MS Dhoni IPL Retirement : ભારતીય ક્રિકેટના સ્ટાર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પ્રાણ સમાન મહેન્દ્ર સિંહ ધોનીએ આખરે IPLમાં ખેલાડી તરીકેની તેની 18 વર્ષની સફરનો અંત આણ્યો છે. 17 નવેમ્બરે ધોનીના નિવૃત્તિના સમાચાર સાંભળીને લાખો ચાહકોના દિલ તૂટી ગયા. જોકે, આ નિર્ણય પાછળની ભાવુક કહાની હવે સામે આવી છે, જે કોઈપણ ક્રિકેટ ચાહકની આંખોમાં આંસુ લાવી દે તેવી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક રૂપા ગુરુનાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, કેવી રીતે એક મિટિંગ દરમિયાન ધોનીના એક વાક્યથી સન્નાટો છવાઈ ગયો હતો. તેમણે જણાવ્યું કે 15 નવેમ્બરના રોજ ટીમ મેનેજમેન્ટ આગામી સીઝન માટેની રણનીતિઓ પર ચર્ચા કરવા અને કયા ખેલાડીઓને રિલીઝ કરવા તે નક્કી કરવા માટે વીડિયો કોલના માધ્યમથી જોડાયા હતા.
તે ક્ષણને યાદ કરતા રૂપાએ જણાવ્યું કે, થોડા મહિના પહેલા જ્યારે તેઓ ધોનીને મળ્યા હતા, ત્યારે જ ધોનીએ આગામી સીઝનમાં રમી શકશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. શનિવારે, જ્યારે તેમનો વીડિયો કોલ પૂરો થવાને આરે હતો અને CEO કાશી વિશ્વનાથન રિલીઝ કરવામાં આવનારા ખેલાડીઓની યાદી વાંચી રહ્યા હતા, ત્યારે MSએ ખૂબ જ શાંત અવાજે કહ્યું, "કદાચ તમારે તે યાદીમાં મારું નામ પણ ઉમેરી દેવું જોઈએ."
ધોનીના આ એક વાક્યથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. જે ખેલાડીએ 2008માં IPLની શરૂઆતથી જ CSKની જવાબદારી પોતાના ખભા પર ઉઠાવી હતી, તેણે હવે મેદાનને અલવિદા કહી દીધું છે. એકદમ શાંતિથી, સાદગીપૂર્વક અને કોઈ પણ પ્રકારના દેખાડા કે ધામધૂમ વગર.
From the heart of Mrs. Rupa Gurunath - Owner, Chennai Super Kings Read More : https://t.co/AFjZ5yiuN4 https://t.co/Dncjo7kGDa
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026
થોડા સમયથી ધોની સતત ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો હતો. પગના સ્નાયુની ઈજાને કારણે તે 2026ની આખી સીઝન રમી શક્યો નહોતો. આ એક એવો ફટકો હતો જેની સ્પષ્ટ અસર ટીમની કામગીરી પર પડી, કારણ કે CSK તે સીઝનમાં માત્ર 6 મેચ જ જીતી શકી.
ધોનીની આ ભાવનાને બિરદાવતા રૂપા ગુરુનાથે કહ્યું કે, છેલ્લા 20 વર્ષોમાં CSK અને MS ધોની દરેક ઉતાર-ચઢાવમાં એકબીજાની પડખે ઊભા રહ્યા છે.
ધોની એવો વ્યક્તિ છે કે જે ટીમ માટે 200 ટકા ન આપી શકે, તો તે રમવાનું પસંદ કરતો નથી. તે ક્યારેય ટીમની પ્રગતિમાં અવરોધ બનવા માંગતો નથી. જ્યારે તેને સમજાયું કે તે હવે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નથી આપી શકે તેમ, ત્યારે તેણે સ્વૈચ્છિક રીતે હટી જવાનો નિર્ણય લીધો.
ભલે હવે આપણને તેની ચપળ સ્ટમ્પિંગ, હેલિકોપ્ટર શોટ્સ કે પછી માત્ર એક આંગળીના ઈશારે ફિલ્ડિંગ ગોઠવીને મેચનું પાસું પલટાવવાની તેની અનોખી આવડત જોવા ન મળે, પરંતુ CSK સાથેનો તેનો સંબંધ અકબંધ છે. આગામી સીઝનમાં, ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મેન્ટર તરીકે સેવા આપશે.