4 Must Have Medical Devices: હેલ્થ એક્સપર્ટ અનુસાર આજે સમય એવો થઈ ગયો છે કે કોઈપણ વ્યક્તિને કોઈપણ સમયે મેડિકલ હેલ્પની જરૂર પડી શકે છે. આ સ્થિતિમાં ઘરમાં પણ પ્રાથમિક સારવારમાં મદદ રુપ થાય તેવી વસ્તુઓ રાખવી જોઈએ. દરેક ઘરમાં મેડિકલ ફર્સ્ટ એડ કીટ હોવી જોઈએ. અને આ કીટમાં 4 મેડિકલ ડિવાઈસ પણ ખાસ રાખવા. આ મેડિકલ ડિવાઈસ વિશે જાણકારી મેળવ્યા બાદ તમે પણ માનશો કે હા વાત તો સાચી છે.
દરેક ઘરમાં કેટલીક દવાઓ રાખવી જેટલી જરૂરી છે એટલું જ જરુરી છે આ વસ્તુઓ રાખવી. હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે આવી વસ્તુઓ દર્દીના પરિવારને દર્દીને શું તકલીફ છે તે જાણવામાં મદદ કરી શકે છે. જેથી દર્દીના સગા ડોક્ટરને તુરંત યોગ્ય જાણકારી આપી શકે. તો ચાલો જાણીએ ફર્સ્ટ એડ કીટમાં કયા કયા મેડિકલ ડિવાઈસ રાખવા જોઈએ.
થર્મોમીટર
દરેક ઘરમાં એક થર્મોમીટર હોવું જરૂરી છે. તાવને લોકો સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા માને છે પણ ઘણીવાર તાવ વધી જાય તો તે મગજ પર અસર કરવા લાગે છે. આવા સમયે ઘરમાં થર્મોમીટર હોવું જરૂરી છે. જો ઘરમાં કોઈને તાવ આવે તો થર્મોમીટર કામ આવી શકે છે. આવા સમયે તમે જાતે ચેક કરી શકો છો કે દર્દીને કેટલો તાવ છે. તેના આધારે ડોક્ટર સાથે વાત કરી જરૂરી પગલાં લેવામાં સરળતા રહે છે.
ગ્લુકોમીટર
અનેક લોકો એવા હશે જેમના ઘરમાં એક કે 2 લોકોને ડાયાબિટીસ હોય. ઘરમાં ડાયાબિટીસના પેશન્ટ હોય તો ગ્લુકોમીટર ઘરમાં રાખવું જ. ડાયાબિટીસના પેશન્ટની તબિયત ખરાબ થાય તો સૌથી પહેલા તેનું બ્લડ શુગર લેવલ ચેક કરવું. બ્લડ શુગર ઘટી જાય કે વધી જાય તો હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. ગ્લુકોમીટર હોય તો તમે જાણી શકો છો કે બ્લડ શુગર લેવલ કેટલું છે.
ઓક્સીમીટર
ઓક્સીમીટર પણ નાનકડું ડિવાઈસ હોય છે. ઓક્સીમીટરની મદદથી બ્લડમાં ઓક્સીજનનું માપ અને પલ્સ રેટની જાણકારી મળે છે. જો અચાનક કોઈને શ્વાસ લેવામાં સમસ્યા થાય તો ઓક્સીમીટર કામ આવે છે. ખાસ કરીને ઘરમાં ફેફસાની બીમારી કે હાર્ટ પ્રોબ્લેમ વાળા લોકો હોય તો આ ડિવાઈસ ઘરમાં હોવું જોઈએ.
બીપી માપવાનું મશીન
ઘરમાં બીપી માપવાનું મશીન પણ રાખવું જોઈએ. અચાનક કોઈને ચક્કર આવે, ધુંધળુ દેખાય જેવી સ્થિતિ સર્જાય તો તેના બ્લડ પ્રેશરમાં વધઘટ થઈ હોય તેવું બને. ઘરમાં હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ હોય કે હાર્ટ પેશન્ટ હોય તેમણે તો બીપી માપવાનું મશીન ઘરમાં રાખવું જ.
હેલ્થ એક્સપર્ટ અનુસાર આ 4 ડિવાઈસ ઘરમાં હોય તો મેડિકલ ઈમરજન્સીના સમયે દર્દીના સગાને સમસ્યા શું છે તે જાણવામાં મદદ કરી શકે છે અને તેના માધ્યમથી ડોક્ટર સુધી પણ સાચી જાણકારી પહોંચી શકે છે જેથી દર્દી હોસ્પિટલ પહોંચે ત્યાં સુધીમાં તેને જરૂરી પ્રાથમિક મદદ મળી શકે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)