SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

શું તમારું પણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું છે સપનું, તો જાણી લો કેવી રીતે થાય છે સિલેક્શન

Team India Selection Process : જો તમે પણ એક ક્રિકેટર છો અને તમારું પણ ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનું સપનું છે, તો આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે, ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટેની પ્રોસેસ શું છે અને તમે કેવી રીતે ઈન્ડિયન જર્સીમાં રમવાનું સપનું પૂરું કરી શકો છો.

Written By Dilip Chaudhary
Published: Oct 14, 2026, 05:46 PM IST | Updated: Oct 14, 2026, 05:48 PM IST
Join

Team India Selection Process : જો આજે ભારતીય ક્રિકેટ ટીમ વૈશ્વિક મંચ પર સફળતાના શિખરો સર કરી રહી છે, તો તેમાં IPL અને ભારતના મજબૂત સ્થાનિક ક્રિકેટ માળખાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. 1.48 અબજની વસ્તી ધરાવતા દેશમાંથી પ્રતિભાશાળી ક્રિકેટરોને શોધી કાઢવા એ દરિયામાંથી મોતી શોધવા સમાન છે. એક મુશ્કેલ કામ છે, છતાં અશક્ય નથી. આજે દેશના ખૂણેખૂણે છુપાયેલી પ્રતિભાઓ બહાર આવી રહી છે અને તેમને IPL જેવા ભવ્ય મંચ પર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની તક મળી રહી છે.

IND vs WI : વૈભવની પોસ્ટે મચાવી હલચલ... ચોથી T20માં પણ સૂર્યવંશીને નહીં મળે તક?

સ્થાનિક ક્રિકેટ અને IPLમાં શાનદાર પ્રદર્શન કરનારા અમુક પસંદગીના ખેલાડીઓને જ આખરે ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાનું સૌભાગ્ય મળે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી જેવા નામો આ મજબૂત વ્યવસ્થાની જ દેન છે. આ તમામ સ્ટાર્સ એક સમયે અજાણ્યા હતા, પરંતુ યોગ્ય માર્ગદર્શન અને મંચે તેમને વિશ્વસ્તરીય ખેલાડીઓ બનાવ્યા.

ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવવાની પ્રોસેસ

દર વર્ષે IPLમાં નવી અને ધમાકેદાર યુવા પ્રતિભાઓને લાવવા માટે પડદા પાછળ એક મહત્વપૂર્ણ અને વ્યવસ્થિત પ્રક્રિયા કાર્યરત હોય છે. દરેક IPL ફ્રેન્ચાઇઝી પોતાની ટેલેન્ટ સ્કાઉટ ટીમ ધરાવે છે જે આખું વર્ષ એક્ટિવ રહે છે. આ સ્કાઉટ્સ BCCI દ્વારા આયોજિત રાજ્ય-સ્તરની T20 લીગ અને સ્થાનિક ટુર્નામેન્ટ્સ પર નજીકથી નજર રાખે છે. ઉદાહરણ તરીકે, મુંબઈ ઈન્ડિયન્સની સ્કાઉટિંગ ટીમ ઉભરતા ખેલાડીઓને શોધવા માટે રણજી ટ્રોફી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફી, વિજય મર્ચન્ટ જેવી ટુર્નામેન્ટ્સમાં હાજરી આપે છે.

માત્ર મેચોમાં ખેલાડીઓનું પ્રદર્શન જોવું પૂરતું નથી, સ્કાઉટ્સ આ આશાસ્પદ યુવાનોને તેમની ફ્રેન્ચાઇઝી દ્વારા યોજવામાં આવતા વિશેષ ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે. અહીં, કોચ અને માર્ગદર્શકો ખેલાડીઓ સાથે નજીકથી કામ કરે છે, તેમની પ્રતિભાને નિખારે છે અને એકેડેમીમાં તેમની નબળાઈઓ પર ધ્યાન આપે છે. આ ઝીણવટભરી તપાસ અને સખત મહેનત બાદ જ કોઈ અજાણ્યો ખેલાડી સ્થાનિક ક્રિકેટ અને IPLના માધ્યમથી આગળ વધીને આખરે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવે છે.

કેવી રીતે મળે છે એક શ્રેષ્ઠ ક્રિકેટર?

આજે દિલ્હી પ્રીમિયર લીગ, યુપી T20 લીગ, મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ, તમિલનાડુ પ્રીમિયર લીગ અને કેરળ T20 લીગ જેવી લીગમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ સામે આવી રહ્યા છે. આ સ્થાનિક લીગ દ્વારા ખેલાડીઓ સ્કાઉટ્સનું ધ્યાન ખેંચે છે. નાના શહેરોમાંથી આવતા આ છુપા રત્નો IPLમાં ધૂમ મચાવે છે અને અંતે ભારતીય નેશનલ ટીમનો હિસ્સો બનીને દેશનું ગૌરવ વધારે છે.

વૈભવ સૂર્યવંશી જેવા યુવા ખેલાડીઓ ખૂબ નાની ઉંમરે IPL અને ટીમ ઈન્ડિયા સુધી પહોંચી રહ્યા છે તે હકીકત દર્શાવે છે કે પ્રતિભા શોધવાની સિસ્ટમ કેટલી અદ્યતન બની ગઈ છે. ભવિષ્યમાં ભારતની પ્રતિભા શોધવાની સિસ્ટમ આવા અનેક અમૂલ્ય રત્નોને શોધી કાઢશે, જે સ્થાનિક ક્રિકેટ અને IPL દ્વારા આગળ વધીને ટીમ ઈન્ડિયામાં જોડાશે અને વિશ્વ ક્રિકેટમાં વર્ચસ્વ જમાવશે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર બનવાની સફર

પ્રતિભાની શોધ

IPLના સ્કાઉટ્સ સમગ્ર ભારતમાં પ્રવાસ કરીને એવા ખેલાડીઓની ઓળખ કરે છે જેઓ રાજ્ય સ્તરની T20 લીગ અને સ્થાનિક ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરે છે. ત્યારબાદ સ્કાઉટ્સ આ ખેલાડીઓને તેમની સંબંધિત ફ્રેન્ચાઇઝી દ્વારા આયોજિત વિશેષ ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે આમંત્રિત કરે છે.

વિશેષ ટ્રાયલ્સ અને નેટ સેશન્સ

IPL સીઝન શરૂ થવાના થોડા મહિના પહેલા ફ્રેન્ચાઇઝીઓ તેમના સંબંધિત શહેરોમાં વિશેષ કેમ્પનું આયોજન કરે છે. રાજ્ય અને જિલ્લા સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓને આ કેમ્પમાં આમંત્રિત કરવામાં આવે છે. અહીં, ભારતીય અને આંતરરાષ્ટ્રીય કોચિંગ સ્ટાફ ખેલાડીઓની ટેકનિકનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કરે છે.

IPL પ્લેટફોર્મ

રાજ્ય T20 લીગ, સ્થાનિક ટુર્નામેન્ટ અને IPL ટ્રાયલ્સમાં સારું પ્રદર્શન કરનારા ક્રિકેટરોને IPL ઓક્શન માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. ઓક્શનમાં સોલ્ડ થયા પછી તેમનું નસીબ બદલાઈ જાય છે. IPL દરમિયાન તેમને માત્ર રમવાની તક જ નથી મળતી, પરંતુ વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટ દિગ્ગજો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક પણ મળે છે.

આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ

IPL અને સ્થાનિક ક્રિકેટ દ્વારા પોતાની કુશળતાને નિખારનારા પસંદગીના ક્રિકેટરોની ટીમ ઈન્ડિયા માટે પસંદગી કરવામાં આવે છે. પસંદગી થયા બાદ, તેમને ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કરવાની તક મળે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES