ગજબ! એક પણ બોલ રમ્યા વિના બેટ્સમેન ક્લીન બોલ્ડ... WBBLમાં અજીબ ઘટના, VIDEO વાયરલ
WBBL 2026 : વિમેન્સ બિગ બેશ લીગ 2026માં મેલબોર્ન રેનેગેડ્સની સ્ટાર બેટ્સમેન ડિયાન્ડ્રા ડોટિન વિચિત્ર રીતે આઉટ થઈ. તે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ટાઈમ આઉટ થનારી પ્રથમ ખેલાડી બની. એક પણ બોલનો સામનો કર્યા વિના તે એક રીતે 'ક્લીન બોલ્ડ' થઈ ગઈ હતી.
WBBL 2026 : બુધવારે 'વુમન્સ બિગ બેશ લીગ' (WBBL) દરમિયાન એક વિચિત્ર ઘટના બની. મેલબોર્ન રેનેગેડ્સની બેટર ડિયાન્ડ્રા ડોટિન એક અત્યંત વિચિત્ર રીતે આઉટ થઈ. આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. તમે કદાચ એવા બેટર્સને જોયા હશે જે એક પણ બોલનો સામનો કર્યા વિના 'રન આઉટ' થઈ ગયા હોય, પરંતુ શું તમે ક્યારેય કોઈને એક પણ બોલ રમ્યા વિના ક્લીન બોલ્ડ થતા જોયા છે? વુમન્સ બિગ બેશ લીગમાં ડિયાન્ડ્રા ડોટિન સાથે બરાબર આવું જ બન્યું.
ટીમ ઈન્ડિયામાં ધાર્મિક ભેદભાવ? સિરાજને લઈને માહોલ ગરમાયો, BCCIને કરવી પડી સ્પષ્ટતા
મેલબોર્ન રેનેગેડ્સની આ બેટરને ક્રિઝ પર પહોંચવામાં વિલંબ કરવા બદલ કિંમત ચૂકવવી પડી. ક્રિકેટની પરિભાષામાં કહીએ તો, તે એક રીતે 'ટાઈમ આઉટ' થઈ ગઈ હતી. વુમન્સ બિગ બેશ લીગના એક ચોક્કસ નિયમ મુજબ, જો કોઈ નવો બેટર ક્રિઝ પર પહોંચવામાં 75 સેકન્ડથી વધુ સમય લે, તો તેને પછીના બોલનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.
ડિયાન્ડ્રા ડોટિન એક પણ બોલનો સામનો કર્યા વિના કેવી રીતે 'બોલ્ડ' થઈ?
WBBLના નિયમો અનુસાર, નવા બેટરે પોતાનો પહેલો બોલ રમવા માટે 75 સેકન્ડની અંદર ક્રિઝ પર પહોંચવું જરૂરી છે. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેણે પોતાની ઇનિંગ્સના પહેલા બોલ વખતે સ્ટમ્પની લાઇનથી ઓછામાં ઓછા પાંચ મીટર દૂર લેગ સાઇડ તરફ ઊભા રહેવું પડે છે. આવી સ્થિતિમાં, ફિલ્ડિંગ કરતી ટીમને એક 'ફ્રી બોલ' મળે છે એટલે કે, બેટર જ્યારે પાંચ મીટર દૂર ઊભો હોય અને સ્ટમ્પ બચાવી ન શકે, ત્યારે ફિલ્ડિંગ ટીમ પાસે સ્ટમ્પ પર નિશાન સાધવાની તક હોય છે. જો ફિલ્ડિંગ ટીમ સ્ટમ્પ પર નિશાન લગાવવામાં સફળ રહે, તો બેટરને આઉટ જાહેર કરવામાં આવે છે.
75 સેકન્ડના વિલંબને કારણે ડિયાન્ડ્રા ડોટિને આ પરિણામ ભોગવવું પડ્યું
ડોટિન છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવી હતી, પરંતુ તેને ક્રિઝ પર પહોંચવામાં અને પહેલો બોલ રમવા માટે તૈયાર થવામાં ઘણો સમય લાગી ગયો. અમ્પાયરોએ આપસમાં ચર્ચા કર્યા બાદ નક્કી કર્યું કે તેણે 75 સેકન્ડની મર્યાદા વટાવી દીધી છે. પરિણામે, તેમણે ડોટિનને આગામી બોલ માટે ક્રિઝથી દૂર ઊભા રહેવાનો નિર્દેશ આપ્યો. બ્રિસબેન હીટની બોલર સારાહ ગ્લેને સ્ટમ્પ પર નિશાન સાધ્યું, જેના કારણે ડોટિન આઉટ થઈ ગઈ.
મેલબોર્ન રેનેગેડ્સે મેચ જીતી લીધી
બિગ બેશના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું જ્યારે નવા નિયમોના અમલીકરણ બાદ કોઈ ખેલાડીને 'ટાઇમ આઉટ' જાહેર કરવામાં આવ્યો. મેલબોર્ન રેનેગેડ્સ માટે સારી બાબત એ રહી કે, 138 રનના ટાર્ગટનો પીછો કરી મેચના છેલ્લા બોલ પર આ ઓછા સ્કોરવાળા મુકાબલામાં જીત મેળવવામાં સફળ રહ્યા.