Lasaniya Mamra: જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા મમરા ઘરે બનાવવાની રીત
Lasaniya Mamra: પેકેટમાં મળે તેવા જ ચટપટા અને લસણથી ભરપુર મમરા બનાવવાની રીત આજે તમને જણાવીએ. લસણીયા મમરા બનાવવામાં મમરા, લસણ અને થોડા મસાલાની જ જરૂર પડશે.
Lasaniya Mamra: જો તમને પણ એકદમ ચટપટા લસણીયા મમરા ખૂબ જ ભાવે છે અને તમે વારંવાર બહારથી પેકેટ ખરીદીને ખાવ છો તો આજે લસણીયા મમરા ઘરે કેવી રીતે બનાવવા તે જાણી લો. લસણીયા મમરા ઘરે બનાવવા એકદમ સરળ છે. બેઝિક મસાલા મમરા અને લસણની મદદથી આ મસ્ત નાસ્તો ઘરે ફટાફટ બની જાય છે. સૌથી ખાસ વાત એ છે કે ઘરે બનાવેલા લસણીયા મમરામાં લસણનું માપ તમે તમારા સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ઘરે એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર લસણીયા મમરા કઈ રીતે બનાવવા.
લસણીયા મમરા બનાવવા માટેની સામગ્રી
એક બાઉલ મમરા, 10 થી 15 લસણની કળી, લીમડાના પાન, કાશ્મીરી લાલ મરચું, હળદર, હિંગ, તેલ અને મીઠું
આ પણ વાંચો: Sabudana Vada: આ માપ અનુસાર સાબુદાણા અને બાફેલા બટેટા લેશો તો વડા ક્રિસ્પી બનશે, વધારે તેલ પણ નહીં પીવે
લસણીયા મમરા તમે બે રીતે બનાવી શકો છો. મમરામાં સેવ અને સીંગદાણા સહિતની વસ્તુઓ પણ ઉમેરી શકો છો અને સાદા મમરા પણ બનાવી શકો છો. અહીં સાદા લસણીયા મમરા બનાવવાની રીત જણાવેલી છે. જો તમે તેમાં સેવ અને સિંગ ઉમેરવા માંગો છો તો સિંગને તેલમાં સાંતળીને અલગથી રાખી લો. ત્યાર પછી મમરામાં સિંગ અને સેવ એડ કરી દેવાના રહેશે.
લસણીયા મમરા બનાવવાની રીત
સૌથી પહેલા એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન ઉમેરો. ત્યાર પછી ગેસને સ્લો કરી દો અથવા તો બંધ કરી દો જેથી તેલ થોડું ઠંડુ થઈ જાય. તેલ વધારે પડતું ગરમ હશે તો લસણની પેસ્ટ બળવા લાગશે. એટલા માટે વઘાર કર્યા પહેલા તેલને થોડું ઠંડુ કરવું. તેલમાં લસણની પેસ્ટ ઉમેરો અને પછી લસણને ધીમા તાપે સાંતળો.
આ પણ વાંચો: Recipe: લસણ-ડુંગળી વિના પણ પાવભાજી લાગશે અફલાતૂન, એકવાર આ રીતે ફોલો કરી ઘરે બનાવજો ભાજી
અહીં ધ્યાન એ વાતનું રાખવું કે લસણની એકદમ બારીક પેસ્ટ તૈયાર કરવી. લસણ અધકચરું વાટેલું હશે તો મમરામાં બરાબર ભળશે નહીં. એટલા માટે લસણની પેસ્ટ બરાબર વાટવી. લસણની સાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી લસણને તેલમાં સાંતળવું. લસણ બરાબર કૂક થઈ જાય પછી તેમાં હળદર અને કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવું.
મરચું પાવડર ઉમેર્યા પછી લસણની પેસ્ટમાં મમરા ઉમેરી દેવા. મમરા ઉમેર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો અને લસણના મસાલામાં મમરાને ધીમા તાપે 10 મિનિટ સુધી શેકો. મમરાને ધીમા તાપે શેકતા રહેશો એટલે તૈયાર કરેલો લસણનો મસાલો મમરા પર બરાબર લાગી જશે. મમરા શેકાયા પછી એકદમ ક્રિસ્પી થાય અને મસાલો તેમાં ભળી જાય એટલે ગેસ બંધ કરી દો અને મમરાને ઠંડા થવા દો.
લસણીયા મમરા ઠંડા થઈ જાય પછી એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. જો તમે મમરામાં સિંગ અને સેવ ઉમેરવા ઇચ્છો છો તો મમરા ને શેકતી વખતે તેમાં બંને વસ્તુ એડ કરી દેવી જેથી લસણનો મસાલો સેવ અને સિંગ સાથે પણ ભળી જાય.