ઉદય રંજન અને સપના શર્મા, અમદાવાદ : તહેવારોમાં સામાન્ય તકેદારી કે નાની અદાવત કેવો મોટો આતંક અને હિંસાનું રૂપ લઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ સાયન્સ સિટી વિસ્તારમાંથી સામે આવ્યું છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિગતો મુજબ, આ સમગ્ર વિવાદ 6 નવેમ્બરની રાત્રે શરૂ થયો હતો. એમ્પાયર સ્કાયવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા જીગર પટેલ અને તેમના સોસાયટીના સભ્યો બહાર ફટાકડા ફોડી રહ્યા હતા. બરાબર એ જ સમયે સામે આવેલી એક ચાની કિટલી પર પ્રાંશુ, અર્જુન અને વિશ્વાસ નામના યુવકો સહિત 8થી 10 શખ્સો પણ ફટાકડા ફોડતા હતા.
આ યુવકોના ફટાકડા ઉડીને સોસાયટીના સભ્યો પર પડતા જીગર પટેલે તેમને શાંતિથી ફટાકડા ફોડવાની સલાહ આપી. પરંતુ કાયમ સીન સપાટા કરનારી આ ગેંગના યુવકો ઉશ્કેરાઈ ગયા હતા અને અહીં જ ફટાકડા ફોડીશું થાય તે કરી લો કહીને ધમકી આપી ત્યાંથી જતા રહ્યા હતા.
8 નવેમ્બરની રાત્રે આ જ યુવકો ફરીથી સોસાયટીની બહાર આવ્યા અને એક રોકેટ જાણીજોઈને સોસાયટી તરફ છોડ્યું, જે સભ્યો પર જઈને પડ્યું. સોસાયટીના લોકોએ જ્યારે ફરીથી આ દાદાગીરીનો વિરોધ કર્યો, ત્યારે આ શખ્સોએ ફોન કરીને પોતાના અન્ય સાગરિતોને હથિયારો સાથે બોલાવી લીધા. જોતજોતામાં 20થી 25 જેટલા શખ્સો લાકડી અને ધોકા જેવા ઘાતક હથિયારો લઈને સોસાયટી પર તૂટી પડ્યા અને સભ્યો પર હિંસક હુમલો કરી દીધો.
આ અચાનક થયેલા હુમલામાં 5થી 7 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ભયાનક સ્થિતિ વચ્ચે જીગર પટેલના મિત્ર રાકેશ પટેલે સોસાયટીના પરિવારોની સુરક્ષા માટે સ્વબચાવમાં તેમની લાયસન્સવાળી પિસ્તોલથી હવામાં બે-ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું, જેના કારણે હુમલાખોરો ત્યાંથી નાસી ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોતા બોડકદેવ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે જીગર પટેલની ફરિયાદના આધારે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ દરોડા પાડ્યા હતા. પોલીસે આતંક મચાવનાર મુખ્ય આરોપીઓ મિત દેસાઈ, દક્ષ દેસાઈ, રગનેશ દેસાઈ, મિલન દેસાઇ તેમજ ત્રણ સગીરો સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
પોલીસ તપાસમાં એવો પણ મોટો ખુલાસો થયો છે કે આ મુખ્ય આરોપીઓ સોસાયટી સામેની કિટલી પર આખો દિવસ અડ્ડો જમાવીને બેસતા હતા અને વિસ્તારમાં અવારનવાર દાદાગીરી કરતા હતા. હાલ પોલીસે તમામ આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે નહીં તેની તપાસ હાથ ધરી છે.
તહેવારોના પવિત્ર દિવસોમાં સામાન્ય તકેદારી કે નાની અદાવત કેવો મોટો આતંક અને હિંસાનું રૂપ લઈ શકે છે, સાયન્સ સિટી રોડની આ ઘટના તેનો સ્પષ્ટ પુરાવો છે. જોકે, બોડકદેવ પોલીસે કિટલી ગેંગના અહંકાર અને દાદાગીરીને ગણતરીના કલાકોમાં જ જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આવી ચાની કિટલીઓ પર અડ્ડો જમાવીને કાયમ સીન સપાટા અને સામાન્ય નાગરિકોને પરેશાન કરતા આવારા તત્વો સામે પોલીસ આગામી દિવસોમાં કેવા કડક પગલાં ભરે છે.