આ વખતે દિવાળી પર શુભ દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવામાં લોકોને મજા પડી ગઈ હોય તેવું લાગ્યું કારણ કે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઓલટાઈમ હાઈથી હાલ સોનું 40781 રૂપિયા અને ચાંદી 207933 રૂપિયા સસ્તા થઈ ગયા છે. એક જ અઠવાડિયામાં સોનું 5000 અને ચાંદી 3800 રૂપિયા જેટલા તૂટ્યા છે.
IBJAના લેટેસ્ટ રેટ જોઈએ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે 13 નવેમ્બરના રોજ શુક્રવારે 10 ગ્રામ 24 કેરેટ સોનું તૂટીને 135809 રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો અને ભાવ 178000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો. અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી એડ નથી હોતા અને એસોસિએશન શનિવારે તથા રવિવારે અને જાહેર રજાઓ પર નવા ભાવ જાહેર કરતું નથી.
ગત સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 6 નવેમ્બરે 24 કેરેટ સોનું 141452 રૂપિયાના સ્તરે ખુલ્યું હતું અને આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સોનું 135809 રૂપિયા પર બંધ થયું હતું એટલે ભાવમાં 5643 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
જ્યારે ચાંદી 6 નવેમ્બરે 181863 રૂપિયાની સપાટીએ ખુલી હતી અને આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ 13 નવેમ્બરના રોજ 178000 રૂપિયા પર બંધ થઈ એટલે કે ભાવમાં 3863 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
IBJAના આંકડા જોઈએ તો સોનું જાન્યુઆરીના એન્ડમાં ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચ્યું હતું અને ભાવ 176121 થયા હતા જેની સાથે વર્તમાન ભાવ 135809 સરખાવીએ તો સોનું ઓલટાઈમ હાઈથી 40312 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીનો ઓલટાઈમ હાઈ ભાવ 385933 રૂપિયા થઈ ગયો હતો જેને વર્તમાન ભાવ 178000 રૂપિયા સાથે સરખાવીએ તો ચાંદી 207933 રૂપિયા સસ્તી થઈ છે.

છેલ્લા કારોબારી દિવસે ભારતીય વાયદા બજાર MCX પર સોનું અને ચાંદી વધારા સાથે જોવા મળ્યા હતા. 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 136750 રૂપિયા અને 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી 176543 રૂપિયા પર બંધ થઈ હતી.
સોનાના ભાવમાં આ ઘટાડા પાછળ અનેક સમીકરણો કામ કરે છે. સૌથી મોટું કારણ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની વધતી આશંકા અને ક્રૂડ ઓઈલના ઊંચા ભાવથી મોંઘવારીની ચિંતા છે. ગુરુવારે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં લગભગ 3 ટકા જેટલો ભારે કડાકો નોંધાયો હતો જેના કારણે ભાવ એક વર્ષથી પણ વધુ સમયના નીચલા સ્તરે પહોંચ્યો.
મધ્ય પૂર્વમાં શાંતિની આશા નબળી પડતા ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે જેના કારણે મોંઘવારી વધવાની અને વ્યાજ દર લાંબા સમય સુધી ઊંચા રહેવાનો ડર પેદા થયો છે. સોના પર રોકાણકારોને સીધુ કોઈ વ્યાજ મળતું નથી એટલે વ્યાજ દર વધવાની આશંકાથી રોકાણકારોનું તેના પ્રત્યે આકર્ષણ ઘટ્યું હોય તેવું જણાય છે.