Zimbabwe Create History: ટેસ્ટ ક્રિકેટમાં ઝિમ્બાબ્વે માટે શાનદાર સમય શરૂ થઈ ગયો છે. ટીમ છેલ્લા કેટલાક સમયથી રેકોર્ડ બનાવી રહી છે. આ વખતે તો ઝિમ્બાબ્વેએ ઈતિહાસ રચી દીધો છે. ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ 149 વર્ષ લાંબો છે. ઝિમ્બાબ્વેએ એવું કામ કર્યું છે, જે આજ સુધી કોઈ ટીમ કરી શકી નથી. ઝિમ્બાબ્વે એક ટેસ્ટની બંને ઈનિંગમાં 500 રનનો સ્કોર બનાવનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આવું પ્રથમવાર જોવા મળ્યું છે. ઝિમ્બાબ્વેએ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો આ સિદ્ધિ પોતાના નામે કરી શકી નથી.
શારજાહમાં અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં રનનો વરસાદ થયો હતો. અંતમાં મેચ ડ્રો થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વેએ પ્રથમ ઈનિંગમાં 10 વિકેટ ગુમાવી 504 રન બનાવ્યા હતા. તો બીજી ઈનિંગમાં પણ ટીમે 5 વિકેટના નુકસાન પર 523 રન બનાવ્યા. ઝિમ્બાબ્વેએ દાવ ડિકલેર કર્યો નહીં. પાંચમાં દિવસે ખરાબ પ્રકાશને કારણે મેચ ડ્રો કરવી પડી હતી. ટેસ્ટના ઈતિહાસમાં આ પહેલા ક્યારેય કોઈ ટીમ બંને ઈનિંગમાં 500 રનનો આંકડો પાર કરી શકી નથી. ઝિમ્બાબ્વેએ આ કમાલ કરી દીધો છે. આ મુકાબલામાં બંને ટીમોએ મળી 1500થી વધુ રન બનાવ્યા. મેચમાં કુલ છ સદી અને એક બેવડી સદી પણ લાગી હતી.
ઝિમ્બાબ્વેના ક્રેગ એર્વિને પોતાના કરિયરની બેવડી સદી ફટકારી હતી. આ સાથે તેણે ઈતિહાસ રચી દીધો છે. તે છેલ્લા 100 વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બન્યો છે. તેની પહેલા બે ખેલાડી આ કારનામું કરી શક્યા છે. હવે અર્બિન લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તેણે 41 વર્ષ 82 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે.
શારજાહની સપાટ પિચ પર બેટરોએ ખુબ ફાયદો ઉઠાવ્યો હતો. ઝિમ્બાબ્વેની પ્રથમ ઈનિંગમાં બ્રેન્ડન ટેલરે 131 અને કેપ્ટન બ્રાયન બેનેટે 128 રન બનાવ્યા. અફઘાનિસ્તાનની ટીમ પણ પાછળ રહી નહીં. ટીમ પ્રથમ ઈનિંગમાં 514 રન બનાવ્યા. સેદિકુલ્લા અટલે 105 અને રહમનુલ્લાહે 113 રન ફટકાર્યા. તો કેપ્ટન રહમત શાહે 173 રનની ઈનિંગ રમી હતી. ઝિમ્બાબ્વે તરફથી બીજી ઈનિંગમાં એર્વિન 206 રન બનાવી અણનમ રહ્યો. તો વેસલી મધેવીરેએ પણ અણનમ 100 રન બનાવ્યા હતા. એર્વિન તો સતત ટેસ્ટ ક્રિકેટમાં મોટા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યો છે. આ વખતે તેણે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે.