PM Modi Speech: અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં ઓગણજ સર્કલ પાસે ગોપી વિવેન્ઝા પાર્ટી પ્લોટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભાના ઓઢવ સ્થિત શ્રીરામ પાર્ટી પ્લોટ ખાતે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મજુરા વિધાનસભાના અલથાણ સ્થિત કેશવ પાર્ટી પ્લોટ ખાતે હાજર રહ્યા હતા. ઓઢવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કાર્યકરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ સ્નેહમિલન માત્ર નવા વર્ષની શુભેચ્છાઓ પૂરતું સીમિત ન રહેતાં આગામી વિધાનસભા ચૂંટણી માટે સંગઠનને સક્રિય કરવાનો પ્રયાસ બની રહ્યો હતો. 28 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભાજપ સરકારને વધુ પાંચ વર્ષ સુધી સત્તામાં જાળવી રાખવાના લક્ષ્ય સાથે આગામી એક વર્ષ સુધી કાર્યકરોને સતત સક્રિય રાખવાની રણનીતિનો સંદેશ આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો.
ઘાટલોડિયા ખાતેના સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું આ સ્નેહમિલન છે અને આપણે સૌના સ્નેહથી જ જીતવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને સરકાર પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતની ઔદ્યોગિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ચિપથી લઈને શિપ અને ન્યૂ એજ ઇન્ડસ્ટ્રીઝ સુધી ગુજરાત દેશને નવી દિશા આપી રહ્યું છે. દેશમાં નિર્માણ પામનારા ૧૨ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી છ ગુજરાતમાં હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
મહિલા અને કન્યા શિક્ષણ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ હેઠળ વિદ્યાર્થિનીઓને આપવામાં આવેલી સહાય, આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, આયુષ્માન ભારત હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર, યુવાનો માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તેમજ ખેડૂતો માટે બીજથી બજાર સુધીની વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા વિકસિત ગુજરાતના નિર્માણ માટે વધુ ઊર્જા સાથે આગળ વધવા કાર્યકરોને આહ્વાન કર્યું હતું.
સ્નેહમિલન કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યકરોને સંબોધતાં પોતાના ૨૫ વર્ષના જાહેર જીવન અને ગુજરાત સાથેના સંસ્મરણો વાગોળ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, આજે આપણે જે સ્વર્ણકાળનાં સપનાં જોઈ રહ્યા છીએ તે આવનારી પેઢી સાકાર થતું જોશે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ અત્યંત મહત્વનું છે. છેલ્લા ૨૫ વર્ષમાં જે કામગીરી થઈ છે તેના કરતાં અનેકગણું કામ આગામી ૨૦ વર્ષમાં કરવાનું છે.
વડાપ્રધાને સમાજની એકતા અને સંગઠનની શક્તિ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, દરેક સમાજે એકતાની તાકાત આપી છે. સમાજ સાથે મળીને નવું સર્જન કરવું એ ભાજપના કાર્યકરોના સંસ્કારમાં છે. કાર્યકરોના સહકાર વિના ગુજરાતની આટલી સેવા શક્ય બની ન હોત તેમ પણ તેમણે જણાવ્યું હતું.
પોતાના સંબોધનમાં વડાપ્રધાને ગરીબ કલ્યાણની યોજનાઓનો ઉલ્લેખ કરતાં જનધન બેંક ખાતાં, ગેસ કનેક્શન અને આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓને ગરીબોના જીવનમાં પરિવર્તન લાવનારી ગણાવી હતી. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૨ વર્ષમાં ૫૦ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સિદ્ધિને તેમણે દેશ માટે મોટી સફળતા ગણાવી હતી.
ભાજપમાં સામાન્ય કાર્યકરને પણ આગળ વધવાની તક મળે છે તે અંગે ઉદાહરણ આપતાં તેમણે રમેશ ભીલ અને ઓટો ચાલકમાંથી કાઉન્સિલર બનેલા અતુલ મિસ્ત્રીનો ઉલ્લેખ કર્યો હતો. ભાજપમાં કાર્યકર હોવું એ જ મોટું સૌભાગ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદની પ્રથમ દિવાળીનો પ્રસંગ પણ યાદ કર્યો હતો. ભૂકંપ બાદ કચ્છ અને જામનગર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પીડિત પરિવારોને મળવા પહોંચ્યા હતા અને તે સમયે બીજાના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવાનો જે આનંદ મળ્યો હતો તેને યાદ કર્યો હતો. આજે કચ્છ નવી આશાઓનું કેન્દ્ર બની રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી, ડેરી ઉદ્યોગ, કૃષિ, સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતની બદલાતી ઓળખનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કાર્યકરોને મહેનતમાં કોઈ કચાસ ન રાખવા અને નિરાશાવાદી અભિગમથી દૂર રહી પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા હાકલ કરી હતી.
આમ, 182 બેઠકો પર યોજાયેલા એકસાથે સ્નેહમિલન કાર્યક્રમમાં નવા વર્ષની શુભેચ્છાઓની સાથે ભાજપે સંગઠનાત્મક શક્તિ, સરકારની કામગીરી અને આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે કાર્યકરોને સક્રિય રાખવાનો સંદેશ આપ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સેવા અને જનસમર્પણનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે જૂની યાદો વાગોળી હતી. દિવાળીના પર્વ સાથે જોડાયેલી કેટલીક યાદો તાજી કરતાં PM મોદીએ ગુજરાતના સંઘર્ષ, વિકાસ અને ભાજપના કાર્યકર્તાઓના યોગદાનની વાત કરી હતી.
PM મોદીએ જણાવ્યું હતું કે, આ વખતની દિવાળી તેમના માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ રહી છે. કારણ કે ગુજરાતમાં જનતાની સેવા કરતાં 25 વર્ષ પૂર્ણ થવાની લાગણી આ દિવાળી સાથે જોડાયેલી છે. આટલા વર્ષો સુધી જનતાની સેવા કરવાનો અવસર મળ્યો તે તેમના માટે સૌભાગ્યની વાત છે.
તેમણે આ સફળતાનો શ્રેય ભાજપના કાર્યકર્તાઓને આપતાં કહ્યું કે, કાર્યકર્તાઓનો સાથ, સહયોગ અને સમર્પણ ન મળ્યું હોત તો આટલું મોટું કામ કરવું શક્ય બન્યું ન હોત.
વર્ષ 2001ના દિવસોને યાદ કરતાં PM મોદીએ ગુજરાતના ભૂકંપની વાત કરી હતી. ભૂકંપ બાદ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા પછીની પહેલી દિવાળી તેમના માટે ખાસ રહી હતી. આ દિવાળી તેમણે પોતાના પરિવાર કે પરંપરાગત ઉજવણીમાં વિતાવવાને બદલે કચ્છ, જામનગર અને ભૂકંપથી અસરગ્રસ્ત ગામોમાં જઈને પીડિત પરિવારો સાથે વિતાવી હતી.
PM મોદીએ કહ્યું કે, એ દિવસોમાં તેમને એક મોટો વિશ્વાસ મળ્યો હતો. તહેવારોની સાચી ખુશી માત્ર પોતાના જીવનમાં આનંદ મનાવવામાં નથી, પરંતુ બીજાના જીવનમાં આશાનો દીપ પ્રગટાવવામાં છે. મુશ્કેલીના સમયમાં લોકોની પડખે ઊભા રહેવું અને તેમના જીવનમાં ખુશીઓ લાવવી એ જ સાચી તાકાત છે.
આજે એ જ કચ્છ આશાઓના નવા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. અહીં વિકાસનો નવો અધ્યાય લખાઈ રહ્યો છે અને સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થઈ રહ્યો છે.
ગુજરાતના બદલાતા ચહેરાનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે ગુજરાતની ઓળખ મુખ્યત્વે વેપાર અને ખાણ-ખનિજ સાથે જોડાયેલી હતી. પરંતુ આજે ખેતી, ડેરી, ઉદ્યોગ અને સેમિકન્ડક્ટર સહિત અનેક ક્ષેત્રોમાં ગુજરાત દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે.
આ પરિવર્તન પાછળ ભાજપના કાર્યકર્તાઓનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે. PM મોદીએ જણાવ્યું કે, સમયની સાથે કાર્યકર્તાઓની પેઢીઓ બદલાઈ ગઈ છે. અનેક વરિષ્ઠ નેતાઓ અને મહારથીઓ આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે આપેલા સંસ્કાર અને બતાવેલી દિશા આજે પણ સંગઠનને આગળ લઈ જઈ રહ્યાં છે.
તેમણે જૂના કાર્યકર્તાઓના સંઘર્ષને યાદ કરતાં કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે આપણી પાસે સંસાધનો અને સુવિધાઓ નહોતાં, છતાં કાર્યકર્તાઓએ સેવા અને સંગઠનનું કામ ક્યારેય અટકવા દીધું નહોતું.
PM મોદીના મતે ગુજરાતે આજે વિકાસની જે ઊંચાઈ હાંસલ કરી છે, તેની પાછળ વર્ષોનું સમર્પણ, કાર્યકર્તાઓની મહેનત અને જનતાનો અતૂટ વિશ્વાસ રહેલો છે. આખરે PM મોદીએ આ 25 વર્ષની સફરને માત્ર સત્તાની સફર નહીં, પરંતુ સેવા, સમર્પણ, સંઘર્ષ અને ગુજરાતના પરિવર્તનની સફર ગણાવી હતી.
ગુજરાતના ભૂતકાળના સંઘર્ષથી લઈને આજના વિકાસ સુધીની આ સફર PM મોદીએ જૂની યાદો દ્વારા રજૂ કરી હતી. સાથે જ તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો કે કોઈપણ મોટા પરિવર્તન પાછળ કાર્યકર્તાઓની મહેનત, જનભાગીદારી અને સેવાનો ભાવ સૌથી મોટો આધાર હોય છે.
ગુજરાતમાં ભાજપની 25 વર્ષની સફર, કાર્યકર્તાઓનું સમર્પણ અને રાજ્યના વિકાસની વાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે એવા કાર્યકર્તાઓનો ઉલ્લેખ કર્યો, જેઓએ સામાન્ય જીવનમાંથી શરૂઆત કરીને સંગઠન અને જનસેવાના ક્ષેત્રે આગવી ઓળખ બનાવી છે.
PM મોદીએ રમેશ ભીલનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, તેઓ ત્રણ દાયકાથી ભાજપ કાર્યાલયમાં ચા પીવડાવવાનું કામ કરતા હતા અને આજે કાઉન્સિલર બન્યા છે. જ્યારે અતુલ મિસ્ત્રી એક સમયે ઓટો ચલાવતા હતા, પરંતુ આજે તેઓ પણ કાઉન્સિલર બન્યા છે.
પોતાના જીવનનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે, મારા જેવા એક સામાન્ય કાર્યકરને પાર્ટીએ મોટો બનાવ્યો છે. પાર્ટીએ મારી કસોટી પણ કરી અને મને કામ કરવાનો અવસર પણ આપ્યો. આ બધું ભાજપમાં જ શક્ય છે. અહીં વ્યક્તિના કદ કરતાં તેના કામને મહત્વ આપવામાં આવે છે. ભાજપનો કાર્યકર્તા હોવું એ જ પોતાનામાં મોટું સૌભાગ્ય છે.
વર્ષ 2001ના મુશ્કેલ દિવસોને યાદ કરતાં PM મોદીએ ગુજરાતની સ્થિતિનું વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે, એ સમયે બેંકોમાં નાણાં નહોતાં, લોકો હિજરત કરી રહ્યા હતા, ખાવા માટે અનાજની અછત હતી. લોકો સુખડી એકઠી કરતા હતા, કારણ કે ખાવાનું પણ મળતું નહોતું. પશુઓ માટે ચારો નહોતો, ત્યારે પશુઓને બચાવવા માટે ચારો લાવવો પડતો હતો.
પરંતુ ગુજરાતે જનભાગીદારીના આધારે આ તમામ સંકટોનો સામનો કર્યો અને તેમાંથી બહાર નીકળ્યું. આજે લગભગ ત્રણ પેઢીઓએ ગુજરાતના પરિવર્તનને જોયું છે.
એક સમય એવો હતો જ્યારે ગુજરાત દર દસમાંથી સાત વર્ષ દુષ્કાળનો સામનો કરતું હતું. પરંતુ આજે પાણી માટે અનેક યોજનાઓ અમલમાં આવી છે અને લોકોને પાણી મળતું થયું છે. મુખ્યમંત્રી તરીકેના પોતાના કાર્યકાળને યાદ કરતાં PM મોદીએ કહ્યું કે, ત્યારે પાણીના બજેટને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવતા હતા, પરંતુ આજે એ જ કામનું મહત્વ સમજાઈ રહ્યું છે.
ગુજરાતમાં થયેલા વિકાસના કામો અને અનેક સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કામો આવનારી સદીના મજબૂત પાયાના નિર્માણ સમાન છે. પ્રાકૃતિક ખેતી જેવી પહેલ પણ ભવિષ્યમાં અનેક લોકોને લાભ પહોંચાડશે.
PM મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના શરૂઆતના દિવસો યાદ કરતાં જણાવ્યું કે, વર્ષ 2001માં મુખ્યમંત્રી બન્યા બાદ તેમનો પહેલો કાર્યક્રમ ડીસામાં ગરીબ કલ્યાણ મેળાનો હતો. આ કાર્યક્રમનો હેતુ ગરીબ પરિવારોમાં વિશ્વાસ જગાવવાનો અને તેમને ગરીબીમાંથી બહાર લાવવાનો હતો.
આ જ અનુભવ આગળ જતાં વર્ષ 2014માં પણ કામ આવ્યો. કેન્દ્રમાં સરકાર બન્યા બાદ જનધન યોજના દ્વારા લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા. ત્યારબાદ ગરીબો અને વંચિત પરિવારો સુધી ગેસ કનેક્શન, આયુષ્માન કાર્ડ સહિતની અનેક યોજનાઓ પહોંચાડવામાં આવી.
PM મોદીએ કહ્યું કે, દલિત, આદિવાસી અને સમાજના દબાયેલા-કચડાયેલા વર્ગોને વિકાસની મુખ્યધારા સાથે જોડવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે. છેલ્લા 12 વર્ષમાં 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે તેને આઝાદી પછીની મોટી સફળતાઓમાંની એક ગણાવી હતી.
તેમણે ઉમેર્યું કે, આઝાદીની લડતમાં યોગદાન આપનારા લોકોને પણ આજે આ પ્રકારના પરિણામો જોઈને આનંદ થતો હશે. જોકે, કેટલીક વ્યક્તિઓને આ સિદ્ધિઓ પસંદ ન પણ આવે, પરંતુ સરકારની નીતિ અને દિશા સાચી છે અને તેમાં કોઈ કચાસ રાખવામાં આવશે નહીં.
ભવિષ્યના ભારત અંગે વાત કરતાં PM મોદીએ કહ્યું કે, આજે આપણે જે સ્વર્ણિમ યુગનાં સપનાં જોઈ રહ્યા છીએ, તે આવનારી પેઢી સાકાર થતું જોશે. આપણે એવા સંસ્કારો સાથે આગળ વધ્યા છીએ, જે ક્યારેય ઓછા પડવાના નથી. સમાજના દરેક વર્ગને સાથે લઈને કંઈક નવું કરવાની આપણી પરંપરા રહી છે. દરેક સમાજે એકતાની તાકાત આપી છે.
આગળ તેમણે વિકસિત ભારતના સંકલ્પનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, દેશે વિકસિત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે અને તેના માટે ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે શું કરવાનું છે તેની યોજના છે. વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાતની ભૂમિકા પણ અત્યંત મહત્વપૂર્ણ રહેશે.
PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ગુજરાતે છેલ્લા 25 વર્ષમાં જે વિકાસ કર્યો છે, તેના કરતાં અનેક ગણું કામ આગામી 20 વર્ષમાં કરવામાં આવશે.
અંતમાં કાર્યકર્તાઓ વચ્ચે આવતાં જૂની યાદો તાજી થતી હોવાનું જણાવતાં PM મોદીએ કહ્યું કે, ગુજરાતની વાત આવે ત્યારે ગુજરાતની યાદો મનમાં ઊભરી આવે છે. કાર્યકર્તાઓ વચ્ચે આવું ત્યારે ઘણું બધું કહેવાનું મન થાય છે. દિવાળીના દીપની જેમ આ જૂની યાદો પણ મનમાં પ્રકાશ ફેલાવે છે.
આમ, PM મોદીના સંબોધનમાં ભાજપના સામાન્ય કાર્યકર્તાથી લઈને ગુજરાતના વિકાસ, ગરીબ કલ્યાણ અને વિકસિત ભારતના સંકલ્પ સુધીની 25 વર્ષની સફરની ઝલક જોવા મળી હતી.