Litton Das Record : બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. આ ફોર્મેટના 149 વર્ષના ઈતિહાસમાં તેણે એક એવો વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે જે અન્ય કોઈ ક્રિકેટરે ક્યારેય બનાવ્યો નથી. જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન, બાંગ્લાદેશના વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે શાનદાર સદી ફટકારી અને ત્યારબાદ વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી, જેમાં 6 કેચ અને 2 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.
ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં લિટન દાસ એવો પ્રથમ ક્રિકેટર બન્યો છે, જેણે એક જ મેચમાં સદી ફટકારી હોય અને સાથે જ વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કર્યા હોય. દક્ષિણ આફ્રિકા સામેની આ પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પોતાની પ્રથમ ઇનિંગ્સમાં કુલ 400 રન બનાવ્યા. બાંગ્લાદેશ માટે તૌહીદ હૃદય અને લિટન દાસ બંનેએ સદી ફટકારી હતી. પાંચમા ક્રમે બેટિંગ કરતા તૌહીદ હૃદયે 227 બોલમાં 137 રન બનાવ્યા હતા.
સાતમા ક્રમે બેટિંગ કરવા આવેલા વિકેટકીપર-બેટ્સમેન લિટન દાસે પોતાની ટેસ્ટ કારકિર્દીની આઠમી સદી ફટકારી. તેણે 179 બોલમાં 120 રન બનાવ્યા. બાંગ્લાદેશના પ્રથમ ઇનિંગ્સના 400 રનના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 557 રન બનાવીને 157 રનની મજબૂત સરસાઈ મેળવી લીધી. દક્ષિણ આફ્રિકાની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન, લિટન દાસે વિકેટની પાછળ રહીને 8 ખેલાડીઓને આઉટ કરવામાં યોગદાન આપ્યું. જેમાં તેણે 6 કેચ પકડ્યા અને 2 સ્ટમ્પિંગ કર્યા.
આ સાથે લિટન દાસ વિશ્વનો એવો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, જેણે એક જ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારી હોય અને વિકેટકીપર તરીકે 6થી વધુ ખેલાડીઓને આઉટ કરવામાં ભૂમિકા ભજવી હોય. આ સાથે તેણે દક્ષિણ આફ્રિકાના ડેનિસ લિન્ડસે (1966) અને એબી ડી વિલિયર્સ (2013)ને પાછળ છોડી દીધા છે. રસપ્રદ વાત એ છે કે, ડેનિસ લિન્ડસે અને એબી ડી વિલિયર્સ બંનેએ પણ જોહાનિસબર્ગમાં જ સદી ફટકારવાની અને વિકેટ પાછળ રહીને 6 ખેલાડીઓને આઉટ કરવાની સિદ્ધિ મેળવી હતી. હવે, તે જ સ્થળે લિટન દાસે એક જ ટેસ્ટ ઇનિંગમાં સદી ફટકારીને અને 6થી વધુ ખેલાડીઓને આઉટ કરવામાં યોગદાન આપ્યું છે.