Surat Municipal Corporation : સુરત મહાનગરપાલિકામાં માનવતાને શરમાવે તેવી એક કાળી કરતૂત સામે આવી છે, જ્યાં એક લાંચિયા અધિકારીની સંવેદનહીનતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ!. જી હા તાપીપુરા વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી ઓફિસર શૈલેષ મણીલાલ પારેખે સરકારી નોકરીના પાવરમાં માનવતાને નેવે મૂકી દીધી હતી.
શૈલેષ પારેખે સીધી 25 હજારની લાંચ માંગી લીધી
ફરિયાદી કર્મચારીની પત્ની સગર્ભા હતી. ગર્ભવતી પત્નીની સારવાર માટે પતિને અવારનવાર હોસ્પિટલ જવું પડતું હતું. આવી ગંભીર અને નાજુક પરિસ્થિતિમાં પણ આ લાંચિયા અધિકારીનું દિલ ન પીગળ્યું. ફરજ દરમિયાન સારવાર માટે જવા દેવા, ગેરહાજર ન દર્શાવવા અને મેમો ન આપવાના બદલામાં શૈલેષ પારેખે સીધી 25 હજારની લાંચ માંગી લીધી! એક ગર્ભવતી મહિલાની લાચારી પર તરાપ મારતા આ અધિકારીને સહેજ પણ શરમ ન આવી.
ACBની ટીમે તાત્કાલિક છટકું ગોઠવ્યું
પરંતુ, આ પાપના ઘડાનો અંત નિશ્ચિત હતો. ફરિયાદી કર્મચારી લાંચ આપવા બિલકુલ ઈચ્છતો નહોતો. તેણે હિંમત બતાવી સુરત ACBનો સંપર્ક કર્યો. ACBની ટીમે તાત્કાલિક છટકું ગોઠવ્યું અને જેવો જ શૈલેષ પારેખ પોતાની જ સિક્યુરિટી ઓફિસરની ચેમ્બરમાં ફરિયાદી પાસેથી 25,000ની કડકડીતી નોટો સ્વીકારવા ગયો, ત્યાં જ છુપાઈને બેઠેલી ACBની ટીમે તેના પર તરાપ મારી!.
લાંચિયા શૈલેષ પારેખની રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે અને લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી લેવાઈ છે. ક્લાસ-3ના આ અધિકારીના પાપે આખા સુરત મનપા વર્તુળમાં ચકચાર મચાવી દીધી છે. જે પાવરના જોરે તે લાંચ માંગતો હતો, તે જ પાવર હવે ACBએ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે...
આવા સંવેદનહીન અધિકારીઓ સમાજ અને સરકારી તંત્ર પર કલંક સમાન છે, જેમને હવે ACBએ કાયદાનો બરાબર પાઠ ભણાવ્યો છે.
પાવર અને હોદ્દાના નશામાં ચૂર
સુરત મનપાનો આ કિસ્સો તમામ સરકારી બાબુઓ માટે લાલબત્તી સમાન છે...પાવર અને હોદ્દાના નશામાં ચૂર થઈને જેઓ ગરીબ અને લાચાર પ્રજાના લોહી-પરસેવાના પૈસા પર નજર બગાડે છે, તેમણે હવે સુધરી જવાની જરૂર છે. ગર્ભવતી મહિલાની લાચારીની મજબૂરીનો ફાયદો ઉઠાવનારા આ શૈલેષ પારેખ જેવા ભ્રષ્ટ અધિકારીઓ સરકારી તંત્રની છબી ખરડી રહ્યા છે, પણ તેઓ ભૂલી જાય છે કે કાયદાના હાથ બહુ લાંબા છે.