અસંભવ... વાઈડ બોલ પર સિક્સર! છતાં ટીમને મળ્યા માત્ર 5 રન, અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય
Canada T10 League : કેનેડાની T10 ક્રિકેટ લીગની સેમિફાઇનલમાં અલી ખાનનો એક બોલ બેટ્સમેન અને વિકેટકીપર બંનેની ઉપરથી પસાર થઈને સીધો સ્ટેન્ડમાં ગયો, તેમ છતાં ટોરોન્ટો સિક્સર્સને માત્ર 5 રન આપવામાં આવ્યા.
Canada T10 League : તમે ક્રિકેટમાં અસંખ્ય ચોગ્ગા-છગ્ગા જોયા હશે, પરંતુ આવો છગ્ગો કદાચ તમે ક્યારે જ જોયો હશે. કેનેડા સુપર-60ની સેમિફાઇનલ દરમિયાન એક બોલ વિકેટકીપરના માથા પરથી પસાર થઈને સીધો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. સ્ટેડિયમમાં હાજર ચાહકોને લાગ્યું કે બેટ્સમેનને છ રન મળ્યા છે, પરંતુ થોડી જ ક્ષણોમાં અમ્પાયરના નિર્ણયે સમગ્ર સ્થિતિ બદલી નાખી. બેટ્સમેનના બેટનો બોલ સાથે કોઈ સંપર્ક થયો ન હોવાથી તેને છગ્ગો ગણવામાં ન આવ્યો. તેના બદલે 5 રન આપવામાં આવ્યા.
બોલ બાઉન્ડ્રી બહાર ગયો છતાં છ રન મળ્યા
કેનેડા સુપર-60 ફ્રેન્ચાઇઝી લીગની સેમિફાઇનલમાં મિસિસાગા માસ્ટર્સના બેટ્સમેન કિરોન પોલાર્ડ ટોરોન્ટો સિક્સર્સના ફાસ્ટ બોલર અલી ખાનનો સામનો કરી રહ્યો હતો. ખાને બાઉન્સર ફેંક્યો, પરંતુ બોલ અપેક્ષા કરતા વધારે શોર્ટ થયો. બોલ પોલાર્ડ પાસેથી ઝડપથી પસાર થઈ, વિકેટકીપરના માથા પરથી ઊંચે સીધો બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. જેવો બોલ બાઉન્ડ્રીની બહાર ગયો, તો ફેન્સે છગ્ગો આવ્યો હોવાનું માનીને સેલિબ્રેશન શરૂ કરી દીધું, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિમાં નાટ્યાત્મક વળાંક આવ્યો. અમ્પાયરોએ સ્પષ્ટતા કરી કે બોલ અને પોલાર્ડના બેટ વચ્ચે કોઈ સંપર્ક થયો નહોતો, તેથી છગ્ગો આપી શકાય નહીં.
અમ્પાયરનો આશ્ચર્યજનક નિર્ણય
અમ્પાયરોએ તે બોલને વાઈડ જાહેર કર્યો. ત્યારબાદ બોલ બાઉન્ડ્રી સુધી પહોંચ્યો હોવાથી ચાર વધારાના રન આપવામાં આવ્યા. આમ ટોરોન્ટો સિક્સર્સને એક જ બોલ પર કુલ 5 રન મળ્યા. અલી ખાને બેટ્સમેનને મુશ્કેલીમાં મૂકવાના ઈરાદાથી બાઉન્સર ફેંક્યો હતો, પરંતુ બોલ એટલો શોર્ટ પિચ પડ્યો કે તે વિકેટકીપરના માથા પરથી પસાર થઈને બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો. બોલ પોલાર્ડના બેટને સ્પર્શ્યો ન હોવાથી, સ્કોરબોર્ડ પર બેટ્સમેનની સિક્સ તરીકે ગણવામાં આવ્યો નહીં. જોકે તે બાઉન્ડ્રીની બહાર ગયો હોવાથી સત્તાવાર રીતે તેને વાઈડ સહિત કુલ 5 રન આપવામાં આવ્યા.
ટોરન્ટો સિક્સર્સે જીતી મેચ
પ્રથમ બેટિંગ કરતાં ટોરોન્ટો સિક્સર્સે 10 ઓવરમાં 130 રન બનાવ્યા. જવાબમાં મિસિસાગા માસ્ટર્સ તેમની 10 ઓવરમાં માત્ર 121/7 રન જ બનાવી શકી, જેનાથી ટોરોન્ટો સિક્સર્સનો 9 રનથી વિજય થયો. મિસિસાગા માસ્ટર્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી, પરંતુ ટોરોન્ટો સિક્સર્સના બોલર અબ્દુલ-રહીમ ટોપિને દબાણ હેઠળ શાનદાર બોલિંગ કરી. ટોપિને તે ઓવરમાં માત્ર 8 રન આપ્યા અને ખતરનાક આઝમ ખાનને આઉટ કરીને પોતાની ટીમની જીત નિશ્ચિત કરી. ટોરોન્ટો સિક્સર્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું, પરંતુ સેમિફાઇનલની સૌથી યાદગાર ક્ષણ નિઃશંકપણે અલી ખાનનો તે બાઉન્સર હતો.