ભારતની ઐતિહાસિક જીત છતાં ગૌતમ ગંભીર નાખુશ: 811 રનની મેચ બાદ આપ્યું મોટું નિવેદન
Gautam Gambhir Statement: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વનડેમાં બંને ટીમોએ કુલ મળી 811 રન બનાવ્યા. ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 406 રનનો લક્ષ્ય હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે. પરંતુ કોચ ગૌતમ ગંભીર ખુશ નથી.
ભારતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 406 રનનો વિશાળ ટાર્ગેટ હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે. આ ટીમ ઈન્ડિયાનો વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટો સફળ રનચેઝ છે. સાઉથ આફ્રિકા બાદ ભારત વનડે ક્રિકેટમાં 400થી વધુ રનનો ટાર્ગેટ હાસિલ કરનાર બીજો દેશ બની ગયો છે. આ રનચેઝમાં કેપ્ટન શુભમન ગિલ અને રોહિત શર્માએ શાનદાર સદી ફટકારી હતી. ગિલે અણનમ બેવડી સદી ફટકારતા 223 રન બનાવ્યા હતા. તો રોહિત શર્માએ 101 રનનું યોગદાન આપ્યું હતું. ગુવાહાટીમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો. પરંતુ ગૌતમ ગંભીર આ મેચથી ખુશ નથી. તેણે મેચ બાદ બ્રોડકાસ્ટર્સને તેનું કારણ પણ જણાવ્યું છે.
મેચ બાદ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સની સાથે વાત કરતા ગંભીરે કહ્યુ, 'જુઓ જો હું ઈમાનદારીથી કહું તો મને લાગે છે કે બેટ અને બોલ વચ્ચે થોડો મુકાબલો થવો જોઈએ, કારણ કે તમે ક્રિકેટની વાત કરો છો- પરંતુ આ ક્રિકેટ નથી, માત્ર બેટિંગ છે.'
કારણ કે વિચારો એક યુવા બોલર આ વિકેટ પર બોલિંગ કરી રહ્યો છે અને વિરોધી ટીમ 400 રન બનાવી રહી છે અને પછી અમે 400 રનનો પીછો કરીએ છીએ. સ્પષ્ટ છે કે રેકોર્ડ માટે શાનદાર છે, ફેન્સ માટે શાનદાર છે, બ્રોડકાસ્ટર માટે આ શાનદાર છે, પરંતુ જો તમે મને એક અસલી ક્રિકેટ ફેન અને કોચ તરીકે પૂછો તો મારે બોલર માટે સહાનુભૂતિ રાખવી પડશે.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાએ પહેલીવાર વનડેમાં ચેઝ કર્યો 400થી વધુનો ટાર્ગેટ, ગિલની ડબલ સેન્ચુરી, રોહિતની સદી
જ્યારે તમે આ પ્રકારની વિકેટ પર બોલિંગ કરો છો તો તે બોલર માટે યોગ્ય નથી. તેથી અમારે એવું કંઈક આપવું પડશે જેથી ઓછામાં ઓછા કંઈક એવું થાય જેના પર બોલર કામ કરી શકે.
811 રન, 5 સદીની સાથે એક બેવડી સદી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી વનડે ગુવાહાટીમાં રમાઈ હતી. જ્યાં પ્રથમ વનડેમાં 296 રન બનાવનાર વિન્ડીઝ ટીમે બીજી વનડેમાં શાનદાર શરૂઆત કરી અને 50 ઓવરમાં 405 રન ફટકાર્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી જોન કેમ્બેલ, કેપ્ટન શાઈ હોપ અને અમીર જંગૂએ સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના વનડે ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમવાર ત્રણ બેટરોએ એક ઈનિંગમાં સદી ફટકારી હતી.
ભારતે આ પહેલા ક્યારેય 400થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો નહોતો, પરંતુ ગુવાહાટીમાં નવો ઈતિહાસ રચાયો હતો. કેપ્ટન શુભમન ગિલે અણનમ 223 રન ફટકારતા ભારતને 44મી ઓવરમાં જીત અપાવી હતી. આ સાથે ભારતે સિરીઝ પણ કબજે કરી લીધી છે.