મહિલાના મૃત્યુ પછી તેની સંપત્તિ કોને મળશે? પતિ, બાળકો કે માતા-પિતા? જાણો કાયદાકીય જોગવાઈઓ
કોઈ પરિણીત હિંદુ મહિલાનું વસીયત બનાવ્યા વગર મૃત્યુ થાય છે તો તેની સંપત્તિ કોને મળશે? શું સૌથી પહેલા પતિ અને બાળકોનો હક કે માતા-પિતાનો? હિંદુ ઉત્તરાધિકાર કાયદામાં તે માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે.
ભારતમાં કોઈપણ હિંદુ મહિલાનું વસીયત વગર મોત થવા પર તેની સંપત્તિનું વિભાજન હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, 1956 હેઠળ થાય છે. આ કાયદામાં મહિલાની સંપત્તિના વારસદાર નક્કી કરવા માટે અલગ નિયમ છે. ખાસ વાત છે કે મહિલાની ખુદની કમાણીથી ખરીદવામાં આવેલી સંપત્તિના મામલામાં તેના માતા-પિતાને પ્રથમ અધિકાર મળતો નથી. કાયદા પ્રમાણે સૌથી પહેલા મહિલાના પુત્ર-પુત્રીઓ અને પતિને સંપત્તિનો હિસ્સો મળે છે. જો તેના બાળકનું મોત થઈ ગયું છે, તો તેના બાળકના સંતાનને તેના ભાગનો અધિકાર મળી શકે છે.
પતિ અને બાળકો નથી તો કોને મળશે સંપત્તિ?
જો મહિલાના મૃત્યુ સમયે તેને કોઈ પુત્ર-પુત્રી અને પતિ પણ જીવિત નથી તો સામાન્ય નિયમ હેઠળ સંપત્તિ તેના પતિના કાયદાકીય વારસદારોને મળે છે. આવી સ્થિતિમાં મહિલાના માતા-પિતાથી પહેલા તેના પતિના વારસદારોનો અધિકાર બની શકે છે. જો પતિનો પણ કોઈ કાયદાકીય વારસદાર નથી, ત્યારે સંપત્તિ મહિલાના માતા-પિતાને મળશે. જો માતા-પિતા પણ જીવિત નથી તો પહેલા માતાના વારસદાર અને ત્યારબાદ પિતાના કાયદાકીય વારસદારોને સંપત્તિ મળી શકે છે.
માતા-પિતા પાસેથી મળેલી સંપત્તિ માટે અલગ નિયમ
મહિલાને પોતાના માતા-પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ માટે કાયદામાં અલગ વ્યવસ્થા છે. જો આવી સંપત્તિની માલકિન મહિલાનું મોત થઈ જાય છે અને તેના બાળકો કે પહેલા મૃત્યુ થઈ ગયેલા બાળકોના સંતાન હાજર નથી, તો સંપત્તિ તેના પિતાના કાયદાકીય વારસદારોને મળશે. આ સ્થિતિમાં પતિના પરિવારને પ્રાથમિકતા આપવામાં આવતી નથી.
આ પણ વાંચોઃ iPhone Duoની સ્ક્રીન તૂટી જાય તો શું કરશે Apple? કંપનીએ તેના સર્વિસ સેન્ટરોને આપી નવી સૂચના
આ રીતે જો મહિલાને પોતાના પતિ કે સાસરીમાંથી વારસામાં કોઈ સંપત્તિ મળે છે અને તેના મોત સમયે તેના બાળકો કે પહેલા મૃત્યુ પામેલા બાળકોના સંતાન નથી, તો તે સંપત્તિ પતિના વારસદારોને મળશે.
ગિફ્ટમાં મળેલી સંપત્તિ પર શું હશે નિયમ?
કાયદામાં વધુ એક વાતને સમજવી જરૂરી છે. જો મહિલાને તેના માતા-પિતાસ પતિ કે અન્યએ કોઈ સંપત્તિ ભેટમાં આપી છે, તો તેને વારસામાં મળેલી સંપત્તિ બરાબર ન માની શકાય. આવી સંપત્તિ પર સામાન્ય ઉત્તરાધિકારના નિયમ લાગૂ થાય છે. એટલે કે માત્ર તે આધાર પર કે સંપત્તિ માતા-પિતા કે પતિ તરફથી મળી હતી, તેના વારસદાર નક્કી નહીં થાય. સંપત્તિ કઈ રીતે મળી છે, તે મહત્વનું છે.
વસીયત બનાવવાથી કઈ રીતે બદલાઈ શકે છે સંપત્તિનું વિભાજન?
આ સમગ્ર નિયમને સમજવાની સાથે તે પણ જાણવું જરૂરી છે કે મહિલા પોતાની સંપત્તિની વસીયત બનાવી શકે છે. વસીયત દ્વારા તે નક્કી કરી શકે છે કે તેના મોત બાદ તેની સંપત્તિ કોને મળશે. આ કાયદામાં સામાન્ય ઉત્તરાધિકાર નિયમો હેઠળ થનાર વિભાજનથી અલગ વ્યવસ્થા કરી શકાય છે. તેથી મહિલાઓ માટે પોતાની સંપત્તિના દસ્તાવેજ અને વસીયત સમય રહેતા તૈયાર રાખવી ઉપયોગી સાબિત થઈ શકે છે.