Tinder Honey Trap : જો તમે ટિન્ડર એપથી કોઈ મહિલાના સંપર્કમાં છો તો આ કિસ્સો જાણવો તમારા માટે જરૂરી છે. અમદાવાદના વસ્ત્રાલના એક વેપારી ટીન્ડર એપથી હનીટ્રેપનો ભોગ બન્યા છે. આઇસક્રીમના વેપારી એક મહિના પહેલા ટીન્ડર એપ પર હિના પટેલ નામની યુવતી સાથે સંપર્ક આવ્યા હતા. આરોપીઓ દ્વારા મહિલાનો ઉપયોગ કરી વેપારીને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં બોલાવ્યો હતો અને ત્યાં હનીટ્રેપમાં ફસાવ્યો હતો.
અંગત ફોટો અને વીડિયો કોલ પર યુવતી સાથે વાત કરતા ફોટો બતાવી તેને વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ રૂપિયા 6 લાખ પડાવ્યા. આઇસક્રીમના વેપારીને વસ્ત્રાલ ખાતે બોલાવી આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
વેપારીએ પોલીસ કેસ દાખલ કરતા વિવેકાનંદ નગર પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજકોટના અને હનીટ્રેપ ગેંગના સભ્યો કલ્પેશ અગ્રાવત અને રાજ ખૂંટની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદી વેપારીને 3 લાખ પરત પણ અપાવ્યા છે.
વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ મૂળ રાજકોટની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગનો માસ્ટર માઇન્ડ વારિસ માલવિયા છે. વારિસ ટીન્ડર એપથી મહિલા મારફતે વેપારીને ફસાવતો હતો અને જ્યારે એક મહિના બાદ વેપારી યુવતીના વિશ્વાસમાં આવી જાય ત્યારે મળવા બોલાવી તેની પાસેથી પૈસા પડાવતા હતા. હનીટ્રેપ ગેંગમાં કુલ 7 સભ્યો છે, જેમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
વારિસ માલવિયા મુખ્ય માસ્ટર માઇન્ડ છે. વારિસ સામે અગાઉ બે ગુના દાખલ થયેલા હોવાનું સામે આવ્યું છે. હની ટ્રેપની આખી ગેંગ ચાલતી હતી. હિના પટેલ ઉર્ફે ધૃતિ સામે NDPSનો ગુનો અગાઉ દાખલ થયેલ છે. હનીટ્રેપ ગેંગમાં ફરાર અન્ય આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.