રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ એ એવો દાવો કર્યો છે કે તેના કારણે જ ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ છે. પોતાના વખાણ કરતાં ટ્રંપ એ કહ્યું કે તેણે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોક્યું છે જેના કારણે આજે ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ છે નહીં તો નકશામાંથી મિડલ ઈસ્ટ ગાયબ થઈ ગયું હોત. ટ્રંપનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. એવું પણ કહેવાય રહ્યું છે કે ચુંટણીમાં ટ્રંપને જે હારનો સામનો કરવો પડ્યો તે પણ ઈરાન સાથેના યુદ્ધના કારણે છે.
ડોનાલ્ડ ટ્રંપએ ટ્રુથ સોશિયલ પર પણ આ વાત લખી છે. તેમણે લખ્યું છે કે જો તેણે ઈરાનને પરમાણુ હથિયાર મેળવતા રોક્યું ન હોત તો ઈઝરાયલ અને મિડલ ઈસ્ટનું અસ્તિત્વ જ ન હોત. આ વાત સાચી છે તે સૌ કોઈ જાણે છે પણ બોલતું નથી. આ પહેલા પણ ઈઝરાયલને બચાવવાનો જશ ટ્રંપએ પોતે લીધો હતો. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે તે અમેરિકાના રાષ્ટ્રપતિ ન હોત તો ઈઝરાયલનું અસ્તિત્વ જ ન હોત.
મહત્વનું છે કે અમેરિકામાં થયેલી ચૂંટણી પછી ઘણા મોટા ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે. ચૂંટણી પરિણામ પહેલા જ ઈઝરાયલ મામલે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઈઝરાયલને દર વર્ષે થતી 3.8 અરબ ડોલરની સૈન્ય મદદ બંધ કરવાની ઘોષણા સૌથી મુખ્ય છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે આર્થિક સહાયતા માટે 10 વર્ષની સમજૂતી થઈ હતી. તેમ છતાં આ મદદ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રંપ એ કહ્યું છે કે ઈઝરાયલને હવે મદદની જરૂર નથી.