SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ધનતેરસે મહાલક્ષ્મીની કૃપા મેળવવાનો ઉત્તમ અવસર! જાણો પૂજાના શુભ મુહૂર્ત, મંત્ર અને સંપૂર્ણ વિધિ

Dhanteras 2026 : 6 નવેમ્બર, શુક્રવારના રોજ ધનતેરસનું પવિત્ર પર્વ ઉજવાશે. સનાતન ધર્મમાં આ દિવસ ધન, ઐશ્વર્ય, સુખ-સમૃદ્ધિ અને આરોગ્યની સુખાકારી માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. ત્યારે ધનતેરસના પાવન અવસરે કયા છે પૂજાના શુભ મુહૂર્ત, કેવી રીતે કરવું મહાલક્ષ્મીનું પૂજન, કયા મંત્રોના જાપ કરવા અને કેવી રીતે કરવી સંપૂર્ણ પૂજાવિધિ? જાણીએ જાણીતા જ્યોતિષી ચેતન પટેલ પાસેથી...

Written By Dilip Chaudhary
Published: Nov 05, 2026, 07:05 PM IST | Updated: Nov 05, 2026, 07:11 PM IST
Join

Dhanteras 2026 : સનાતન ધર્મમાં ધનતેરસને ધન, ઐશ્વર્ય, આરોગ્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે અત્યંત પવિત્ર દિવસ ગણવામાં આવે છે. ધનતેરસને સિદ્ધ દિવસ અને સિદ્ધ રાત્રિનું વિશેષ મહત્ત્વ પ્રાપ્ત છે. આ દિવસે કરવામાં આવતી મહાલક્ષ્મીની આરાધના સહસ્ત્રગણું પુણ્યફળ આપનારી કહેવાય છે.

જાણીતા જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર ધનતેરસે યોગ્ય મુહૂર્ત, વિશેષ પૂજાસામગ્રી અને શાસ્ત્રોક્ત મંત્રો સાથે માતા મહાલક્ષ્મીનું પૂજન કરવાથી સ્થિર લક્ષ્મી, ધન-ધાન્ય, ઐશ્વર્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ ફળદાયી બને છે.

ધનતેરસથી આ 4 રાશિઓનો શરૂ થશે ગોલ્ડન ટાઈમ, સોનાની જેમ ચમકશે ભાગ્ય, અચાનક થશે ધનલાભ!

ધનતેરસની પૂજામાં માત્ર માતા લક્ષ્મી જ નહીં, પરંતુ ધનના અધિપતિ કુબેર દેવ અને આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની આરાધનાનું પણ અનોખું મહત્ત્વ છે. કારણ કે ઉત્તમ આરોગ્ય વિના ધન અને ઐશ્વર્યનો સાચો આનંદ માણી શકાતો નથી. આથી ત્રણેય દેવોની સંયુક્ત આરાધનાથી ધનતેરસનું પૂજન વિશેષ સાર્થક બને છે.

ધનતેરસના શુભ મુહૂર્ત

શુક્રવાર, તા. 06-11-2026, ધનતેરસ અને ધન્વંતરી જયંતી

સવારે 08:12 થી 09:36 લાભ અને 09:36થી 10:59 અમૃત ચોઘડિયું રહેશે. બપોરે 12:01થી 12:45 અભિજિત મુહૂર્ત વિશેષ ઉત્તમ ગણાશે. ત્યારબાદ 12:24થી 13:47 શુભ ચોઘડિયું અને સાંજે 16:35 થી 17:57 ચલ ચોઘડિયું રહેશે.

રાત્રે 21:11થી 22:47 લાભ મધ્યરાત્રિ બાદ 00:23 થી 02:00 શુભ 02:00 થી 03:36 અમૃત અને વહેલી સવારે 03:36થી 05:13 ચલ ચોઘડિયામાં પૂજા, મંત્રજાપ તથા પૂજાનું ઉત્થાપન કરી શકાય છે.

1. મહાલક્ષ્મીને પ્રિય પૂજાસામગ્રીનું વિશેષ મહત્ત્વ

મહાલક્ષ્મીના પૂજનમાં કમળ, ગુલાબ અને સફેદ સુગંધિત પુષ્પોનું વિશેષ મહત્ત્વ છે. આ ઉપરાંત કંકુ, ચંદન, અક્ષત, અબીલ-ગુલાલ, સિંદૂર, કમળકાકડી, કેસર, ગંગાજળ, પંચામૃત, સુગંધિત અત્તર, કપૂર, ધૂપ, ઘીનો દીવો, મીઠાં ફળ અને ગાયના દૂધમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ રાખવો. મંત્રજાપ માટે કમળકાકડી અથવા સ્ફટિકની માળા ઉત્તમ ગણાય છે.

2. ગણેશપૂજનથી ધનતેરસની પૂજાનો પ્રારંભ

શુભ મુહૂર્તમાં સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં. પૂજાસ્થાનમાં બાજઠ ઉપર લાલ કે રેશમી વસ્ત્ર પાથરવું. સૌપ્રથમ ઘીનો દીવો પ્રગટાવી ભગવાન ગણેશજીનું પૂજન કરવું. રિદ્ધિ-સિદ્ધિનું સ્મરણ કરી કંકુ, અક્ષત, પુષ્પ અને લાડુ કે મોદકનો ભોગ ધરાવી જીવનનાં વિઘ્નો દૂર થાય તેવી પ્રાર્થના કરવી.

3. લક્ષ્મીજીના સિક્કા અને મૂર્તિનું શાસ્ત્રોક્ત પૂજન

માતા લક્ષ્મીની ધાતુની મૂર્તિ અથવા પરંપરાગત સિક્કાને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવી શુદ્ધ કરવાં. ત્યારબાદ બાજઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી પાન ઉપર સિક્કા કે મૂર્તિ સ્થાપિત કરવાં. કંકુ, અક્ષત, પુષ્પ, નાડાછડી, સુગંધિત દ્રવ્યો અને મીઠાઈનો ભોગ ધરાવવો.

પૂજા દરમિયાન મહાલક્ષ્મીના પ્રસિદ્ધ બીજમંત્રોનો સતત જાપ કરવો.

મહાલક્ષ્મી બીજમંત્ર:

ૐ હ્રીં॥

ૐ શ્રીં॥

4. સ્થિર અને અખૂટ લક્ષ્મી માટે વિશેષ મંત્રસાધના

ધનતેરસે મહાલક્ષ્મીના બીજમંત્રોના જાપનું વિશેષ મહત્ત્વ છે. પૂજા દરમિયાન કમળકાકડી કે સ્ફટિકની માળાથી નીચેના મંત્રોમાંથી કોઈ એકની 3, 6 અથવા 9 માળા કરવી ઉત્તમ ગણાય છે.

મંત્ર 1: ૐ હ્રીં શ્રીં નમઃ॥

મંત્ર 2: ૐ હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ॥

આ મંત્રસાધના દ્વારા વર્ષપર્યંત માતા મહાલક્ષ્મીની કૃપા, સ્થિર ધન, વેપાર-રોજગારમાં પ્રગતિ અને પારિવારિક સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

5. કુબેરપૂજનથી ધન અને ઐશ્વર્યની આરાધના

કુબેર દેવને ધન, સંપત્તિ અને ઐશ્વર્યના અધિપતિ માનવામાં આવે છે. માતા લક્ષ્મીના પૂજન બાદ કુબેર દેવની મૂર્તિ, છબી અથવા યંત્ર સમક્ષ બેસી પુષ્પ, અક્ષત, ધૂપ અને દીપથી પૂજન કરવું.

કમળકાકડી કે સ્ફટિકની માળાથી નીચેના મંત્રોમાંથી કોઈ એકની 1 અથવા 3 માળા કરવી.

કુબેર મંત્ર 1: ૐ શ્રી કુબેરાય નમઃ॥

કુબેર મંત્ર 2: ૐ શ્રી યક્ષાય નમઃ॥

કુબેર મહામંત્ર:

ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપતયે ધનધાન્યસમૃદ્ધિં મે દેહિ દાપય સ્વાહા॥

કુબેર દેવની આરાધના ધનસંચય, સંપત્તિની સ્થિરતા અને ઐશ્વર્યની વૃદ્ધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

6. ભગવાન ધન્વંતરીની પૂજાથી આરોગ્યની પ્રાર્થના

ધનતેરસ ભગવાન ધન્વંતરીની જયંતી પણ છે. તેમને આયુર્વેદ અને આરોગ્યના દેવતા માનવામાં આવે છે. લક્ષ્મી અને કુબેરપૂજન બાદ ભગવાન ધન્વંતરીનું સ્મરણ કરી લવિંગ, એલચી, મધ અથવા ઔષધીય સામગ્રી અર્પણ કરવી.

ધન્વંતરી મંત્ર: ૐ ધન્વંતરયે નમઃ॥

આ મંત્રની એક માળા કરી પરિવારના ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરવી.

7. ધનતેરસે યમદીપદાનનું અનોખું મહત્ત્વ

ધનતેરસની સાંજે યમરાજના નામે દીપદાન કરવાની પ્રાચીન પરંપરા છે. અકાળમૃત્યુના ભયથી રક્ષણ અને પરિવારના દીર્ઘાયુષ્ય માટે આ દીપદાનનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

પ્રદોષકાળમાં ઘઉંના લોટનો દીવો બનાવી તેમાં રૂની બે લાંબી વાટ એવી રીતે ગોઠવવી કે ચાર મુખ બને. તલના તેલમાં કાળા તલ નાખી દીવો પ્રગટાવવો. ઘરની બહાર સુરક્ષિત સ્થળે ઘઉંની નાની ઢગલી ઉપર દીવો રાખી દક્ષિણ દિશા તરફ યમરાજનું સ્મરણ કરી પ્રાર્થના કરવી.

8. પૂજાનું ઉત્થાપન અને લક્ષ્મીજીના સિક્કાની સ્થાપના

મહાલક્ષ્મી, કુબેર અને ધન્વંતરી દેવની આરતી કરી ધન-ધાન્ય, સુખ-સમૃદ્ધિ, ઉત્તમ આરોગ્ય અને વેપાર-નોકરીમાં પ્રગતિ માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ શુભ મુહૂર્તમાં પૂજાનું ઉત્થાપન કરી લક્ષ્મીજીના પૂજિત સિક્કા અથવા ધનને પરંપરા મુજબ તિજોરી કે કબાટમાં પવિત્ર સ્થાને રાખવાં.

ધનતેરસની પૂજાનો વિશેષ આધ્યાત્મિક સંદેશ

જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા અનુસાર મહાલક્ષ્મી ધન અને સમૃદ્ધિનાં, કુબેર દેવ ઐશ્વર્યનાં અને ભગવાન ધન્વંતરી ઉત્તમ આરોગ્યનાં અધિષ્ઠાતા છે. આ ત્રણેયની શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રજાપ સાથે કરવામાં આવતી આરાધના જીવનમાં ધન, આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. શ્રદ્ધા, શુદ્ધ ભાવના અને યોગ્ય વિધિ સાથે કરેલું ધનતેરસનું પૂજન વર્ષપર્યંત મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ ગણાય છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES