવી હતી. હવે ફરી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ બેઠક પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે પાટીદાર નેતાઓ નામ લીધા વગર સોશિયલ મીડિયાના માધ્યમથી સામ-સામે આવી ગયા છે, જે આગામી દિવસોમાં પાટીદાર રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત દેખાડી રહ્યું છે.