ઓમાની કો પાયલટે કરેલા હુમલાથી કેપ્ટન સ્મિતની ખોપડીનું હાડકું તૂટીને અંદર ધસી ગયું હતું, સર્જરી કરવી પડી
Captain Smit Machchhar: 30મી સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની જે ફ્લાઈટ દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહી હતી તેને ક્રેશ થતી બચાવનારા ભારતીય પાયલટ સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય વિશે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આટલી ગંભીર સ્થિતિમાં પણ તેમણે કઈ રીતે લોકોના જીવ બચાવ્યા એ એક ચમત્કારથી જરાય કમ નથી.
Published: Oct 06, 2026, 04:10 PM IST
| Updated: Oct 06, 2026, 04:12 PM IST
ફ્લાયદુબઈની એક ફ્લાઈટ જે દુબઈથી ઈઝરાયેલ જઈ રહી હતી તેમાં દોઢ બે કલાક વિત્યા બાદ કોકપિટમાં ઓમાની નાગરિક એવા કો પાયલટે તેના સાથી પાયલટ ભારતીય સ્મિત મચ્છર પર નમાજ પઢવાના બહાને ઊભો થયો અને પાછળથી વિમાનમાં ઈમરજન્સી માટે રાખવામાં આવતી ક્રેશ એક્સથી વાર કર્યો અને એક વાર નહીં પરંતુ સતત વાર ચાલુ રાખ્યા. કેપ્ટન સ્મિત મચ્છરને આ હુમલાઓથી કઈ ગંભીર શારીરિક ઈજાઓ થઈ તે હવે સામે આવ્યું છે. જાણીને તમારા રૂવાડાં ઊભા થઈ જશે.
ખોપડીના હાડકામાં થયું ફ્રેક્ચર
- કો પાયલટના જીવલેણ ઘા ઝેલી લેનારા કેપ્ટન સ્મિત મચ્છરે 174 લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ દાવે લગાવ્યો. જો તેમણે તે વખતે બધી હિંમત સમેટીને એક આખરી તક પોતાને ન આપી હોત તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકત.
- કો પાયલટે માથામાં વાર કર્યા હોવાના કારણે તેમના માથાની ખોપડીમાં ફ્રેક્ચર થયું છે. જેના કારણે તેમની તાબડતોબ સર્જરી કરવી પડી.
- સૂત્રો મુજબ કો પાયલટે કોકપિટમાં રાખવામાં આવતી ક્રેશ એક્સથી હુમલો કર્યો હતો.
- આટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં કેપ્ટન સ્મિતે હિંમત ન હારી અને આખરે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. જેના કારણે બાકી મુસાફરો અંદર આવ્યા અને હુમલાખોર કાબૂમાં આવ્યો તથા વિમાન પણ કંટ્રોલમાં કરી શકાયું અને સુરક્ષિત રીતે સાઉદી અરબના તાબુકમાં લેન્ડ થઈ શક્યું.
ખોપડીનું હાડકું તૂટીને અંદર ધસી ગયું
- કેપ્ટન સ્મિતને થયેલી આ ઈજાના કારણે તેમની ખોપડીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
- આ ઈજાના કારણે તેમનું ખોપડીનું હાડકું અંદરની બાજુ ધસી ગયું હતું. જેને મેડિકલ ભાષામાં ડિપ્રેસ્ડ સ્કલ ફ્રેક્ચર કહે છે.
- ત્યારબાદ કેપ્ટન સ્મિતને તાબુકની પ્રિન્સ સુલ્તાન બિન અબ્દુલ અઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન પર ઈમરજન્સી લેન્ડિંગ બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
- અહીં ડોક્ટરોએ તેમની ખોપડીની સર્જરી કરી અને હાડકાને ઠીક કર્યું.
- સૂત્રોના જણાવ્યાં મુજબ આ એક ગંભીર ઈજા કહી શકાય. કારણ કે હાડકા મગજ પર દબાણ નાખી શકે છે કે તેને નુકસાન પહોંચાડી શકે છે. આથી આ માટે તબીબી દેખરેખ અને સારવાર ખુબ જરૂરી હોય છે.
રિકવર થઈ રહ્યા છે કેપ્ટન સ્મિત
- જો કે રાહતની વાત એ છે કે કેપ્ટન સ્મિત આટલી ગંભીર ઈજા થવા છતાં પણ હવે સારી રીતે રિકવર થઈ રહ્યા છે. સૂત્રોએ આ અગાઉ એનડી ટીવીને જણાવ્યું હતું કે પાયલટને અનેક અન્ય ઈજાઓ પણ થઈ હતી, જેમાં તેમના અવયવો, છાતી, અને પેટના ઉપરના ભાગમાં ઈજાઓ પણ સામેલ છે. પરંતુ હવે તેઓ સારી રીતે રિકવર થઈ રહ્યા છે.
- કેપ્ટન સ્મિતને સારા ઈલાજ માટે સાઉદી અરબથી અબુ ધાબી (દુબઈ) એરલિફ્ટ પણ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને મિલિટ્રી હોસ્પિટલમાં ખસેડાયા. અહીં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની એક ટીમ તેમના પર સતત નજર રાખી રહી છે.
- સૂત્રોના જણાવ્યા પાલયટ સારવારને સારો રિસ્પોન્સ આપી રહ્યા છે.
- સૂત્રોએ એમ પણ જણાવ્યું કે અધિકારીઓએ કેપ્ટન સ્મિતના પરિવારને તેમને હોસ્પિટલમાં મળવાની મંજૂરી પણ આપી છે અને તેમને તેમના સ્વાસ્થ્ય અંગે નિયમિત જાણકારી પણ અપાઈ રહી છે.
શું થયું હતું તે દિવસે કોકપિટમાં?
- સામે આવેલી વિગતો મુજબ ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી.
- તે વખતે અચાનક ઓમાની મૂળના કો પાયલટે ભારતીય મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર જીવલેણ હુમલો કરીને વિમાનનો કંટ્રોલ પોતાના તાબામાં લઈ તેને ક્રેશ કરવાની કોશિશ કરી હતી.
- જેના કારણે વિમાન 18000 ફૂટ નીચે આવી ગયું હતું.
- આ પહેલા એર ટ્રાફિક કંટ્રોલરને એક ઈમરજન્સી સિગ્નલ મોકલાયું ત્યારબાદ કોડ સ્વોક 7500 પર સ્વિચ થયો હતો જે હાઈજેકિંગનું સિગ્નલ હોય છે.
અત્રે જણાવવાનું કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પણ કહ્યું હતું કે ઓમાની કો પાયલટ હમામ અલ હમામીએ પ્લેનને ક્રેશ કરવાની કોશિશ કરતા પહેલા કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો.