મોમોની લારી જેવી ચટાકેદાર લાલ ચટણી ઘરે બનાવવાની રીત
મોમો સાથે સર્વ કરવામાં આવતી લાલ ચટાકેદાર ચટણીનું નામ આવતાં જ તમને પણ મોંમાં પાણી આવી જાય છે તો ચાલો આજે તમને આ ચટણી ઘરે કેવી રીતે બનાવવી તેની રીત જણાવી દઈએ.
મોમો ખાવાની એટલી મજા તેની લાલ ચટણી સાથે જ છે. લારી પર મળતા મોમો સાથે જે લાલ ચટાકેદાર ચટણી પીરસવામાં આવે છે તેના કારણે જ મોમો વધારે ટેસ્ટી લાગે છે. ઘણા લોકો તો મોમો પણ ચટણી માટે જ ખાતા હોય છે. આ લાલ ચટણી સ્વાદમાં ચટાકેદાર હોય છે. જો તમે પણ મોમોની લાલ ચટણી ખાવાના શોખીન છો તો આ ચટણી ઘરે પણ બનાવી શકો છો.
ઘરના રસોડામાં રોજ વપરાતી કેટલીક બેઝિક વસ્તુની મદદથી જ આ ચટણી બને છે. એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ મોમોની લાલ ચટણી બનાવવા માટેની રીત અહીં દર્શાવેલી છે. અહીં દર્શાવેલી સામગ્રી સાથે તમે સ્ટેપ બાય સ્ટેપ આ રીત ફોલો કરશો તો બજાર જેવી જ ચટાકેદાર લાલ ચટણી ઘરે પણ બનશે.
આ પણ વાંચો: અસ્સલ કાઠિયાવાડી ટેસ્ટનું લીલી ડુંગળીનું લોટિયું બનાવવાની રીત, બાજરાના રોટલા સાથે ખાવાની મજા પડશે
મોમોની લાલ ચટણી બનાવવા માટેની સામગ્રી
ટમેટા 500 ગ્રામ
સૂકા લાલ મરચા 10 નંગ
લસણની કળી 10 થી 12
આદુનો ટુકડો એક ઇંચ નો
કોથમીર
કાશ્મીરી લાલ મરચું પાવડર
સોયા સોસ 1 નાની ચમચી
ટોમેટો કેચપ બે ચમચી
મીઠું સ્વાદ પ્રમાણે
આ પણ વાંચો: ફ્લાવરની ટેસ્ટી ટિક્કી બનાવવાની રીત, ફ્લાવરનું શાક ન ખાતા લોકો પણ હોંશે હોંશે આ ટિક્કી ખાશે
મોમોની લાલ ચટણી બનાવવાની રીત
મોમોની લાલ ચટણી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં 1 લીટર જેટલું પાણી ગરમ કરવા મૂકી દો. આ પાણીમાં સૂકા લાલ મરચા ખમણેલું આદુ અને ટમેટાના મોટા ટુકડા કરીને ઉમેરી દો.
જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કોથમીર અને લસણ પણ ઉમેરી દો.
બધી જ સામગ્રીને ધીમા તાપે 10 મિનિટ સુધી બરાબર ઉકાળો. જ્યારે બધી જ સામગ્રી બફાઈ જાય તો ગેસ બંધ કરી દો અને સામગ્રીને ઠંડી થવા દો.
ચટણીની સામગ્રી ઠંડી થાય એટલે મિક્સર જારમાં લઈ તેને વાટી લો. જો તમને ચટણી સ્મુધ બનાવી હોય તો મિશ્રણને ગાળી લેવું.
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ઝીણું સમારેલું અથવા ખમણેલું લસણ સાંતળો. સાથે જ તેમાં પીસેલું ચટણીનું મિશ્રણ ઉમેરી દો. ચટણીમાં લાલ મરચું પાવડર સોયા સોસ કેચપ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ચટણી બરાબર ઉકળી જાય અને સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો અને ચટણીને ઠંડી થવા દો.
આ રીતે તૈયાર કરેલી ચટણી તમે મોમો ઉપરાંત કટલેટ, સ્પ્રિંગ રોલ અને અન્ય ટિક્કી સાથે પણ સર્વ કરી શકો છો.