લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના કેસમાં 2 સગીરને 10-10 વર્ષની સજા, જાણો શું છે સમગ્ર ઘટના
Indian Restaurant Fire Case: લંડનની કોર્ટે 2 સગીરને 10-10 વર્ષની સજા ફટકારી છે. આ સજા તેમને એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દેવા બદલ ફટકારવામાં આવી છે. શું છે ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાનો મામલો ચાલો જાણીએ.
Indian Restaurant Fire Case: લંડનમાં એક ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાના ગુના બદલ કોર્ટે 2 સગીર આરોપીઓને 10-10 વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. બંને સગીર એ એક ભારતીય રેસ્ટોરન્ટને પેટ્રોલ છાંટી સળગાવી દીધું હતું. આ મામલો ગયા વર્ષનો છે જ્યારે આરોપીઓએ એક ભારતીય રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં એક કપલ ગંભીર રીતે ઘાયલ પણ થઈ ગયું હતું. આ કેસમાં કોર્ટે હવે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે અને આરોપીઓને કડક સજા ફટકારી છે
શું છે ભારતીય રેસ્ટોરન્ટ સળગાવવાનો મામલો ?
લંડનમાં ઇન્ડિયન અરોમા નામનું એક રેસ્ટોરન્ટ હતું. ગયા વર્ષે એટલે કે 2025 માં ઓગસ્ટ મહિનામાં આ ઘટના બની હતી. ઘટનાની વિગતો એવી છે કે રેસ્ટોરન્ટમાં અચાનક જ 3 બુકાનીધારી લોકો ઘુસી ગયા હતા. ત્રણમાંથી બે લોકોના હાથમાં હથિયારો હતા અને ત્રીજાના હાથમાં પેટ્રોલ ભરેલું કેન હતું. હથિયાર સાથે રેસ્ટોરન્ટમાં ઘુસેલા આરોપીએ હથિયાર બતાવીને લોકોને રેસ્ટોરન્ટમાં રહેવાનું જ કહ્યું અને લોકોની હાજરી હોવા છતાં રેસ્ટોરન્ટમાં પેટ્રોલ છાંટીને આગ લગાડી દેવામાં આવી. પેટ્રોલના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ અને રેસ્ટોરન્ટની અંદર રહેલા લોકોમાંથી એક કપલ 50% થી વધુ દાઝી ગયું. આ ઘટના પછી કપલની સારવાર લાંબા સમય સુધી ચાલી. રેસ્ટોરન્ટમાં આગ લગાડીને ત્રણેય હુમલા કરનાર ભાગી ગયા હતા.
એક વર્ષ સુધી ચાલ્યો કેસ
આ ઘટનામાં પોલીસે તપાસ અને બાતમીના આધારે રેસ્ટોરન્ટ સળગાવનાર 2 સગીરોની ધરપકડ કરી. 7 સપ્તાહની પૂછપરછ પછી પોલીસને તથ્ય અને પુરાવા મળ્યા કે આ બંને સગીરનો હાથ રેસ્ટોરન્ટ સળગાવવામાં હતો. ત્યારબાદ તેમના પર કોર્ટ કેસ શરૂ કરવામાં આવ્યો. સગીરો પર એક વર્ષ સુધી ચાલેલી લાંબી સુનવણી પછી બંને આરોપીઓને 10-10 વર્ષની કડક સજા સંભળાવવામાં આવી છે. રેસ્ટોરન્ટ સળગાવનાર આરોપીઓની ઉંમર નાની હોવાથી તેમની ઓળખ જાહેર કરવામાં નથી આવી.
આ ઘટનામાં જજ માઈકલ એ નિર્ણય સંભળાવતી વખતે એ વાત નોંધી હતી કે રેસ્ટોરન્ટ સળગાવવાનું કામ ગણતરીપૂર્વકનું હતું. આરોપીઓ એ જાણતા હતા કે રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો આગના કારણે મરી પણ શકે છે તેમ છતાં તેમણે ઠંડા કલેજે ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના અનુભવી અપરાધીનો હાથ હોવાનું પણ કહેવાય છે પરંતુ તે અપરાધીની ઓળખ થઈ નથી. પરંતુ જે બે આરોપીઓ ઝડપાયા છે તેમણે તેમના કર્યાની સજા ભોગવવી પડશે.