ખુબ ઓછા લોકો જાણે છે કે માનસિક તણાવનો પ્રભાવ ઊંઘ અને મનોદશાથી વધુ આપણા હ્રદયના સ્વાસ્થ્ય પર પડે છે. ક્યારેક તણાવ થવો સામાન્ય છે, પરંતુ જો તણાવ લાંબા સમય સુધી રહે તો હાર્ટના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. જાણીતા હોમ્યોપેથિક ચિકિત્સક, ડાયટિશિયન તથા સ્વાસ્થ્ય નિષ્ણાંત ડોક્ટર કોમલ ભંગૂ ગ્રેવાલ કહે છે કે સતત તણાવને કારણે શરીરમાં હાઈ બ્લડ પ્રેશર, સોજા અને કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી સમસ્યાનો ખતરો વધી શકે છે અને સમયની સાથે આ કારણ હ્રદય રોગ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારવામાં યોગદાન આપી શકે છે.
હ્રદય, તણાવથી કઈ રીતે પ્રભાવિત થાય છે?
જ્યારે તમે વધુ તણાવમાં હોય તો શરીરમાં કોર્ટિસોલ અને એડ્રેનાલાઈન જેવા સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધી જાય છે. તેનાથી થોડા સમય માટે હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયના ધબકારા વધી શકે છે. પરંતુ લાંબા સમય સુધી તણાવ રહેવા પર ધમનીઓમાં સોજા, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ અસંતુલન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
તણાવના સંકેતને કઈ રીતે ઓળખશો?
જો તમે સતત તણાવમાં રહો છો તો છાતી જકડાઈ જવા કે હળવો દુખાવો રહે છે. ખાસ કરી તણાવ દરમિયાન, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઊંઘમાં સમસ્યા, ચિડિયાપણાની સમસ્યા જેવા લક્ષણ જોવા મળી શકે છે.
તણાવને કઈ રીતે નિયંત્રિત કરશો?
દરરોજ વોક કરોઃ તણાવ ઘટાડવા માટે દરરોજ 30 મિનિટ વોક કરો. દરરોજ ચાલવાથી સ્ટ્રેસ હોર્મોન ઘટે છે અને હ્રદયને મજબૂત બનાવવામાં મદદ મળે છે. વોકની સાથે ધ્યાન, યોગ અને કેટલીક મિનિટો સુધી ઊંડો શ્વાસ લેવાનો અભ્યાસ તમારા તંત્રિકા તંત્રને ધીમું કરી શકે છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.
સારી ઊંઘ જરૂરીઃ તણાવ ઘટાડવા માટે ઊંઘ સૌથી વધુ જરૂરી છે. સારી ઊંઘ લેવાથી શરીરને તણાવમાંથી બહાર આવવામાં મદદ મળે છે. તેથી રાત્રે સતત સાતથી આઠ કલાક સૂવાનું લક્ષ્ય બનાવો.
હેલ્ધી ડાયટઃ હાર્ટના સ્વાસ્થ્ય માટે તમારા ડાયટમાં સુધાર કરો. તમે તમારા ડાયટમાં ફળ, શાકભાજી, સંપૂર્ણ અનાજ અને ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખાદ્ય પદાર્થોને સામેલ કરો. સાથે જંક ફૂડ, પેકેજિંગ ફૂડ, સુગર ડ્રિંક્સ અને કેફીનનું વધુ સેવન ન કરો.
પ્રોફેશનલની મદદ લોઃ જો તમને લાગે છે કે તણાવને નિયંત્રિત કરવું મુશ્કેલ છે, તો કોઈ ડોક્ટર કે પ્રોફેશનલની સાથે વાત કરી એક સ્વસ્થ અને જવાબદાર નિર્ણય લો.