Vladimir Putin: રાષ્ટ્રપતિ પુતિન એ આપી પરમાણુ હથિયારના ઉપયોગની ચેતવણી, ડીઝલના વેચાણ મુદ્દે કર્યો મોટો ધડાકો
Vladimir Putin Warning: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ વાલ્દાઈ ફોરમના મંચ ડિઝલ અને પરમાણું હથિયાર મામલે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે તેમના પર લાગેલા પ્રતિબંધ બાદ હવે રશિયા તેનું ડીઝલ વૈશ્વિક બજારમાં નહીં મોકલે. આ તકે તેમણે પરમાણું હથિયારના ઉપયોગ મુદ્દે પણ ચેતવણી આપી હતી.
Vladimir Putin Warning: રુસના રાષ્ટ્રપતિ પુતિન તેમના પર લાગેલા પ્રતિબંધ અને કાલિનિનગ્રાદ મામલે આંકરાપાણીએ જોવા મળ્યા. રાષ્ટ્રપતિ પુતિન એ વાલ્દાઈ ફોરમના મંચ પરથી સ્પષ્ટ કરી દીધું છે કે જો કાલિનિનગ્રાદ પર હુમલો થશે તો રશિયા તેના જવાબમાં દરેક પ્રકારના હથિયારનો ઉપયોગ કરશે. સાથે જ રશિયા પર લગાવેલા પ્રતિબંધ બાદ વૈશ્વિક સ્તરે ડીઝલના વેચાણ અંગે પણ તેમણે કહી દીધું છે કે જ્યાં સુધી પ્રતિબંધ નહીં હટે ત્યાં સુધી રશિયાનું ડીઝલ નહીં મળે.
રાષ્ટ્રપતિ પુતિનની ડીઝલના વેચાણ મુદ્દે સ્પષ્ટતા
રાષ્ટ્રપતિ પુતિન એ પોતાના સંબોધનમાં કેટલીક વાતોની સ્પષ્ટતા કરી દીધી હતી. જેમાં રશિયાના ડીઝલના વેચાણનો મુદ્દો મહત્વપૂર્ણ હતો. પુતિનએ કહ્યું હતું કે રશિયા પર ડીઝલના વેચાણ માટે પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે જેને લઈ રશિયાએ નિર્ણય કર્યો છે કે હવે તે તેનું ડીઝલ વિશ્વ બજારમાં નહીં મોકલે. જો વિશ્વને રશિયાના ડીઝલની જરૂર હોય તો પહેલા રુસ સાથેના વેપાર પર લગાવેલા પ્રતિબંધ હટાવવામાં આવે.
પુતિનની પરમાણુ હથિયારના ઉપયોગની ચેતવણી
વાલ્દાઈ ફોરમ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન એ પરમાણુ હથિયારના ઉપયોગની ગર્ભિત ચેતવણી પણ આપી દીધી છે. રાષ્ટ્રપતિ પુતિન એ આ તકે કહ્યું હતું કે વિશ્વમાં ખતરનાક સમય ચાલી રહ્યો છે. આ સમયે પશ્ચિમી દેશોને રશિયા ચેતવણી આપે છે કે એવું કોઈ કામ ન કરે જેના કારણે વિશ્વમાં તણાવ વધે. આ સાથે જ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો કેલિનિનગ્રાદ પર હુમલો કરવાની ભુલ કરવામાં આવશે તો તેના જવાબમાં રશિયા પરમાણુ હથિયાર પણ વાપરી શકે છે.
શું છે કેલિનિનગ્રાદનો મુદ્દો ?
કેલિનિનગ્રાદ રશિયાનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. જે રશિયાની જમીનથી હજારો કિલોમીટર દુર બાલ્ટિક સમુદ્રના કિનારે છે. આ વિસ્તાર પોલેન્ડ અને લિથુઆનિયા જેવા નાટોના સભ્ય દેશોથી ઘેરાયેલો છે. આ વિસ્તાર રશિયા માટે મહત્વપૂર્ણ છે અહીં સુરક્ષા માટે સૈન્ય અને મિસાઈલ સિસ્ટમ પણ તૈનાત રાખવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ ચેતવણી ખાલી વાત નથી. જાણવા મળતી માહિતી અનુસાર બુધવારે જ પુતિને કેલિનિનગ્રાદ મુદ્દે સૈન્ય સંગઠન નાટોને પરમાણુ હથિયારના ઉપયોગની ચેતવણી પણ આપી દીધી છે. આ તકે પુતિન એ અમેરિકા અને ચીન સાથે વાતચીત અંગે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ચીન અને અમેરિકા સાથે ત્રિપક્ષીય વાર્તા કરવા રશિયા તૈયાર છે પણ તે પહેલા ચર્ચાના મુદ્દા નક્કી હોવા જોઈએ.
રાષ્ટ્રપતિ પુતિન એ પીએમ મોદીના કર્યા વખાણ
રાષ્ટ્રપતિ પુતિન એ આ તકે વૈશ્વિક મંચ પરથી પીએમ મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના એવા નેતાઓમાંથી એક છે જેની સાથે તેમના ખૂબ સારા અને ગાઢ સંબંધ છે. પીએમ મોદી સાથે વ્યક્તિગત સંબંધો છે તેમ છતા તેઓ યૂક્રેન સાથે સંઘર્ષ ખતમ કરવાનો મુદ્દો ઉઠાવે છે અને પ્રશ્ન પણ કરે છે. પીએમ મોદી એવું સમાધાન લાવવામાં રસ ધરાવે છે જે બંને પક્ષોને સ્વીકાર્ય હોય. પીએમ મોદી નિષ્પક્ષ રહે છે પણ સાથે જ સંઘર્ષ ખતમ થાય તેવું તેમનું વલણ હોય છે. રાષ્ટ્રપતિ પુતિન એ છેલ્લે એવું પણ કહ્યું હતું કે પીએમ મોદીએ જે શાંતિપૂર્ણ રીતે સંઘર્ષ ખતમ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે તેના માટે આભારી છે.