Health Tips: માથાનો દુખાવો સામાન્ય કે પછી માઈગ્રેન ? આ 5 સંકેતોથી પરથી સમજો બંને વચ્ચેના તફાવતને
Migraine and Normal Headache Difference: માથામાં એક તરફ દુખાવો થાય એટલે માઈગ્રેન હોય તે જરૂરી નથી. આજે તમને સામાન્ય દુખાવા અને માઈગ્રેન વચ્ચેના તફાવત વિશે જણાવીએ. જેની મદદથી તમે સરળતાથી સમજી શકશો કે તમને માઈગ્રેન છે કે નહીં.
Migraine and Normal Headache Difference: માથાના દુખાવાની સમસ્યાને લોકો હવે સામાન્ય ગણવા લાગ્યા છે. લોકો એવું માની લેતા હોય છે કે ઉજાગરા કે થાકના કારણે માથામાં દુખાવો થતો હશે. ઘણા લોકો માથું દુખે એટલે પેન કિલર ખાઈને રાહત મેળવી લેતા હોય છે. પરંતુ દરેક વખતે માથાનો દુખાવો સામાન્ય નથી હોતો. માથાનો દુખાવો પણ ગંભીર સમસ્યાનું લક્ષણ હોઈ શકે છે.
મોટાભાગના લોકોને સામાન્ય માથાના દુખાવા અને માઈગ્રેન વચ્ચે કન્ફ્યુઝન હોય છે. ઘણા લોકો માઈગ્રેનને પણ સામાન્ય દુખાવો માને છે પરંતુ માથાના દુખાવામાં અને માઈગ્રેનમાં જમીન આસમાનનું અંતર હોય છે. ચાલો આજે તમને જણાવીએ સામાન્ય માથાના દુખાવા અને માઈગ્રેન વચ્ચે શું તફાવત હોય અને કેવી રીતે જાણી શકાય કે માથાનો દુખાવો માઈગ્રેનના કારણે છે.
આ પણ વાંચો: ગોળી ખાતી વખતે કેટલું પાણી પીવું ? આજે ડોક્ટરે જણાવેલી દવા ખાવાની સાચી રીતે જાણી જ લો
સૌથી પહેલો તફાવત તો એ છે કે માથાનો દુખાવો સામાન્ય હોય તો ફક્ત માથામાં ભાર કે દુખાવાનો અનુભવ થાય પરંતુ જો દુખાવો માઈગ્રેન ના કારણે હોય તો માથામાં કંઈ વાગતું હોય તેવો દુખાવો થાય તેની સાથે ઉલટી ઉબકા થાય અવાજ અને પ્રકાશથી પણ તકલીફ થવા લાગે. માઇગ્રેનમાં આ પ્રકારની સમસ્યાઓ દુખાવાની સાથે વધવા લાગે છે. સામાન્ય માથાનો દુખાવો હોય તો આવું કંઈ જ થતું નથી.
માઈગ્રેનની શરૂઆત
જે લોકોને માઈગ્રેન હોય તેમને દુખાવાની શરૂઆત પહેલા કેટલાક લક્ષણો દેખાવા લાગે છે. જેમકે કાનની પાછળનો ભાગ થોડો થોડો દુ:ખે, આંખમાં દુખાવાનો અનુભવ થાય, પ્રકાશ સામે જોવામાં તકલીફ પડે. આવી શરૂઆત પછી ધીરે ધીરે માથામાં એક તરફ તીવ્ર દુખાવો થવાની શરૂઆત થાય છે. સામાન્ય માથાનો દુખાવો વધતો નથી પરંતુ માઈગ્રેન ધીરે ધીરે વધે છે.
દુખાવા સિવાયના લક્ષણો
સામાન્ય માથાના દુખાવામાં ફક્ત માથું ભારે લાગે છે અને માથામાં દુખાવાનો અનુભવ થાય છે. પરંતુ માઇગ્રેનમાં માથામાં દુખાવાની સાથે ઉલટી થાય વ્યક્તિને અવાજથી તકલીફ પડે પ્રકાશ સામને જોવામાં તકલીફ પડે, માઈગ્રેન દરમિયાન વ્યક્તિને રોજિંદા કામ કરવામાં પણ તકલીફ થઈ શકે અને હલનચલનમાં પણ તકલીફ થાય.
આ પણ વાંચો: શું તમે પણ સૂતી વખતે ઓશિકા નીચે મોબાઈલ રાખો છો ? તો તમને થઈ શકે છે આવી તકલીફો
દુખાવાની જગ્યા
માથાના સામાન્ય દુખાવામાં આખું માથું ભારે લાગે છે. અથવા કપાળનો ભાગ દુખતો હોય તેવું લાગે. પરંતુ માઈગ્રેનમાં કોઈપણ એક તરફ તીવ્ર દુખાવાનો અનુભવ થાય છે. મોટાભાગે આંખની ઉપરનો ભાગ અથવા તો કાનની પાછળનો ભાગ તીવ્ર રીતે દુખે તો તે માઈગ્રેન હોઈ શકે. આ દુખાવો ધીરે ધીરે વધતો જાય છે.
દુખાવો કેટલો સમય રહે
જેમ અગાઉ જણાવ્યું તેમ માથાનો દુખાવો અનિંદ્રા, ગેસ કે અન્ય કારણસર થયો હોય તો એકાદ કલાકમાં કે પછી આરામ કર્યા બાદ મટી જાય છે. પરંતુ જો દુખાવો માઈગ્રેનના કારણે હોય તો 72 કલાક સુધી દુખાવાનો અનુભવ થઈ શકે છે. દવા લીધા પછી પણ અમુક કલાકો બાદ દુખાવાથી રાહત મળે છે. સામાન્ય રીતે માઈગ્રેનનો દુખાવો દવા લીધા વિના મટી શકતો નથી.
જો તમને પણ વારંવાર માથામાં દુખાવો થતો હોય અને માઈગ્રેન જેવા લક્ષણો જણાતા હોય તો સમય બગાડ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરીને હેલ્થ ચેકઅપ કરાવવું જેથી જાણી શકાય કે માથાનો દુખાવો સામાન્ય છે કે પછી તેની પાછળ માઇગ્રેન જવાબદાર છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)