Israel Elections : શું મધ્ય પૂર્વના પાવર હાઉસ ગણાતા ઈઝરાયેલમાં ઇતિહાસ બદલાવા જઈ રહ્યો છે? શું ઈઝરાયેલની રાજનીતિમાં પહેલીવાર એવું રાજકીય સમીકરણ રચાવા જઈ રહ્યું છે, જેની કલ્પના કદાચ કોઈએ કરી નહીં હોય? ઈઝરાયેલમાં યોજાયેલી તાજેતરની સામાન્ય ચૂંટણી બાદ રાજકીય સન્નાટો અને ઉથલપાથલ બંને ચરમસીમાએ છે.
કોઈપણ પક્ષને બહુમતી ન મળતાં હવે તેલ અવીવની સડકો પર એક અનોખી માગ ગુંજી રહી છે...માગ છે યહૂદી-આરબ ગઠબંધન સરકાર બનાવવાની. ઈઝરાયેલના ચૂંટણી પરિણામો આવતાં જ રાજકીય વર્તુળોમાં ભૂકંપ આવી ગયો. 120 બેઠકો ધરાવતી નેસેટ એટલે કે સંસદમાં સરકાર બનાવવા માટે 61 બેઠકોનો જાદુઈ આંકડો જરૂરી છે, પરંતુ આ વખતે જનાદેશ વિભાજિત થયો છે.
પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂના દક્ષિણપંથી ગઠબંધનને લગભગ 53 બેઠકો મળી છે, જ્યારે તેમના સૌથી મોટા રાજકીય હરીફ ગાદી આઈઝેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી જૂથને માત્ર 48 બેઠકો મળી છે. બીજી તરફ આરબ પક્ષોના ખાતામાં 19 બેઠકો આવી છે.
એટલે કે કોઈપણ પક્ષ પોતાની રીતે સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. ત્રિશંકુ વિધાનસભા જેવી આ સ્થિતિએ ઈઝરાયેલની રાજનીતિને એવા વળાંક પર લાવીને ઊભી કરી દીધી છે, જ્યાં દરેક સાંસદનું મહત્ત્વ સોના કરતાં પણ વધારે થઈ ગયું છે. નેતન્યાહૂ વિરોધી પક્ષોના આ ગઠબંધનમાં સેન્ટર લેફ્ટથી લઈને કટ્ટર દક્ષિણપંથી પક્ષોનો સમાવેશ થાય છે, પરંતુ તેઓ બહુમતીના જાદુઈ આંકડાથી ઘણા દૂર છે.
એક તરફ રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે જોડતોડમાં વ્યસ્ત છે, તો બીજી તરફ દેશની સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી છે. તેલ અવીવમાં પ્રદર્શનકારીઓએ જોરદાર વિરોધ નોંધાવીને એવી સરકાર બનાવવાની માગ કરી છે, જે યહૂદી અને આરબ બંને સમુદાયોને સાથે લઈને ચાલે. પ્રદર્શનકારીઓની સીધી અપીલ વિપક્ષી નેતા ગાદી આઈઝેનકોટને છે કે તેઓ આગળ આવે અને આરબ પક્ષોના પ્રતિનિધિઓ સાથે હાથ મિલાવે.
ઈઝરાયેલમાં તમામ મતોની ગણતરી બાદ જોઇન્ટ લિસ્ટ ગઠબંધનને 11 બેઠકો મળી છે. આ ઈઝરાયેલની આરબ વસ્તીના અધિકારો માટે અવાજ ઉઠાવતું રાજકીય ગઠબંધન છે. જેમાં ત્રણ અલગ-અલગ પક્ષો સામેલ છે. આ ગઠબંધનમાં આરબ નેતાઓની સાથે યહૂદી નેતાઓ પણ છે.
| હદાશ: | આ ડાબેરી વિચારધારા ધરાવતો પક્ષ છે. તે આરબ અને યહૂદી નાગરિકોની સમાનતા, મજૂરોના અધિકારો અને પેલેસ્ટાઇન સાથે શાંતિની હિમાયત કરે છે. |
| તાલ: | આ અહમદ તિબીનો પક્ષ છે. તે આરબ નાગરિકોના સમાન અધિકારો, શિક્ષણ અને રોજગારીની વધુ સારી તકો તેમજ પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપનાનું સમર્થન કરે છે. |
| બલદ: | આ આરબ રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતો બિનસાંપ્રદાયિક પક્ષ છે. તે ઈઝરાયેલને એવો દેશ બનાવવાની હિમાયત કરે છે, જ્યાં તમામ નાગરિકોને સમાન અધિકારો મળે. |
આ રાજકીય ગતિરોધ અને વારંવાર સરકાર પડી જવાના સંકટ વચ્ચે હવે ઇઝરાયેલમાં વધુ એક મોટી ચર્ચા શરૂ થઈ છે..શું પ્રધાનમંત્રીની પસંદગી કરવાની પદ્ધતિ જ બદલી નાખવી જોઈએ? નેતન્યાહૂના વિરોધી પક્ષો હવે જૂની વ્યવસ્થાને ફરીથી લાગુ કરવા અંગે વિચારણા કરી રહ્યા છે, જે અંતર્ગત જનતા સીધી રીતે પ્રધાનમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરી શકતી હતી...
શું ઈઝરાયેલની રાજનીતિમાં સદીઓ જૂનું અંતર ભૂંસીને નવું યહૂદી-આરબ ગઠબંધન આકાર લઈ શકશે? શું ગાદી આઇઝેનકોટ આરબ પક્ષોના સમર્થનથી ઈતિહાસ રચશે કે પછી ઇઝરાયેલ ફરી એકવાર રાજકીય અનિશ્ચિતતા અને નવી ચૂંટણીઓના ચક્રવ્યૂહમાં ફસાઈ જશે?