Khambhat Honour Killing : આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ઓનર કિલિંગની ચકચારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ખંભાતના મેતપુર ગામે એક પિતાએ જ પોતાની 21 વર્ષીય પુત્રીની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગામના જ એક યુવક સાથે પુત્રીના પ્રેમસંબંધ હોવાની શંકા અને તેના વિરોધમાં પિતાએ આ ઘાતકી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, મેતપુર ગામના સહજાનંદ ફળિયામાં રહેતી 21 વર્ષીય યુવતીનું તેના જ પિતા કૌશલ પટેલે દુપટ્ટા વડે ગળું દબાવી મોત નિપજાવ્યું હોવાનો આરોપ છે. પુત્રીના ગામના જ એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાને લઈને પિતા નારાજ હતા. આ બાબતે વિરોધ અને શંકાના કારણે પિતાએ પોતાની જ પુત્રીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીએ સમગ્ર મામલાને આત્મહત્યા તરીકે ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સામે આવી છે. જોકે, યુવતીના મોત અંગે શંકા જતાં ખંભાત જનરલ હોસ્પિટલના તબીબોએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી કરી હતી. ત્યારબાદ કરમસદની કૃષ્ણ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં યુવતીનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું ખુલાસો થયો હતો.
પોસ્ટમોર્ટમના અહેવાલ અને ઘટનાની શંકાસ્પદ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. આ કેસમાં ખંભાત શહેર પોલીસ સ્ટેશનના PSI આર.બી. વાઘેલા ફરિયાદી બન્યા હતા અને પિતા કૌશલ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યુવતીની હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનાક્રમ અને અન્ય પાસાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
પોતાની જ પુત્રીના મોતના મામલે પિતા સામે હત્યાનો ગુનો નોંધાતા મેતપુર ગામ સહિત ખંભાત પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમસંબંધના વિરોધમાં બનેલી આ કથિત હત્યાની ઘટનાએ ફરી એકવાર સમાજમાં માનસિકતા અને સંબંધોની ગંભીરતા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે.