મોરબીના રવાપર-આલાપ રોડ પર રહેતા 22 વર્ષીય નરેશ નકુમ માટે ઈન્સ્ટાગ્રામની એક રિક્વેસ્ટ જીવનની સૌથી મોટી મુસીબત બની ગઈ...આરોપી કાજલ પરમારે ઇન્સ્ટાગ્રામ પર નરેશને રિક્વેસ્ટ મોકલી વાતચીત શરૂ કરી હતી...પરંતુ આ વાતચીત પાછળ ખંડણીનું મોટું ષડયંત્ર રચાયેલું હતું...કાજલ સાથેની ચેટિંગને બહાને ચાર શખ્સોએ નરેશને આંતરી લીધો અને "તું મારી બહેન સાથે કેમ વાત કરે છે?" કહી ધમકાવવાનું શરૂ કર્યું...આરોપીઓએ યુવાન પાસેથી પહેલા 50 લાખ રૂપિયાની તોતિંગ માંગણી કરી અને ત્યારબાદ 12 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો.
રૂપિયા પડાવવા માટે આરોપીઓએ યુવાનને તેના ઘર નજીક જ બેરહેમીપૂર્વક માર માર્યો હતો...એટલું જ નહીં, સમાજમાં બદનામ કરવાના ઈરાદે . તારા ઘરે અમારી બહેનને મૂકી જઈશું" તેવી ગંભીર ધમકી પણ આપી હતી. આખરે, ભોગ બનેલા યુવાને હિંમત દાખવી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી...પોલીસે તાત્કાલિક એક્શનમાં આવીને મુખ્ય સૂત્રધાર મહિલા કાજલ પરમાર તેમજ રાજુ મુછડીયા, તેજસ પઢારીયા અને ભીમજી પરમારની ધરપકડ કરી લીધી છે.
હાલ મોરબી પોલીસે ચાર આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે, જ્યારે આ ષડયંત્રમાં સામેલ ફરાર આરોપી ભાવેશ કંઝારિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે...આ ઘટના સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે મિત્રતા કરનારા યુવાનો માટે લાલબત્તી સમાન છે.
સોશિયલ મીડિયાની આ આભાસી દુનિયામાં ક્યારે કોણ મિત્રતાનો નકાબ પહેરીને તમને લૂંટવા બેઠું હોય તે કહેવું મુશ્કેલ છે...ઈન્સ્ટાગ્રામ પર આવતી દરેક રિક્વેસ્ટ પાછળ પ્રેમ કે મિત્રતા નથી હોતી, ક્યારેક તેમાં તમારી જિંદગીભરની કમાણી અને આબરૂ લૂંટવાનું ષડયંત્ર પણ છુપાયેલું હોઈ શકે છે.
મોરબીની આ ઘટના દરેક યુવાન માટે એક મોટો બોધપાઠ છે કે, અજાણ્યા પ્રોફાઈલ પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા સો વાર વિચારજો... નહીંતર તમારી એક નાનકડી ભૂલ તમને પણ આવા જ કોઈ હનીટ્રેપનો શિકાર બનાવી શકે છે...