કેન્દ્રીય ગૃહમંત્રી દિવાળીના પર્વ પર ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે આજે અમદાવાદના એસજી હાઈવે પર બનેલા નવા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું છે. 4.03 કિમી લાંબો આ ઓવરબ્રિજ ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ શરૂ થતાં લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ સાથે હવે વાહનચાલકો સીધા ઈસ્કોનથી સાણંદ ચોકડી પહોંચી શકશે.
અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન-કર્ણાવતી ક્લબ પાસે 450 કરોડના ખર્ચે નવો એવિલેટેડ કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ નવો બ્રિજ ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફથી આવતા લાખો વાહનચાલકોને રાહત મળશે. હવે વાહનચાલકો ટ્રાફિકની મુશ્કેલી વગર સીધા ગાંધીનગર પહોંચી શકશે. આ બ્રિજ શરૂ થવાથી કર્ણાવતી ક્લબ, YMCA ક્લબ, પ્રહ્લાદનગર ટ્રાફિક પણ હળવો થશે.
અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીના 4.03 કિમી લાંબા એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ #Ahmedabad #Gujarat #BreakingNews #News https://t.co/r0R2KQFwQJ
— Zee 24 Kalak (@Zee24Kalak) November 9, 2026
આ બ્રિજની સૌથી મોટી ખાસિયત તેની બંને તરફ બનાવવામાં આવેલા રેમ્પ છે. સરખેજ-સાણંદ ચોકડીથી ઈસ્કોન તરફ જતાં વાહનો માટે ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. જ્યારે ઈસ્કોનથી સાણંદ ચોકડી જવા માટે પણ ત્રણ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે.
લાખો વાહન ચાલકોને મળશે લાભ
આ બ્રિજના લોકાર્પણ સાથે લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે. હવે વાહનચાલકોએ ગાંધીનગર તરફ જવું હશે કે ગાંધીનગરથી આવતા સાણંદ ચોકડી તરફ જવાનું હશે તો નીચે ટ્રાફિક સિગ્નલ પર થોભવું પડશે નહીં. આ વાહનચાલકો સડસડાટ બ્રિજ પરથી પસાર થઈ શકશે. તેવામાં નીચે રોડ પર ટ્રાફિક હળવો થશે.