પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના સચિન GIDC વિસ્તારમાં એક નવનિર્મિત (નવી બંધાતી) ટેક્સટાઇલ બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. આ સાઇટ પર ૨૩ વર્ષીય અમજદ શાહ નામનો યુવક મજૂરી કામ કરી રહ્યો હતો. ઘટનાના દિવસે અમજદ બિલ્ડિંગના બીજા માળે કામ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક સંતુલન બગડતાં તે બીજા માળેથી સીધો નીચે પટકાયો હતો.નીચે પતકાતા જ અમજદને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી. સાઇટ પર હાજર અન્ય શ્રમિકોએ તેને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેની સ્થિતિ વધુ વણસી હતી અને આખરે તેણે દમ તોડ્યો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં ભારે આક્રંદ મચી ગયો છે.
આ ઘટના બાદ મૃતક અમજદના પરિવારે કોન્ટ્રાક્ટર સામે આક્રોશ ઠાલવતા ગંભીર આરોપો લગાવ્યા છે. પરિવારનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકો પાસે કોઈપણ પ્રકારના સુરક્ષા સાધનો (સેફ્ટી બેલ્ટ, હેલ્મેટ કે સેફ્ટી નેટ) આપ્યા વગર જ જોખમી રીતે ઊંચાઈ પર કામ કરાવવામાં આવતું હતું. જો કોન્ટ્રાક્ટરે સેફ્ટીના સાધનો આપ્યા હોત, તો અમજદનો જીવ બચી શક્યો હોત. પરિવારે બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ, આ મામલે કોન્ટ્રાક્ટરે પોતાની સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરતા અજીબોગરીબ બચાવ કર્યો છે. કોન્ટ્રાક્ટરના જણાવ્યા અનુસાર, સાઇટ પર તમામ શ્રમિકોને સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા જ હતા, પરંતુ અમજદ પોતે જ તે સાધનો પહેર્યા વગર કામ કરી રહ્યો હતો.
નોંધનીય છે કે સુરતમાં ગઈકાલે પણ અલગ-અલગ બાંધકામ સાઇટ પરથી પડી જવાને કારણે બે શ્રમિકોના કરુણ મોત નીપજ્યા હતા. આજે સચિન GIDCમાં ત્રીજા શ્રમિકનું મોત થતાં બાંધકામ ક્ષેત્રે સુરક્ષાના નિયમોના લીરેલીરા ઊડતા દેખાઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ અને શ્રમ વિભાગ (Labor Department) આ મામલે તપાસ કરીને જવાબદારો સામે કેવા પગલાં ભરે છે તે જોવાનું રહેશે.