સંદીપ વસાવા / સુરત: સુરતના કોસંબામાં બનેલા એક ચોંકાવનારા ત્રિપલ મર્ડર કેસનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. સાળાને ફસાવવા માટે ખોટી બાતમી આપવા ગયેલો માધવદાસ સાધુ પોતે જ પોલીસ તપાસમાં મુખ્ય આરોપી નીકળ્યો હતો. તેણે પોતાની પત્ની ઉર્મિલા સાથે મળીને માત્ર એક જ વર્ષમાં પોતાની માતા, સાળી અને દાદી સાસુની ઓશીકાથી શ્વાસ રૂંધીને હત્યા કરી હતી. તેમણે આ ત્રણેય હત્યાઓને લકવો, ટીબી અને કોરોના જેવી બીમારીઓમાં ખપાવી કુદરતી મોત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, દાદી સાસુ શાન્તાબેનની મિલકત હડપવા માટે તેમની હત્યા કરી મૃતદેહને ડ્રમમાં સિમેન્ટ ભરીને ઘરની ઓસરીમાં જ દાટી દીધો હતો. હાલ પોલીસે આ હત્યારા દંપતી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતદેહને ડ્રમમાં સિમેન્ટ ભરીને ઘરની ઓસરીમાં દાટી દેવાયો
દાદી સાસુ શાન્તાબેનની હત્યા કર્યા બાદ મૃતદેહને ડ્રમમાં સિમેન્ટ ભરીને ઘરની ઓસરીમાં દાટી દેવાયો હતો. જ્યારે પોતાની માતા અને સાળીની પણ ઓશીકાથી ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત સામે આવી છે.પતિ અને સાળાને ફસાવવા માટે ખોટી બાતમી આપનાર માધવદાસ પોતે જ પોલીસની તપાસમાં ફસાઈ ગયો. આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પતિ-પત્ની સામે કાર્યવાહી હાથ ધરી છે.
શાન્તાબેનનો મૃતદેહ કોસંબા ખાતેના ઘરમાંથી મળ્યો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને માધવદાસ ભક્તિરામ સાધુ નામના વ્યક્તિએ બાતમી આપી હતી કે, તેની દાદી સાસુ શાન્તાબેન ગંભીરભાઈ વસાવાની ચાર-પાંચ વર્ષ પહેલા તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા અને અફઝલ ઉર્ફે પોટો દિવાને હત્યા કરી હતી. શાન્તાબેનનો મૃતદેહ કોસંબા ખાતેના ઘરમાં સિમેન્ટ સાથે દાટી દેવાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચે અફઝલ ઉર્ફે પોટો દિવાનને હસ્તગત કરી પૂછપરછ શરૂ કરી હતી. જોકે અફઝલે હત્યા અંગે કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાતમી આપનાર માધવદાસની જ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી. અને અહીંથી સમગ્ર કેસમાં મોટો વળાંક આવ્યો.
ત્રણ હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત
પોલીસની સઘન પૂછપરછમાં માધવદાસે કબૂલાત કરી કે, તેની પત્ની ઉર્મિલા ઉર્ફે જયા છેલ્લા કેટલાક સમયથી દાગીના અને રોકડ લઈને પુત્ર સાથે ઘરેથી જતી રહી હતી. પત્ની અને તેના માનિતા ભાઈ અફઝલ પોતાને કોઈપણ સમયે જેલમાં ફસાવી શકે તેવા ડરના કારણે અફઝલ વિરુદ્ધ ખોટી હકીકત આપીને બાતમી આપી હોવાનું માધવદાસે જણાવ્યું હતું. પરંતુ પોલીસે પૂછપરછનો દોર વધુ કડક કરતા માધવદાસે પોતાની જ પત્ની સાથે મળીને ત્રણ હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી.
કોસંબામાં જ અંતિમવિધિ કરી દેવામાં આવી
પ્રથમ હત્યા ની તારીખ અને વિગત મુજબ જોવા જઈએ તો માધવદાસે તેની સાળી ભારતી ઉર્ફે ભગવતીની પણ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. ભારતી ઉર્ફે ભગવતી કોસંબા ખાતે દાદી શાન્તાબેન સાથે રહેતી હતી અને તેને ટીબીની ગંભીર બીમારી હતી. માધવદાસ અને તેની પત્નીને વારંવાર તેની ખબર પૂછવા અને દવાના ખર્ચ માટે પૈસા આપવા કોસંબા જવું પડતું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, 25 ફેબ્રુઆરી 2022ના રોજ બંનેએ ભારતીની પણ ઓશીકાથી શ્વાસ રૂંધી હત્યા કરી હતી. ત્યારબાદ ટીબીની બીમારીના કારણે તેનું મોત થયું હોવાનું કહી કોસંબામાં જ અંતિમવિધિ કરી દેવામાં આવી હતી.
બીજી હત્યા ની ઘટના માધવદાસે પોતાની માતા મંજુલાબેન ભક્તિરામ સાધુની પણ પત્ની સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. મંજુલાબેનને લકવાની ગંભીર બીમારી હતી અને તેઓ પથારીવશ હતા. શરીર પર ચાંદીઓ પડતા તેઓ પીડાઈ રહ્યા હતા અને તેમની સંભાળ રાખવાની જવાબદારી માધવદાસ અને તેની પત્નીની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, સંભાળ રાખવાથી કંટાળી બંનેએ 19 જુલાઈ 2022ની રાત્રે ઓશીકાથી શ્વાસ રૂંધી મંજુલાબેનની હત્યા કરી હતી. ત્યારબાદ લકવાની બીમારીના કારણે તેમનું મોત થયું હોવાનું કહી ધોળકા ખાતે અંતિમવિધિ કરી દેવામાં આવી હતી.
શાન્તાબેનની મિલકત પચાવી પાડવાનો હેતુ
ત્રીજી હત્યા ની ઘટના પોલીસના જણાવ્યા પ્રમાણે, 7 ઓક્ટોબર 2022ની રાત્રે માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ દાદી સાસુ શાન્તાબેનની હત્યા કરી હતી. શાન્તાબેન ખાટલા પર સુતા હતા ત્યારે ઓશીકાથી શ્વાસ રૂંધી તેમની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ મૃતદેહને ડ્રમમાં નાખી તેના ઉપર સિમેન્ટની ત્રણ થેલીઓ અને પાણી નાખવામાં આવ્યું હતું. ડ્રમને બંધ કરીને ઘરમાં રાખવામાં આવ્યો હતો. આશરે સાડા ત્રણ મહિના બાદ ડ્રમ કાપી સિમેન્ટ સાથેના મૃતદેહને ઘરની ઓસરીમાં આશરે પાંચ ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ હત્યા પાછળ શાન્તાબેનની મિલકત પચાવી પાડવાનો હેતુ હોવાનું પણ સામે આવ્યું છે.
શાન્તાબેનના મોતને છુપાવવા માટે અલગ-અલગ સગા-સંબંધીઓને અલગ અલગ વાત કહેવામાં આવી હતી. પત્નીના સંબંધીઓને શાન્તાબેનનું કોરોનાના કારણે વાલથેરા ખાતે મોત થયું હોવાનું જણાવાયું હતું. જ્યારે પોતાના સંબંધીઓને શાન્તાબેનનું કોસંબા ખાતે મોત થયું હોવાનું કહેવામાં આવ્યું હતું. આ રીતે મૃત્યુની અલગ અલગ કહાની બનાવી હત્યાને કુદરતી મોત તરીકે રજૂ કરવાનો પ્રયાસ થયો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
બાતમી આખરે બાતમીદારને જ આરોપીના કઠેડા સુધી લઈ ગઈ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવેલી કબૂલાત મુજબ, માધવદાસ અને તેની પત્ની ઉર્મિલાએ વર્ષ 2022માં ત્રણ અલગ-અલગ હત્યા કરી હતી. માતાની હત્યા બાદ બીમારીનું કારણ બતાવવામાં આવ્યું. સાળીની હત્યા બાદ ટીબીનું કારણ અપાયું. અને દાદી સાસુની હત્યા બાદ કોરોનાનું કારણ બતાવી મામલો દબાવવાનો પ્રયાસ કરાયો. એક હત્યાનો ભેદ ખોલવા આપેલી બાતમી આખરે બાતમીદારને જ આરોપીના કઠેડા સુધી લઈ ગઈ.
દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ક્રાઈમ બ્રાન્ચની તપાસ બાદ કોસંબા ખાતેના ઘરની પાછળની જમીનમાં દફન કરાયેલા શાન્તાબેનના મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી. પોલીસની હાજરીમાં જમીન ખોદવામાં આવતા આશરે પાંચ ફૂટ ઊંડાઈએ દફન કરાયેલ મૃતદેહ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃતદેહને પ્લાસ્ટિકના બેરલમાં રાખી તેના પર સિમેન્ટનું આર.સી.સી. પ્લાસ્ટર કરી દફન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.આ સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હત્યારા દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.