ટેક્નોલોજીનો આવો ઉપયોગ? 16 વર્ષની સગીરાની છેડતીના આરોપમાં પોલીસે રોબોટને પકડ્યો
Robot Seized By German Police: ટેકનોલોજીના દુરૂપયોગનો એક ચોંકાવનારો કિસ્સો જર્મનીથી સામે આવ્યો છે. જર્મનીના કોલોન (Cologne) શહેરમાં રોબોટ દ્વારા 16 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસ પણ અસમંજસમાં મુકાઈ ગઈ છે. જાણો શું છે માહિતી.
જર્મનીના કોલોન શહેરમાં એક 16 વર્ષની છોકરીએ રોબોટ પર છેડતીનો આરોપ મૂકતા પોલીસ પણ અવઢવમાં પડી ગઈ. જો કે આ રોબટ પર તાબડતોબ કાર્યવાહી કરતા પોલીસે તેને જપ્ત કરી લીધો છે. પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે આ રોબોટ જેમના કંટ્રોલમાં હતો એ બે યુવકો પણ આ ઘટનામાં સામેલ હતા કે નહીં. જો કે હાલ તો આ બંને યુવકો પર કોઈ આરોપ લાગ્યો નથી. પરંતુ તેઓ શંકાના દાયરામાં છે.
રોબોટે છોકરીના પ્રાઈવેટ પાર્ટને કર્યો ટચ?
પોલીસના જણાવ્યાં મુજબ શનિવાર અને રવિવાર દરમિયાન રાતે ઘટેલી આ ઘટનામાં બે યુવકો દ્વારા નિયંત્રિત થઈ રહેલા રોબોટે 16 વર્ષની છોકરીના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કર્યો અને શારીરિક ઉત્પીડન જેવી હરકતો કરી હોવાનો આરોપ છે. એટલું જ નહીં, આ આખી ઘટનાનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ કરીને યુવકો લાઈવ કોમેન્ટ્રી પણ કરી રહ્યા હતા એવો પણ આરોપ લાગ્યો છે.
ઘટનાની જાણ થતાં જ કોલોન સિટી પોલીસે સ્થળ પર પહોંચીને તપાશ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને એક કારની ડીકીમાંથી લાલ અને ગોલ્ડન રંગનો રોબોટ મળી આવ્યો હતો. પોલીસે રોબોટ સહિત બંને યુવકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી લીધા છે.
પહેલેથી આવો પ્રોગ્રામ ફીટ કરેલો હતો?
કોલોન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે કે, આ પ્રકારનો કિસ્સો તેમના માટે સાવ નવો છે. રોબોટના મુવમેન્ટ્સ અગાઉથી પ્રોગ્રામ કરેલા હતા કે રિયલ ટાઈમમાં કંટ્રોલ કરવામાં આવી રહ્યા હતા તે અંગે તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે બંને યુવકોને શકમંદ માનીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે.
રોબોટ સાથે યુવકોના મોબાઈલ પણ જપ્ત
પોલીસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું કે ફાસ્ટ ફૂડ રેસ્ટોરેન્ટ પાસે આ ઘટનાની જાણકારી મળતા જ ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી. ત્યાં એક વાહનની ડિકીમાં તેમને રોબોટ મળ્યો હતો. પોલીસે રોબોટની સાથે સાથે બંને યુવકોના મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે. અત્રે જણાવવાનું કે આ રોબોટનો માલિક એક 16 વર્ષનો છોકરો છે. જ્યારે તેનો સાથી 19 વર્ષનો યુવક છે. રોબોટની લંબાઈ લગભગ 120 સેન્ટીમીટર ( 3 ફૂટ 11 ઈંચ) છે.
સોશિયલ મીડિયા પર જર્મનીની પોલીસે રોબોટની તસવીર પણ શેર કરી છે. તસવીરમાં રોબોટ લાલ અને સોનેરી રંગનો જોવા મળી રહ્યો છે. તેણે સફેદ ટેંક ટોપ, કાળું ટ્રેક પેન્ટ, ગળામાં સોનાની ચેન અને સનગ્લાસિસ પહેરેલા છે.
મહિલાને ધક્કો પણ માર્યો?
એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થયો છે તેમાં રોબોટ મહિલાઓના એક ગ્રુપ તરફ જઈને એક મહિલાને ધક્કો મારતો અને અન્ય મહિલાઓને ગળે લગાવતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક યુવક રોબોટને પાછળ ખેંચતો અને તેના પર બૂમો પાડતો જોવા મળે છે.