13 સિક્સ, 8 ફોર અને 48 બોલમાં 135 રન... આ ભારતીય બેટ્સમેને મચાવી તબાહી
Rajat Patidar : રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે તોફાની સદી ફટકારી હતી. 135 રનની અણનમ ઇનિંગ્સ રમીને તેણે ચાહકોનું મનોરંજન કર્યું અને પોતે ફરી ફોર્મમાં પરત ફર્યા હોવાનો સંકેત આપ્યો. ઇનિંગ દરમિયાન તેણે 13 સિક્સ અને 8 ફોર ફટકારી હતી.
Rajat Patidar : IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમતા રજત પાટીદારે આગામી સીઝન પહેલાં તબાહી મચાવી છે. ડિસેમ્બરમાં યોજાનારી IPL ઓક્શન નજીક આવી રહી છે ત્યારે, રજતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સોમવારે આસામ સામે મધ્યપ્રદેશ માટે રમતા તેણે માત્ર 48 બોલમાં અણનમ 135 રન બનાવ્યા, જેમાં આઠ ચોગ્ગા અને 13 છગ્ગાનો સમાવેશ થાય છે.
રજત પાટીદારે ઈતિહાસ રચ્યો
મધ્યપ્રદેશ માટે પાંચમા ક્રમે બેટિંગ કરતા રજત પાટીદારે આ વિસ્ફોટક સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સદી ફટકારનારા મધ્યપ્રદેશનો પ્રથમ બેટ્સમેન બન્યો છે, જેણે માત્ર 41 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. રજતે પ્રથમ 26 બોલમાં 52 રન બનાવ્યા હતા અને ત્યારબાદ તેણે છેલ્લા 22 બોલમાં તોફાની અંદાજમાં 83 રન ફટકાર્યા હતા.
ભારતને જીત અપાવનાર મોહિત ઉલ્વાને લાગી લોટરી, સિનિયર ટીમમાં મળ્યું સ્થાન
શિવાંગ અને રજત વચ્ચે સદીની ભાગીદારી
મુલનપુર ખાતે આસામના કેપ્ટને ટોસ જીતીને મધ્યપ્રદેશ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મધ્યપ્રદેશ માટે અંકુશ સિંહે 23 રન, અક્ષત રઘુવંશીએ 19 રન અને અપૂર્વ દ્વિવેદીએ 3 રનનું યોગદાન આપ્યું. જ્યારે ટીમ 57 રનમાં ત્રણ વિકેટ ગુમાવી ચૂકી હતી, ત્યારે રજત પાટીદારે શિવાંગ કુમાર સાથે મળીને બાજી સંભાળી અને બંનેએ રનનો વરસાદ કરી દીધો. તેમણે ચોથી વિકેટ માટે માત્ર 62 બોલમાં 153 રનની ભાગીદારી નોંધાવી. શિવાંગે 38 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
એક જ ઓવરમાં 28 રન
રજતે ઇનિંગ્સની 19મી ઓવરમાં 28 રન ફટકાર્યા. અવિનવ ચૌધરી દ્વારા ફેંકવામાં આવેલા પ્રથમ બોલ પર તે કોઈ રન બનાવી શક્યો નહોતો. ત્યારબાદ, તેણે બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ત્યારબાદ રજતે પછીના ચાર બોલ પર સતત ચાર સિક્સ ફટકારી. મધ્ય પ્રદેશે પોતાની 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને કુલ 250 રન બનાવ્યા.
મધ્ય પ્રદેશની જીત
મધ્ય પ્રદેશ દ્વારા આપવામાં આવેલા 251 રનના ટાર્ગેટનો પીછો કરતી આસામની ટીમ 17.4 ઓવરમાં 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. મધ્ય પ્રદેશ માટે કુમાર કાર્તિકેય સૌથી સફળ બોલર રહ્યો, જેણે 3 વિકેટ ઝડપી. આવેશ ખાન અને રાહુલ બાથમે 2-2 વિકેટ લીધી, જ્યારે ત્રિપુરેશ સિંહ, શિવમ શુક્લા અને શિવાંગ કુમારે 1-1 વિકેટ મેળવી. રજત પાટીદારની ટીમે આ મેચ 131 રનથી જીતી લીધી અને રજતને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.