Right Way to Take Medicine: તબિયત ખરાબ હોય એટલે ડોક્ટર અલગ અલગ પ્રકારની ગોળીઓ લખી આપે છે. ડોક્ટરે લખેલા પ્રસ્ક્રિપ્શન માં એ નોંધેલું હોય છે કે ગોળી કયા સમયે ખાવી પરંતુ એ વાત ની જાણકારી 99% લોકોને હોતી નથી કે ગોળી ખાવાની સાચી રીત કઈ છે. સાચી રીત એટલે કે ગોળી ખાતી વખતે કેટલું પાણી લેવું? ગોળી ખાધા પછી કયા કામ કરવાનું ટાળવું વગેરે.
ડોક્ટરે લખેલી ગોળીઓ ખાવાની રીત દરેકની અલગ અલગ હોય છે ઘણા લોકો એક સાથે ઘણી બધી ગોળી ખાઈને થોડું પાણી પી લેતા હોય છે. તો કેટલાક લોકો એક-એક ગોળી પાણી સાથે ગળે છે. કેટલાક લોકો ગોળી ખાધા પછી તુરંત જ સુઈ જાય છે અને કેટલાક લોકો ગોળીને પાણીમાં ઓગાળીને પીવે છે. આજે તમને જણાવીએ કે ખરેખર ગોળી કેવી રીતે ખાવાની હોય અને ગોળી ખાધા પછી કઈ ભૂલો ન કરવી જેથી દવાની અસર ઝડપથી થાય.
ગોળી ખાવાની સાચી રીત
ગોળી થવાની સાચી રીત વિશે ડોક્ટરનું કહેવું છે કે ઘણા લોકો પાણી વિના ગોળી ગળી જતા હોય છે, તો કેટલાક લોકો એક સાથે ઘણી બધી ગોળી ખાય છે અને ઓછું પાણી પીવે છે. આ બંને રીત ખોટી છે. ગોળી ખાતી વખતે પાણી ન પીવામાં આવે કે ખૂબ ઓછું પાણી પીવામાં આવે તો શક્ય છે કે ગોળી અન્નનળીમાં ચોંટી જાય અને પેટ સુધી ન પહોંચે. આવું થાય તો ગોળીને અસર કરવામાં સમય લાગી શકે છે જેના કારણે દર્દીને સમસ્યાથી રાહત મળવામાં પણ સમય લાગે છે. એટલા માટે જ ગોળી ખાતી વખતે બેદરકારી રાખવી નહીં કે ઉતાવળ કરવી નહીં.
ગોળી ખાતી વખતે કેટલું પાણી પીવું ?
ડોક્ટરના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે એક ગોળી કે પછી કેપ્સ્યુલ ખાવી હોય તો 200 ml સાદુ પાણી પીવું શ્રેષ્ઠ ગણાય છે. એક ગોળી સાથે 200 એમએલ પાણી પીશો તો ગોળી અન્ન નળીમાં ચોટશે નહીં અને પેટમાં જશે જેના કારણે ગોળીની અસર પણ ઝડપથી થવા લાગશે. એક કે બે ઘૂંટડા પાણી પીને ગોળી ગળી જવાથી ગોળી અન્નળીમાં ચોંટી જાય છે અને તેની અસર ઝડપથી થતી નથી.
ગોળી ખાધા પછી તુરંત સુવું નહીં
ડોક્ટરના જણાવ્યા અનુસાર ગોળી ખાધા પછી તુરંત સુઈ જવાનું પણ ટાળવું જોઈએ. કોઈપણ પ્રકારની ગોળી ખાધી હોય તો ઓછામાં ઓછી 30 મિનિટ બેસવું જોઈએ. ગોળી ખાધા પછી તુરંત જ સુઈ જવાથી છાતીમાં બળતરા કે રિફ્લક્ષની પરેશાની થઈ શકે છે. તેથી શક્ય હોય અને દર્દીની સ્થિતિ ગંભીર ન હોય તો દવા લીધા પછી 30 મિનિટ બેસવું જોઈએ.
અત્રે નોંધનીય છે કે ગોળી ખાવા માટે પૂરતું પાણી પીવું તેનો અર્થ એવો નથી કે તે વાત દરેકને લાગુ પડે. જે લોકોને કિડની સંબંધિત કે હાર્ટ સંબંધિત ગંભીર સમસ્યા હોય અને તેમને ઓછું પાણી પીવાની સલાહ આપવામાં આવી હોય છે આવા લોકોએ દવા સાથે ડોક્ટરની સલાહ અનુસાર પ્રવાહી લેવું જોઈએ. કિડની તકલીફ હોય તેમણે દવાની સાથે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ.
જ્યુસ કે ચા કોફી સાથે દવા ન લેવી
ઘણા લોકો જ્યુસ કે અન્ય પ્રવાહી સાથે દવા લઈ લેતા હોય છે ડોક્ટરની સલાહ હોય છે કે આ પ્રકારના પ્રવાહી સાથે દવા લેવાનું ટાળવું જોઈએ દવા લેવાની સાચી રીત પાણી સાથે જ છે. આ સિવાય કોઈપણ પ્રકારની દવા ખાધી હોય તો તેના પછી તુરંત ચા કે કોફી પીવાનું પણ ટાળવું જોઈએ. દવા ખાવા માટે વધારે પડતું ઠંડુ પાણી પણ પીવું નહીં અને હુંફાળું પાણી પણ પીવું નહીં દવા ખાવા માટે નોર્મલ માટલાનું પાણી જ લેવું હિતાવહ રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)