IPL Trade : આગામી સિઝન પહેલાં ઈન્ડિયન પ્રીમિયર લીગની બે મુખ્ય ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ખેલાડીઓની અદલાબદલી થઈ છે. આ ટ્રેડ હેઠળ ભારતના ફાસ્ટ બોલર ટી. નટરાજનની સનરાઈઝર્સ હૈદરાબાદમાં વાપસી થઈ રહી છે, જ્યારે યુવા લેગ-સ્પિનર ઝીશાન અન્સારી હવે દિલ્હી કેપિટલ્સની જર્સીમાં જોવા મળશે.
નટરાજનની ₹5 કરોડમાં SRHમાં વાપસી
ટી. નટરાજને અગાઉ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સતત પાંચ સિઝન (2020–2024) સુધી રમીને IPLમાં સૌથી પ્રભાવશાળી ભારતીય ફાસ્ટ બોલરોમાંના એક તરીકે પોતાની ઓળખ બનાવી હતી. 2024ની સિઝન તેના કરિયરની સૌથી સફળ સિઝન હતી, જેમાં તેણે 19 વિકેટ ઝડપી હતી.
🚨 News 🚨 T. Natarajan returns to @SunRisers, Zeeshan Ansari moves to @DelhiCapitals following a player trade between the two franchises. More details 🔽 | #TATAIPL https://t.co/1fXQ3GqWPp
— IndianPremierLeague (@IPL) October 14, 2026
તે સિઝનમાં તે SRHનો સૌથી સફળ બોલર હતો અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. IPL 2025ની ખેલાડીઓના ઓક્શનમાં, દિલ્હી કેપિટલ્સે નટરાજનને ₹10.75 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. જોકે, આ ટ્રેડ હેઠળ તે હવે ₹5 કરોડની ફી સાથે હૈદરાબાદમાં ફરી જોડાશે. ઝીશાન અન્સારી દિલ્હી કેપિટલ્સના સ્પિન વિભાગને મજબૂત બનાવશે.
ઝીશાને ડેબ્યૂ મેચમાં જ ત્રણ વિકેટ ઝડપી હતી
26 વર્ષીય લેગ-સ્પિનર ઝીશાન અન્સારી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે 10 મેચ રમ્યા બાદ દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ રહ્યો છે. ઝીશાને ડેબ્યૂ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ત્રણ વિકેટ ઝડપીને પોતાની IPL કારકિર્દીની શાનદાર શરૂઆત કરી હતી. તેણે અત્યાર સુધી રમાયેલી 10 IPL મેચોમાં છ વિકેટ ઝડપી છે. તેઓ ₹40 લાખની તેની વર્તમાન ફી સાથે દિલ્હી કેપિટલ્સમાં જોડાશે, જેનાથી ટીમનું સ્પિન આક્રમણ વધુ મજબૂત બનશે.