Ahmedabad Airport News: અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ રોડ પર મોડી રાત્રે એક ગોઝારો અકસ્માત થયો છે. વિદેશ જઈ રહેલા મિત્રને એરપોર્ટ પર વિદાય આપવા જઈ રહેલા પાંચ મિત્રોની કારને અકસ્માત નડતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ત્રણ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ચોંકાવનારી બાબત એ છે કે, જે યુવક વિદેશ જઈ રહ્યો હતો તે જ કાર ચલાવી રહ્યો હતો અને અકસ્માત સર્જ્યા બાદ તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
આ ઘટના વિશે મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો 27 નવેમ્બરની મોડી રાત્રે આશરે ૩ વાગ્યાના સુમારે સ્કોડા કારમાં સવાર થઈને એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. આ મિત્રોમાંથી યશ નામનો યુવક વિદેશ જવાનો હોવાથી અન્ય મિત્રો તેને મૂકવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન કાર યશ પોતે કારનું ડ્રાઈવિંગ કરી રહ્યો હતો. ત્યારે એરપોર્ટ રોડ પરથી પસાર થતી વખતે અચાનક યશે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે પૂરપાટ ઝડપે જતી કાર રોડની સાઈડમાં આવેલી રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી.
અમદાવાદ એરપોર્ટ રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 32 વર્ષીય મયુર આઝાદ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં બેઠેલા અન્ય ત્રણ મિત્રોને પણ ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખુશીના માહોલ વચ્ચે મિત્રને વિદાય આપવા નીકળેલા યુવકો પર આભ તૂટી પડતા પરિવારજનો અને મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.
આ ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ કાર ચલાવી રહેલો યશ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલક યશને ઝડપી પાડવા માટે વધુ તપાસ તેજ કરી છે.