આયુષ મંત્રાલય પાસેથી જાણો યોગ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું અને કઈ ભુલો ન કરવી
Yoga Benefits : જો તમે પણ સ્વસ્થ રહેવા યોગ કરી રહ્યા છો કે યોગ કરવાનું વિચારો છો તો આયુષ મંત્રાલયે જણાવેલી આ વાત ખાસ ધ્યાનમાં લેજો.
Yoga Benefits : લોકો ધીરે ધીરે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત થવા લાગ્યા છે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા લાગ્યા છે. અનેક લોકો એવા હશે જેમણે દિનચર્યામાં યોગનો સમાવેશ કર્યો હોય. દિવસ દરમિયાન થોડો સમય કાઢીને લોકો યોગ-પ્રાણાયામ કરતાં થયા છે. જોકે યોગથી ફાયદો ત્યારે જ થાય છે જ્યારે તેને યોગ્ય રીતે કરવામાં આવે. અને યોગ કરવાની સાચી રીત શું છે અને યોગ પ્રાણાયામ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું તે આયુષ મંત્રાલય જણાવ્યું છે.
શરીર અને મન સ્વસ્થ રહે
યોગ અને પ્રાણાયામ કરવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. નિયમિત યોગ કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. યોગ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. પરંતુ યોગ ફાયદો ત્યારે જ કરે જ્યારે વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર અને યોગ્ય રીતે યોગ કરે. જાણકારી ના અભાવમાં અને શરીરને માફક ન આવે તે રીતે યોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે તેમ આયુષ મંત્રાલયનું જણાવવું છે. સાથે જ આયુષ મંત્રાલય જણાવ્યું છે કે યોગ કરતી વખતે કઈ વાતોની સાવધાની રાખવી.
આ પણ વાંચો: High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશર હાર્ટને જ નહીં શરીરના આ મહત્વના અંગને પણ કરી નાખે ડેમેજ
આયુષ મંત્રાલય એ આપેલી જાણકારી
આયુષ મંત્રાલયના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અલગ અલગ પોસ્ટમાં મહત્વપૂર્ણ જાણકારી શેર કરવામાં આવતી હોય છે. આવી જ એક પોસ્ટમાં આયુષ મંત્રાલય જણાવ્યું કે યોગ કરતી વખતે વ્યક્તિએ પોતાના શરીરની ક્ષમતાને સમજવી જરૂરી છે. જો શરીરની ક્ષમતા સમજ્યા વિના ઉતાવળમાં યોગ કરવામાં આવે તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. શરીરની ક્ષમતા દરેક વ્યક્તિની અલગ હોય છે. જેમકે જે લોકોનું શરીર લચીલું હોય તેઓ સરળતાથી શરીરને વાળી શકતા હોય છે. જ્યારે કેટલાક લોકો માટે શરીર વાળવું મુશ્કેલ હોય છે. એટલા માટે જ યોગ પોતાની સુવિધા અને શરીરને ધ્યાનમાં રાખીને કરવા જોઈએ.
શરીરમાં દુખાવો થાય તો પ્રેશર ન કરો
આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર જો કોઈ ખાસ પ્રકારનું આસન કે યોગ કરતી વખતે શરીર પર પ્રેશર જે દબાણનો અનુભવ થાય તો તુરંત જ યોગ કરવાનું અટકાવી દેવું. કોઈ ખાસ પ્રકારનું આસન કરતી વખતે શરીરને ઝટકો આપવાનું પણ ટાળવું. શરીરથી થઈ શકે એટલું જ પ્રેશર આપીને આસન કરવા. કોઈ આસન કરતી વખતે શરીરમાં દુખાવાનો અનુભવ થાય તો અભ્યાસ અટકાવી દેવો.
આ પણ વાંચો: Cancer: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ જણાવ્યું કેન્સર થવાનું જોખમ કોને વધારે ? જાણો કેન્સરના રિસ્ક ઝોન વિશે
નિષ્ણાંતની દેખરેખમાં કરો
ઘણા લોકો એવું માને છે કે શરૂઆતમાં યોગ અભ્યાસ કરતી વખતે પેટ, ઘુંટણ કે શરીરના અન્ય અંગોમાં દુખાવો થાય તે સામાન્ય છે.. પરંતુ આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર કોઈ આસન કરતી વખતે આ પ્રકારનો દુખાવો થાય તો તેને ઇગ્નોર ન કરો. આમ કરવાથી શરીરના સ્નાયુઓમાં ઈજા થઈ શકે છે. આયુષ મંત્રાલયનું કહેવું છે કે શરૂઆતમાં યોગ નિષ્ણાંતની દેખરેખમાં જ કરવા જોઈએ.