CSKની જેમ મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટી ઉથલપાથલ, મહેલા જયવર્દને બાદ આ 3 દિગ્ગજોને આપી વિદાય
Mumbai Indians : IPLની બે મોટી ટીમોએ તેમના કોચિંગ સ્ટાફમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બાદ હવે મુંબઈ ઈન્ડિયન્સમાં પણ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. મુંબઈએ મહેલા જયવર્દને બાદ લસિથ મલિંગા સહિત 3 દિગ્ગજોને તેમના કોચિંગ સ્ટાફમાંથી હટાવી દીધા છે.
Mumbai Indians : IPL 2027 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સે તેના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ હવે શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા, પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ કાર્લ હોપકિન્સન સાથે પણ છેડો ફાડ્યો છે. આ ફેરફાર ફ્રેન્ચાઈઝીમાં ચાલી રહેલા કોચિંગ સ્ટાફના પુનર્ગઠનનો એક ભાગ છે.
સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર વચ્ચે બધું બરાબર નથી? મેચ પછી હાથ પણ ન મિલાવ્યા, જુઓ Video
મુંબઈ ઈન્ડિયન્સમાં કેમ ફેરફાર?
મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027 પહેલાં પોતાની કોચિંગ ટીમને નવેસરથી તૈયાર કરી રહી છે. ફ્રેન્ચાઈઝીએ તાજેતરમાં જ મહેલા જયવર્દને સાથેના સંબંધો પૂરા કર્યા હતા અને ભૂતપૂર્વ ખેલાડી કિરોન પોલાર્ડને હેડ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. હવે, ચેન્નાઈ સુપર કિંગ્સની જેમ જ આ ટીમ પણ પોતાના કોચિંગ સ્ટાફમાં ધરખમ ફેરફાર કરી રહી છે. જેમાં બોલિંગ કોચ, સહાયક કોચ અને અન્ય સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે.
લસિથ મલિંગા લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો હતો. એક ખેલાડી તરીકે તેણે ટીમને અનેક ટાઈટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં બોલિંગ કોચની જવાબદારી સંભાળી હતી. તે ખાસ કરીને ડેથ ઓવર્સમાં ફેંકવામાં આવતા ખાસ યોર્કર માટે જાણીતો છે.
IPL 2027 માટે નવી રણનીતિ
પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે ગત સીઝન નિરાશાજનક રહી હતી. 2026માં 10 ટીમોના પોઈન્ટ્સ ટેબલમાં આ ટીમ નવમા સ્થાને રહી હતી. આને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઈઝી આગામી સીઝન પહેલાં ટીમના પ્રદર્શન અને કોચિંગ સેટઅપ બંનેમાં સુધારો કરવા માંગે છે.
કોચિંગ સ્ટાફમાં થયેલા આ ફેરફારો બાદ હવે એ જોવાનું રહેશે કે મુંબઈ ઈન્ડિયન્સ IPL 2027માં કેવી રીતે વાપસી કરે છે. લસિથ મલિંગા મુંબઈ ઈન્ડિયન્સ સાથે વર્ષોથી જોડાયેલો છે. શરૂઆતમાં એક ખેલાડી તરીકે, બાદમાં એક વર્ષ માટે બોલિંગ મેન્ટર તરીકે અને ત્યારબાદ 2024થી ફાસ્ટ-બોલિંગ કોચ તરીકે કાર્યરત હતો.