Sesame Seeds: કાળા કે સફેદ શિયાળામાં કયા તલ ખાવા જોઈએ ? જાણો કયા તલથી કેવા ફાયદા થાય
Sesame Seeds: શિયાળામાં તલ ખાવાનું મહત્વ છે. તલને લઈને લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે કયા તલ ખાવા વધારે સારા. એટલે કે કાળા તલ કે પછી સફેદ તલ ? તો ચાલો આજે જાણીએ શિયાળામાં કયા તલ શરીરને કેવા લાભ કરે.
Sesame Seeds: શિયાળાની શરૂઆત થાય એટલે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ થવા લાગે છે જેની તાસીર ગરમ હોય. ઠંડી દરમિયાન વસ્તુઓ શરીરને ગરમી આપે છે અને નિરોગી રહેવામાં મદદ કરે છે. શિયાળામાં ખાવાથી અલગ અલગ વસ્તુઓમાં તલનો પણ સમાવેશ થાય છે. શિયાળા દરમિયાન તલના લાડુ, તલની ચીકી જેવી વસ્તુઓ વધારે ખવાતી હોય છે. શિયાળામાં તલ વધારે શા માટે ખવાય છે અને તેનાથી શરીરને કેવા ફાયદા થાય આજે જાણીએ.
તલ બે પ્રકારના હોય છે એક સફેદ અને એક કાળા. શિયાળો શરૂ થાય એટલે કેટલાક લોકો સફેદ તલ વધારે ખાય છે તો કેટલાક લોકો કાળા તલનો આહારમાં સમાવેશ કરે છે. સફેદ અને કાળા તલને લઈને તમારા મનમાં પણ કન્ફ્યુઝન હોય તો ચાલો તમને જણાવીએ શિયાળાની ઋતુમાં કયા તલ ખાવા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: Teeth Cleaning: દાંત પર કાળા ડાઘ પડી ગયા છે? આ વસ્તુથી દાંત સાફ કરજો, ડાઘ થઈ જશે સાફ
સફેદ તલ
આપણે ત્યાં સફેદ તલનો વપરાશ સૌથી વધારે થાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર સફેદ તલમાં કાળા તલ કરતાં મિનરલ્સ ઓછા હોય છે. પણ સફેદ તલમાં કેલ્શિયમ સહિતના પોષક તત્વો વધારે હોય છે. સફેદ તલમાં હેલ્થી ફેટ હોય છે અને તેમાં રહેલું કેલ્શિયમ હાડકાને મજબૂત કરવામાં પણ મદદ કરે છે. સફેદ તલ મહિલાઓ માટે પણ ફાયદાકારક છે. 40 વર્ષ પછી મહિલાઓના શરીરમાં થતા હોર્મોનલ ફેરફારમાં તલ ફાયદાકારક સાબિત થાય છે. તલ હાડકા અને સ્કિનને પણ ફાયદો કરે છે. સફેદ તલ નાના બાળકોમાં કેલ્શિયમની ખામી દૂર કરવામાં મદદ કરી શકે છે.
કાળા તલ
સફેદ તલની સરખામણીમાં કાળા તલમાં વધારે એન્ટિ ઓક્સિડન્ટ, આયરન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે. પોષક તત્વોથી ભરપૂર કાળા તલ પચવામાં થોડા ભારે હોય છે. કાળા તલ હિમોગ્લોબીન વધારવામાં મદદ કરે છે. કાળા તલ વાળ સંબંધિત સમસ્યામાં પણ ફાયદો કરી શકે છે. કાળા તલ ખાવાથી એનર્જી લેવલ બુસ્ટ થાય છે. કાળા તલ એવી મહિલાઓ માટે ફાયદાકારક છે જેને પીસીઓએસ જેવી સમસ્યાઓ હોય.
આ પણ વાંચો: Crack Heel Remedy: ફટાફટ મટવા લાગશે એડીમાં પડેલા ચીરા, આ ઘરેલુ ઈલાજ છે પગના વાઢિયાનો રામબાણ ઈલાજ
શિયાળામાં કયા તલ ખાવા ?
કાળા અને સફેદ તલના ફાયદા અને પોષક તત્વો વિશે તો જાણી લીધું. હવે પ્રશ્ન એ આવે છે કે શિયાળામાં કયા તલ ખાવા જોઈએ ? તો તેનો જવાબ છે કે જો તમે શરીરમાં આયરન લેવલ વધારવા માંગો છો, વાળની સમસ્યા અને થાક જેવી તકલીફોને દૂર કરવા માંગો છો તો શિયાળા દરમિયાન કાળા તલ ખાવાનું રાખજો. આ સિવાય જે મહિલાઓના હાડકા નબળા હોય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા વધારે રહેતી હોય તેમણે સફેદ તલ ખાવા જોઈએ. તમે તમારા શરીરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કાળા અને સફેદ તલ ડાયટમાં સામેલ કરી શકો છો. કાળા તલના પ્રમાણની વાત કરીએ તો રોજ એક થી બે ચમચી કાળા તલ ખાઈ શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)