Worst Food Combinations: મૂળા શરીર માટે ફાયદાકારક છે. મૂળામાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે, મૂળા પાચન માટે પણ સર્વશ્રેષ્ઠ છે. મૂળાથી શરીરને પોટેશિયમ-સોડિયમ સહિતના પોષક તત્વો મળે છે. મૂળા વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, લીવર અને પેટની સફાઈમાં મદદ કરે છે, મૂળા હાર્ટ માટે પણ ફાયદાકારક છે. પરંતુ આ બધા ફાયદા ત્યારે થશે જ્યારે તમે મૂળાને આ વસ્તુઓ સાથે નહીં ખાવ. જો મૂળા ને અમુક વસ્તુ સાથે ખાઈ લેવામાં આવે તો તે શરીરમાં ઝેર જેવી અસર કરી શકે છે.
મૂળાના ફાયદા
આયુર્વેદ અનુસાર મૂળાને અમુક વસ્તુઓ સાથે ખાવાનું ટાળવું જોઈએ. દૂધ સહિતની કેટલીક વસ્તુઓ એવી છે જે મૂળા સાથે લેવામાં આવે કે મૂળા ખાધા પછી તુરંત લેવામાં આવે તો શરીર પર તેની ખરાબ અસર પડી શકે છે. આયુર્વેદ અનુસાર મૂળામાં રહેલા તત્વ પાચન અગ્નિને સક્રિય કરે છે. જેના કારણે ભોજનનું પાચન સરળતાથી થાય છે. આયુર્વેદ અનુસાર મૂળાના ગરમ અને તીખા ગુણ શરીરમાં જામેલા કફને અને ભારીપણાને દૂર કરવામાં મદદ કરી શકે છે
મૂળા સાથે વિરુદ્ધ આહાર
આયુર્વેદમાં વિરુદ્ધ આહારનો નિયમ દર્શાવેલો છે. એટલે કે બે અલગ અલગ પ્રકૃતિની વસ્તુઓને એક સાથે ખાવાનું ટાળવું. મૂળાની પ્રકૃતિ ગરમ હોય છે. ગરમ તાસીરના મૂળા સાથે કેટલીક વસ્તુઓ ખાવી ભારે પડી શકે છે. મૂળા સાથે કઈ કઈ વસ્તુ ન ખાવી જોઈએ તેનો ઉલ્લેખ પણ આયુર્વેદમાં કરવામાં આવ્યો છે. તો ચાલો તમને જણાવીએ મૂળા સાથે કઈ વસ્તુઓ ખાવાથી વિરુદ્ધ આહાર બને છે અને શરીરને નુકસાન થાય છે.
દૂધ અને મૂળા
મૂળાથી બનેલી કોઈપણ વસ્તુ સાથે દૂધ પીવાનું ટાળવું જોઈએ. મૂળાનું સલાડ ખાધું હોય તો ભોજન સાથે દૂધથી બનેલી વસ્તુ લેવાનું પણ ટાળવું. દૂધ અને મૂળા વિરુદ્ધ આહાર છે આ બંને એકસાથે લેવામાં આવે તો પાચન બગડી શકે છે. ચરક સંહિતા અનુસાર મૂળા ગરમ તસવીરના હોય છે અને દૂધ શીતળ હોય છે. બંને અલગ અલગ પ્રકૃતિની વસ્તુઓ એકસાથે ખાવાથી પાચન પર ખરાબ અસર થાય છે.
મધ અને મૂળા
આયુર્વેદ અનુસાર મધ અને મૂળા પણ એક સાથે લેવા નહીં. મૂળા અને મધ પણ વિરુદ્ધ આહારમાં આવે છે. દૂધની જેમ મધ અને મૂળાના ગુણ પણ એકબીજાથી અલગ છે. મૂળામાં મધ ઉમેરીને ખાવાથી પણ પાચનની તકલીફો થઈ શકે છે.
દહીં અને મૂળા
આયુર્વેદ અનુસાર મૂળામાં દહીં ઉમેરીને ખાવાની ભૂલ પણ ન કરવી. સલાડમાં મૂળા ઉમેર્યા હોય તો તેમાં દહીં ઉમેરવાનું ટાળવું અથવા તો તેવી વસ્તુ સાથે દહીં ખાવાનું ટાળવું. દહીં અને મૂળા એક સાથે ખાવાથી અપચો થઈ શકે છે અને શરીરમાં વાત-પિત્ત દોષનું અસંતુલન સર્જાઈ શકે છે. જેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ શકે છે.
કારેલા અને મૂળા
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આયુર્વેદમાં મૂળા સાથે કારેલા ખાવાની પણ મનાઈ કરવામાં આવી છે. મૂળા અને કારેલા એક સાથે ખાશો તો મૂળાથી ફાયદા નહીં પરંતુ નુકસાન થશે. બંને શાક એક સાથે ખાવાથી પેટ ભારી થઈ જવા સહિતની સમસ્યા થઈ શકે છે. મૂળા અને કારેલા એકસાથે પાચન બગાડી શકે છે. જેને ઠીક થવામાં દિવસો લાગી શકે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)