)
ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના કેસમાં ઘેરાયેલા પૂર્વ IAS અધિકારી કે. રાજેશ સામે મોટી કાર્યવાહી કરતા તેમને ફરજિયાત નિવૃત્તિ (Mandatory Retirement) આપવાના આદેશ જારી કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ગેરકાયદેસર શસ્ત્ર લાયસન્સ આપવા અને ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આરોપો હેઠળ તેમની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
મૂળ ગુજરાતી પાઇલટ કેપ્ટન સ્મિત મચ્છારને તેમની અપ્રતિમ શૌર્ય અને હિંમત બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ આપવાની જાહેરાત કરી છે. ફ્લાયદુબઈની એક ઘટના દરમિયાન પોતાની બહાદુરી અને સમયસૂચકતા દાખવીને તેમણે દેશ અને રાજ્યનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ તેમની વિશિષ્ટ હિંમતને બિરદાવતા આ વિશેષ સન્માન આપવાનો નિર્ણય લીધો છે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તાજેતરમાં પ્રશાસનિક નિમણૂકો અંગે મહત્વના આદેશો કરવામાં આવ્યા છે. વાવ-થરાદ કલેક્ટર અને અમરેલી DDO ની GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) માં નિયુક્તિ થતાં આ બંને જગ્યાઓ ખાલી પડી હતી. આ ખાલી પડેલી જગ્યાઓને ભરવા માટે તાત્કાલિક અસરથી નવા ચાર્જ સોંપવામાં આવ્યા છે, જે અંતર્ગત હાલમાં વાવ-થરાદ DDO તરીકે કાર્યરત IAS કલ્પેશ શર્માને વાવ-થરાદ કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે, જ્યારે અમરેલી DRDA તરીકે સેવા આપી રહેલા કે.જે. જાડેજાને અમરેલી DDO તરીકેનો ચાર્જ સુપ્રત કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે વાહનોની સ્ક્રેપ પોલિસી મામલે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણય હેઠળ જૂના અને બિનઉપયોગી વાહનોને સ્ક્રેપ (ભંગાર) કરાવીને નવા વાહનની ખરીદી કરનાર વાહનચાલકોને વિશેષ લાભ આપવામાં આવશે. જે નાગરિકો પોતાના જૂના વાહનો સ્ક્રેપ કરાવીને સર્ટિફિકેટ મેળવશે, તેમને નવા વાહનની ખરીદી પર લાગતા મોટર વહિકલ ટેક્સમાં 50 ટકા સુધીની મોટી રાહત આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી પર્યાવરણની સુરક્ષા સાથે જૂના વાહનોનો યોગ્ય નિકાલ થશે અને નવા સલામત વાહનો ખરીદવા માટે લોકોને પ્રોત્સાહન મળશે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પક્ષનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. આ ઢંઢેરામાં ગાંધીનગરને એક 'મોડલ શહેર' અને યુવાનો માટે 'Gen-Z સિટી' તરીકે વિકસાવવાની સાથે શહેરમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનું મુખ્ય વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, રહેણાંક વિસ્તારોની નજીક ડમ્પિંગ સાઈટ ન બનાવવાનો મહત્વનો નિર્ણય પણ સામેલ છે. ગાંધીનગર મનપામાં કોંગ્રેસે મહિલાઓની સુરક્ષા અને સુવિધાને પ્રાથમિકતા આપતા વિશેષ 'પિંક પોલિસી'નું આયોજન કર્યું છે. આ અંતર્ગત મહિલાઓ માટે અલગથી સિટી બસની સેવા અને દરેક વોર્ડમાં 4 'પિંક વ્હિલ્સ'ની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત મહિલાઓના સશક્તિકરણ માટે તેમના નામે હોય તેવી મિલકતો પર પ્રોપર્ટી ટેક્સમાં ૫૦% ની રાહત આપવાની મોટી જાહેરાત પણ કરવામાં આવી છે.
ગુજરાતમાં આઈ.આર.એમ. (IRM) કંપની દ્વારા સીએનજી ગેસના ભાવમાં તંગી અને વપરાશ વધતાં રૂ. 6 નો તીવ્ર વધારો ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે બનાસકાંઠા તેમજ વાવ-થરાદ પંથકમાં સીએનજીનો પ્રતિ કિલોનો જૂનો ભાવ રૂ. 88.94 થી વધીને સીધો રૂ. 94.94 એ પહોંચી ગયો છે. અચાનક થયેલા આ આકરા ભાવવધારાથી સીએનજી વાહનચાલકો તેમજ ખાસ કરીને નાના રિક્ષાચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને દૈનિક રોજીરોટી પર વિપરીત અસર પડવાના કારણે ચાલકોમાં ઘેરો રોષ જોવા મળી રહ્યો છે
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સવારે 9.45 વાગ્યે ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો, જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઊઠી હતી. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૩.૨ ની નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ તાલાળાથી માત્ર 11 કિલોમીટર દૂર નોંધાયું હતું. સવારના સમયે અચાનક આવેલી ધ્રુજારીને કારણે લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે આ આંચકાથી કોઈ મોટી જાનમાલની હોનારત કે નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
જામનગર માં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને "કોમ્બનિંગ નાઇટ" દરમ્યાન જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા બુધવારે મોડી સાંજે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગર ના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદની પ્રખ્યાત નિરમા યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના ઘેરાવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન એક મજૂરે હોસ્ટેલમાં રહેતી યુવતી સમક્ષ અભદ્ર વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિત યુવતી દ્વારા આ અંગે યુનિવર્સિટી સંચાલકોને તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કે ઝડપી એક્શન લેવામાં આવ્યા ન હતા. યુનિવર્સિટી તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરક્ષા અને ન્યાયની માગ સાથે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને મૌન તથા સખત વિરોધ પ્રદર્શિત કર્યો છે.
રાજકોટની વિવાદિત શિવ હોસ્પિટલ ફરી એકવાર મોટી બેદરકારીના કારણે ચર્ચામાં આવી છે. 39 વર્ષીય ઇલાબેન નેના નામના મહિલા પોતાના લિગામેન્ટનું ઓપરેશન કરાવવા માટે શિવ હોસ્પિટલમાં દાખલ થયા હતા. પરિવારના આક્ષેપ મુજબ, ઓપરેશન દરમિયાન આપવામાં આવેલા એનેથેસિયાના ઇન્જેક્શનના લીધે માત્ર 5 જ મિનિટમાં દર્દી કોમામાં સરી પડ્યા હતા. દર્દીની હાલત વધુ લથડતાં શિવ હોસ્પિટલના સ્ટાફે તેમને ઉતાવળે મેડિકેર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી દીધા હતા, જ્યાં પરિવાર પાસેથી 8 લાખ રૂપિયાથી વધુ રકમ વસૂલ્યા બાદ દર્દીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ પણ અનેક વખત વિવાદોમાં ઘેરાયેલી શિવ હોસ્પિટલ અને ડો. કૌશલ પટેલ વિરુદ્ધ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પરિવારે મક્કમ માંગ કરી છે.
સુરતની સ્મીમેર હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એનાટોમી વિભાગની ઇન્ટર્નલ પરીક્ષા દરમિયાન ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યો છે. એમબીબીએસના એક વિદ્યાર્થીએ રૂપિયા 2000 (રૂ. 1000 રોકડા અને રૂ. 1000 ઓનલાઇન) આપીને પોતાની ઉત્તરવહી (આન્સર બુક) ઘરે લઈ જઈને લખી હતી. આ ચોરીમાં કોલેજના પટાવાળા વિજયની સંડોવણી ખુલ્લી પડી છે, જે સમય કરતાં વહેલો આવીને બીજા દિવસે લખેલી આન્સર બુક ચોરીછૂપીથી ડિપાર્ટમેન્ટમાં મૂકી રહ્યો હતો. જોકે, વિભાગના વડાની તીક્ષ્ણ નજરથી તે બચી શક્યો ન હતો અને પકડાઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્મીમેર હોસ્પિટલના ડિન દ્વારા આરોપી વિદ્યાર્થીને ફેલ કરવા અને ગેરરીતિમાં મદદ કરનાર પટાવાળાને સસ્પેન્ડ કરવા માટે કડક પત્ર લખવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી (LCB) પોલીસને મળેલી બાતમીના આધારે માચ ચોકડીથી ચીકદા રોડ પર વોચ ગોઠવીને દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને જોઈને આરોપીઓએ 20 કિલોમીટર સુધી ઈન્ડિકા કાર ફિલ્મી ઢબે ભગાવી હતી, પરંતુ પોલીસે પીછો કરીને ઈકો ગાડીમાંથી રૂ. 5,08,436ની કિંમતની વિદેશી દારૂની 900થી વધુ બોટલો તથા વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ દારૂના નેટવર્કમાં બાઇક પર પાયલોટિંગ કરી રહેલો કૌશિક વસાવા પોતે આમ આદમી પાર્ટીનો જિલ્લા પંચાયતનો ઉમેદવાર અને સોશિયલ મીડિયા પ્રદેશ ઉપપ્રમુખ હોવા સાથે દારૂનો મુખ્ય બૂટલેગર છે. આ મામલે પોલીસે સ્થળ પરથી નરેશ વસાવા નામના એક આરોપીને દબોચી લીધો છે, જ્યારે AAP નેતા કૌશિક વસાવા સહિત અન્ય બે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેર કોંગ્રેસમાં આંતરિક શિસ્તનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસે શિસ્તભંગ બદલ શહેરના બે હોદ્દેદારો સામે મોટી કાર્યવાહી કરતા વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવારને સસ્પેન્ડ કર્યા છે. બંને આગેવાનો દ્વારા શિક્ષણ સમિતિમાં પોતાને સ્થાન આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, પાર્ટી દ્વારા જૂના અને અનુભવી કાર્યકર હાજીભાઈ ઓડિયાની શિક્ષણ સમિતિમાં નિમણૂક કરવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.આ સમગ્ર વિવાદ વચ્ચે પાર્ટી દ્વારા બંને હોદ્દેદારો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, પાર્ટીના નિર્ણય અને શિસ્તનું પાલન ન કરવા બદલ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે અગાઉ કોંગ્રેસ દ્વારા વિજયસિંહ જાડેજા અને કમલેશ કોઠીવાર બંનેને ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી હતી. પરંતુ બંને આગેવાનો ચૂંટણીમાં હારી ગયા હતા.હવે શિક્ષણ સમિતિની નિમણૂકને લઈને શરૂ થયેલા વિવાદ બાદ બંને સામે સસ્પેન્શનની કાર્યવાહી થતાં રાજકોટ કોંગ્રેસમાં આંતરિક રાજકારણ ગરમાયું છે.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે ઇમિગ્રેશન તપાસ અને કડક કાર્યવાહી અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે. અમેરિકી પ્રશાસને વ્યાપક તપાસ પ્રક્રિયા હેઠળ 2.5 લાખથી વધુ (2,50,000+) વિઝા રદ કરી દીધા છે. ઇમિગ્રેશન નિયમોની કડક સમીક્ષા અને ચકાસણી વધારવા માટે આ મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયની વિદેશી અને તેમા પણ ભારતીય નાગરિકો પર વ્યાપક અસર પડવાની શક્યતા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પારંતી આવાસ યોજના ફરી એકવાર અસામાજિક પ્રવૃત્તિઓ અને વિવાદોને કારણે ચર્ચામાં આવી છે. અહી વેરિફિકેશન વગર રહેતી બહારના રાજ્યની કેટલીક યુવતીઓએ અડધી રાત્રે દારૂ પીને ભારે ધમાલ મચાવી હતી. રહીશોએ બૂમાબૂમ અંગે પૂછપરછ કરતા યુવતીઓ નશામાં ધૂત હોવાનું માલુમ પડ્યું હતું, એટલું જ નહીં પરંતુ તેમણે સ્થાનિકો પર સામો હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. અવારનવાર થતી આવી અસામાજિક પ્રવૃત્તિઓથી ત્રસ્ત રહીશોએ સોસાયટીના ચેરમેન પર આ તત્વોને ખુલ્લું સમર્થન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
વલસાડ જિલ્લાના વાપીના ચલા વિસ્તારમાં વાપી મહાનગરપાલિકા સંચાલિત 'સ્પોર્ટ્સ ક્લબ ઓફ વાપી' ખાતે એક અત્યંત દુઃખદ દુર્ઘટના સામે આવી છે. દમણ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થિની અનસુ કુમારીસિંગ (અંશુ) અહીં સ્વિમિંગ પુલમાં તરતા શીખવા માટે આવી હતી, જ્યાં ડૂબી જવાથી તેનું કરૂણ મોત નિપજ્યું હતું. સ્વિમિંગ પુલમાં અંશુને ડૂબતી જોઈને સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓએ તેને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ લાંબો સમય પાણીમાં ગરકાવ રહેવાના કારણે તેને બચાવી શકાયી નહોતી. આ ઘટના બાદ પરિવારજનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે સ્પોર્ટ્સ ક્લબના સંચાલકો અને સ્ટાફની ઘોર બેદરકારીના કારણે જ તેમની હોનહાર દીકરીએ જીવ ગુમાવ્યો છે. તેજસ્વી અને આશાસ્પદ વિદ્યાર્થિની અનસુ કુમારીના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.
સુરતમાં મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ધારાસભ્ય મોહન ધોડિયાના પુત્ર જયમીન ધોડિયાની જીત થતાં એક વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન ધારાસભ્ય મોહન ધોડિયા પોતે હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા નજરે પડ્યા હતા, જ્યારે તેમના સમર્થકોએ જીપ, બાઇક અને ટ્રેક્ટર પર બેસીને જોખમી સ્ટંટબાજી કરી કાયદાના ખુલ્લેઆમ લીરેલીરા ઉડાડ્યા હતા. એક તરફ સુરત ગ્રામ્ય પોલીસ અને RTO દ્વારા રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે, તો બીજી તરફ જનપ્રતિનિધિઓ જ નિયમોનો ભંગ કરી રહ્યા છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ઢીલી કામગીરીને કારણે સામાન્ય જનતાની સાથે શાસકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ મુદ્દે સભામાં સુરતના પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ કડક શબ્દોમાં પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે મનપામાં ઠરાવ પસાર થઈ ગયા હોવા છતાં તેનો અમલ કરાવતી ફાઈલો ધૂળ ખાતી પડી રહે છે. માત્ર 'તાપીપુરા'નું બોર્ડ લગાડવા જેવી નાની બાબતમાં પણ તંત્રને ફુરસદ નથી. આ ઉપરાંત કતારગામ કાસાનગર બ્રિજનો એક રેમ્પ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજો રેમ્પ જાન્યુઆરીમાં પૂર્ણ થવાનો હતો પણ શાસકોના સતત ફોલોઅપ છતાં કામગીરી હજુ સુધી અધૂરી જ છે. પૂર્વ મેયરે ડુમસ સી-ફેસ સહિતના લાંબા સમયથી ચાલી રહેલા તમામ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ સમયસર અને ઝડપથી પૂરા કરવાની ઉગ્ર માંગ કરી છે.
અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલ ભોજનની ખરાબ ગુણવત્તાને કારણે ફરી એકવાર વિવાદમાં આવી છે. બે દિવસ પહેલા જમવામાંથી જીવાત નીકળ્યા બાદ પણ સમસ્યા યથાવત રહેતાં અને ફરી ભોજનમાં વંદો તથા જીવાત મળી આવતાં વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ હાલાકીના વિરોધમાં ગઈકાલે મોડી રાત સુધી વિદ્યાર્થીનીઓએ હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં NSUIના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. મોડી રાતના હોબાળા બાદ હોસ્ટેલ સત્તાધીશોએ આગળ આવીને ચોમાસામાં પાણી ભરાવા અને જમવાની ગુણવત્તા સહિત વિદ્યાર્થીનીઓના ૧૪ મુદાઓ પર ૧૦ દિવસમાં ઉકેલ લાવવાની લેખિત બાહેંધરી આપી હતી. સાથે જ જો નિયત સમયમાં આ સમસ્યાઓનો સંતોષકારક નિકાલ નહીં આવે તો રાજીનામું આપવા સુધીનું પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ ગુજરાતી યુવકોને ઈથોપિયામાં એજન્ટે બંધક બનાવ્યા હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વિદેશ મંત્રાલય અને મહેસાણા પોલીસે તાત્કાલિક સંકલન સાધીને બચાવ કામગીરી શરૂ કરી હતી. સરકાર અને પોલીસના સઘન પ્રયાસોથી અપહરણકારો સાથે સીધી વાતચીત કરી, કોઈ પણ પ્રકારની ખંડણી આપ્યા વિના ત્રણેય યુવકોને સફળતાપૂર્વક મુક્ત કરાવવામાં આવ્યા છે. હેમખેમ મુક્ત થયેલા આ ત્રણેય લોકો મુંબઈ આવી પહોંચ્યા છે, જ્યારે બીજી તરફ લાંઘણજ પોલીસે આ કૌભાંડમાં સામેલ વડોદરા અને સ્થાનિક એજન્ટો સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Gujarat Breaking News Live: આજે 01 ઓક્ટોબરના દિવસે ગુજરાતથી લઈને દેશના અલગ-અલગ ખૂણે કઈ મોટી ઘટનાઓ બની રહી છે, રાજકીય અને સામાજિક મંચ પર શું રમાઈ રહ્યું છે, અને કયા નિર્ણયો તમારી જિંદગીને સીધી અસર કરશે એ તમામ બાબતો તમને અહીં જાણવા મળશે. સરકારી નીતિઓથી લઈને જનતાના પ્રશ્નો સુધીના ત્વરિત સમાચાર માટે Zee 24 Kalak Gujarati સાથે જોડાયેલા રહો..