Gujarat Weather Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 10થી 12 દિવસ તેમજ ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યના હવામાન અંગે મહત્વની આગાહી કરી છે. તેમના મતે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીના પ્રમાણમાં વધઘટ જોવા મળી શકે છે.
Gujarat Weather Forecast: હાલ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હોવા છતાં લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. જેના કારણે દિવસે ગરમીમાં વધારો થશે, જ્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થશે. દિવસ અને રાતના તાપમાનમાં સ્પષ્ટ તફાવત જોવા મળી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16થી 17 ડિગ્રી રહેવાનું અનુમાન છે, જ્યારે મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. બપોરના સમયે ગરમી અનુભવાશે, પરંતુ 25થી 26 નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થવાની શક્યતા છે.
1/5
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતાં રાજ્યમાં ઠંડીનું આગમન મોડું
ગુજરાતમાં આ વર્ષે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન થતાં રાજ્યમાં ઠંડીનું આગમન મોડું થઈ રહ્યું છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોની અસર પણ અપેક્ષા મુજબ જોવા મળી રહી નથી. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, યુરોપિયન દેશોના હવામાન અને જેટ સ્ટ્રીમની ગતિવિધિઓની અસર ભારતીય શિયાળા પર પડી શકે છે. શિયાળાની તીવ્રતા નક્કી કરવામાં પશ્ચિમી વિક્ષોભની સક્રિયતા મહત્વની રહેશે.
2/5
ડિસેમ્બરમાં ઠંડીનો જોરદાર રાઉન્ડ
ડિસેમ્બરની શરૂઆતથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે. 9થી 10 ડિસેમ્બરની આસપાસ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની શક્યતા છે, જ્યારે ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં પણ હવામાનની હલચલ જોવા મળી શકે છે અને લો પ્રેશર સિસ્ટમ બનવાની સંભાવના છે.
3/5
શિયાળાની સૌથી વધુ ઠંડી ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અનુભવાશે
આગાહી મુજબ, 17થી 19 ડિસેમ્બર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડી શકે છે. ત્યારબાદ 22 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને હિમાચ્છાદિત સ્થિતિ સર્જાવાની શક્યતા છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળી શકે છે. 29 ડિસેમ્બર આસપાસ ગુજરાતમાં ઠંડીનો વધુ એક મોટો રાઉન્ડ આવશે અને ડિસેમ્બરના અંતિમ દિવસોમાં ઠંડીનું જોર વધશે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શકે છે અને આ વખતે શિયાળાની સૌથી વધુ ઠંડી ડિસેમ્બરના અંતિમ દિવસોમાં અનુભવાય તેવું અનુમાન છે.
4/5
રવિ પાકો અને ખેડૂતો માટે સાવચેતીની સલાહ
ઘઉં અને જીરું સહિતના રવિ પાક માટે હવામાન ધીમે ધીમે અનુકૂળ બની શકે છે, પરંતુ આગામી દિવસોમાં તાપમાનમાં થતી વધઘટને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ સાવચેતી રાખવી જરૂરી છે. ખાસ કરીને જીરાના પાકમાં ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળાની શક્યતા વધી શકે છે, તેથી પાકનું નિયમિત નિરીક્ષણ કરવું હિતાવહ છે. બીજી તરફ, વધુ પડતી ગરમીની શક્યતા ઓછી હોવાથી જીરાના પાકમાં જિનેટિક રિવર્ઝનનું જોખમ ઓછું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
5/5
માર્ચ મહિના રવિ પાકોની વૃદ્ધિ અને ઉત્પાદનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે
તાપમાનમાં વધારો થતાં બાગાયતી પાકો અને શાકભાજીમાં જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. ફુલાવર સહિતના શાકભાજીના પાક પર પણ તાપમાનની વધઘટની અસર જોવા મળી શકે છે. આગામી હવામાન માટે 'અલ નીનો' ની સ્થિતિ મહત્વનું પરિબળ બની શકે છે, જ્યારે ફેબ્રુઆરી અને માર્ચ મહિના રવિ પાકોની વૃદ્ધિ અને ઉત્પાદનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ રહેશે. આથી ખેડૂતોને પોતપોતાના પાક પ્રમાણે કૃષિ નિષ્ણાતોની સલાહ અનુસરવાની સલાહ આપવામાં આવી છે.