250 રન પણ ના બચાવી શકી ટીમ ઈન્ડિયા! વેસ્ટ ઈન્ડિઝે કેવી રીતે છીનવી જીત? હાર બાદ કેપ્ટનનો ચોંકાવનારો જવાબ
IND vs WI 2nd T20 : બીજી T20માં 249 રન બનાવવા છતાં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે 6 વિકેટથી હારી ગઈ. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે હારનું કારણ જણાવ્યું છે અને સંજુ સેમસન, અભિષેક શર્મા તથા મયંક યાદવના પ્રદર્શન અંગે મોટું નિવેદન આપ્યું છે.
IND vs WI 2nd T20 : 249 રન બનાવવા છતાં બીજી T20 મેચમાં ભારતીય ટીમને વેસ્ટ ઈન્ડિઝ સામે છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. પાંચ મેચની શ્રેણી હવે રોમાંચક વળાંક પર છે, જેમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. ત્રીજી T20 મેચ રવિવારના રોજ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.
ભારતીય ટીમ કે તેના કેપ્ટન શ્રેયસ અય્યર કોઈએ પણ એવી કલ્પના કરી નહોતી કે 20 ઓવરમાં 250 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યા પછી પણ તેમને નવ બોલ બાકી રહેતા છ વિકેટથી હારનો સામનો કરવો પડશે. મેચ બાદ કેપ્ટન શ્રેયસ અય્યરે પ્રેઝન્ટેશન દરમિયાન ટીમ ઈન્ડિયાની હારના કારણો વિશે ચર્ચા કરી હતી.
મેચ પછીના પ્રેઝન્ટેશન દરમિયાન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરને પૂછવામાં આવ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સામે જીત મેળવવા માટે ભારતે કેટલો સ્કોર બનાવવો જોઈતો હતો. આ પ્રશ્નના જવાબમાં કેપ્ટને કહ્યું, સાચું કહું તો, કોઈ ચોક્કસ આંકડો જણાવી શકાતો નથી, કારણ કે ડ્યૂ મહત્વની ભૂમિકા ભજવે છે, અને 249 રનનો ટાર્ગેટ બે ઓવર બાકી હતી ત્યારે જ હાંસલ કરી લેવામાં આવ્યો હતો. તેથી, તમે કોઈ ચોક્કસ આંકડો નક્કી કરી શકતા નથી કે અમારે કેટલા રનનો ટાર્ગેટ બનાવવાની કોશિશ કરવી જોઈએ.
કેવી રીતે જીત્યું વેસ્ટ ઈન્ડિઝ?
શ્રેયસ અય્યરે જણાવ્યું હતું કે, આ પીચ પર ભૂલ માટે બહુ ઓછી જગ્યા છે. જો બોલ સટીક ન હોય, તો તે સીધો સ્ટેન્ડમાં જતો રહે છે. તમે જોયું હશે કે તેઓ કેટલી શાનદાર રીતે બેટિંગ કરી રહ્યા હતા. અમે ક્યાંક ક્યાંક કેટલીક તકો ગુમાવી જોકે તે રમતનો એક ભાગ છે, પરંતુ શ્રેય વેસ્ટ ઈન્ડિઝને જ આપવો જોઈએ. તેમણે શાનદાર બેટિંગ કરી. તેમને અભિનંદન.
હાર બાદ શ્રેયસ અય્યરે શું કહ્યું?
સંજુ સેમસન અને મયંક યાદવના પ્રદર્શન વિશે વાત કરતા કેપ્ટન શ્રેયસ અય્યરે કહ્યું, તે બંનેએ પોતપોતાની ભૂમિકાઓ ખૂબ જ સારી રીતે નિભાવી. સંજુ સેમસન અને અભિષેક શર્મા પાસેથી આપણે અવારનવાર આવી જ અપેક્ષા રાખીએ છીએ. બંને સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને જવાબદારી સંભાળી રહ્યા છે. ઓપનર્સ તરીકે, તેમણે ઇનિંગ્સની શરૂઆતથી જ ટીમ માટે મજબૂત ગતિ જાળવી રાખી હતી.
મયંક યાદવે પણ શાનદાર પ્રદર્શન કરતા ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી, જોકે ત્યારબાદ બનેલી ભાગીદારીએ મેચનું પાસું વેસ્ટ ઈન્ડિઝની તરફેણમાં ફેરવી નાખ્યું હતું. હવે રવિવારે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાનારી વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચ માટે ભારતે નવી અને અલગ રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડશે.