Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં પાયલોટ વચ્ચે જે લોહિયાળ જંગ ખેલાયો તેના કારણે સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે. મૂળ રાજકોટ જિલ્લાના વતની અને ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરે પોતાની અદભુત હિંમત અને બહાદુરીથી એક ભયાનક મોટી હોનારત ટાળીને સમગ્ર દૂનિયાભરમાં ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
રાજકોટથી દુબઈ સુધીની સફર અને પરિવારનો ભવ્ય વારસો
ગુજરાતનું નામ રોશન કરનારા સ્મિત મચ્છરના પરિવાર જોડે Zee 24 Kalak એ વાત કરતા માહિતી મળી છે કે સ્મિત મચ્છર મૂળ રાજકોટ જિલ્લાના વતની છે. દાયકાઓથી તેમનો પરિવાર મુંબઈ ખાતે સ્થાયી થયો હતો અને હાલમાં કેપ્ટન સ્મિત મચ્છર દુબઈ ખાતે રહીને પોતાની પાયલટ તરીકેની સેવાઓ આપી રહ્યા છે. Z મીડિયાની ટીમ પાયલટ સ્મિત મચ્છરના સંબંધીના ઘરે પહોંચી છે. મુંબઈના ઘાટકોપરની સોસાયટીમાં જ્યાં ચર્ચામાં રહેલા સ્મિત મચ્છરના કાકા અને કાકી રહે છે.
કુદરતી રીતે જ આ દુઃખદ કે વિવાદાસ્પદ સ્થિતિ વચ્ચે પરિવાર અત્યારે મીડિયા સમક્ષ વાત કરવાની સ્થિતિમાં નથી. પરંતુ સ્મિતના બાળપણના ખાસ મિત્ર પ્રતીકે ઝી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં બાળપણ, તેના સ્વભાવ અને ભૂતકાળ સાથે જોડાયેલી ઘણી બધી અંદરની અને રસપ્રદ વાતો શેર કરી છે. મિત્રના મોઢેથી સાંભળેલી આ વાતો આખા કેસ પર એક નવો જ પ્રકાશ પાડે છે.
રીયલ લાઈફ હીરો' પાયલટ સ્મિત મચ્છર જે ઘાટકોપરના રહેવાસી છે, ત્યાંના ધારાસભ્ય પરાગ શાહ સાથે વાતચીત કરી હતી, જેઓ સતત મચ્છર પરિવારના સંપર્કમાં છે. પરાગ શાહે જણાવ્યું કે સ્મિત શાળામાં તેમના જુનિયર હતા અને તેઓ મચ્છર પરિવારને ખૂબ જ નજીકથી ઓળખે છે.
આ ઘટના અને તેમાં સ્મિત દ્વારા દાખવવામાં આવેલી બહાદુરી સમગ્ર ઘાટકોપર માટે ગર્વની બાબત છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ સતત પરિવારના સંપર્કમાં છે અને પરિવારને તમામ પ્રકારની શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હાલ સ્મિતના માતા-પિતા દુબઈ ગયા છે.
વઢવાણની માટીના લાલ જેને આખું વિશ્વ કરે છે સલામ
ગુજરાતના નાના એવા વઢવાણ ગામની માટીમાં જન્મેલા સ્મિત મચ્છરની મુંબઈથી શરૂ થયેલી 11 વર્ષની એવિએશન સફર આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. દેશનું નામ રોશન કરનાર કેપ્ટન સ્મિતની વીરતાને ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિવાર સાથે સીધી વાતચીત કરીને બિરદાવી છે, જોકે, એક બાજુ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવારને કારણે પરિવારજનોના હૃદયમાં ચિંતા છે, તો બીજી બાજુ તેમના પરાક્રમ પર સમગ્ર વઢવાણ અને ભારતદેશ ગૌરવની અનુભૂતિ કરી રહ્યો છે. વર્ષ 2012માં સંસારજીવનની શરૂઆત કરનાર અને ફ્લાય દુબઈમાં પોતાની ક્ષમતા સાબિત કરનાર સ્મિત આજે માત્ર એક પાયલટ નથી, પરંતુ સમગ્ર રાજ્ય માટે બહાદુરીનું એક સજીવ ઉદાહરણ બની ચૂક્યા છે.
સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું હતું કે, હાલ બનેલી ઘટનાથી પરિવાર ખૂબજ ચિંતિત છે. સ્મિત મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામના વતની છે. તો કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે, હાલમાં એમની સારવાર ચાલી રહી છે અને અમને તેમની પર ગર્વ છે. પીએમ મોદીએ પણ તેમની પત્ની સોનલબેન, પિતા ભૂપેન્દ્રભાઈ, માતા ગીતાબેન સાથે વાત કરી તેમના ખબરઅંતર પૂછ્યા હતા. સસરા જયસુખભાઈ જોગીએ વધુમાં જણાવ્યું કે સ્મિતનો સમગ્ર પરિવાર મુંબઈ સ્થાયી છે. સ્મિતનું સ્કૂલિંગ અને આગળનો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો હતો. સ્મિતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. મુંબઈમાં 11 વર્ષ નોકરી કર્યા બાદ ફ્લાયદુબઈમાં જોડાયા હતા.
કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે પણ ન ઝૂક્યો ગુજરાતી પાયલટ સ્મિત
દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટ દરમિયાન અચાનક સ્થિતિ વણસી ગઈ હતી. ઓમાનના નાગરિક એવા સહ-પાયલટ દ્વારા વિમાનમાં જ કેપ્ટન સ્મિત મચ્છર પર હિંસક હુમલો કરી દેવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં અને અત્યંત કટોકટીની સ્થિતિમાં કોકપિટમાં લોહીના ખાબોચિયા વચ્ચે પણ કેપ્ટન સ્મિતે હિંમત ન હારી. પોતાના જીવના જોખમે તેમણે કોકપિટનો દરવાજો ખોલ્યો અને અન્ય મુસાફરોની મદદથી હુમલાખોર કો-પાયલટને કાબૂમાં લીધો હતો.
9/11 જેવી મોટી દુર્ઘટના ટળી: 180 મુસાફરોનો આબાદ બચાવ
જો કેપ્ટન સ્મિતે સમયસર નિર્ણય ન લીધો હોત તો 2001માં અમેરિકામાં બનેલી 9/11 જેવી ભયાનક હાઈજેકિંગની ઘટના થઈ ગઈ હોત. ઈઝરાયલના વરિષ્ઠ અધિકારીઓએ પણ સ્વીકાર્યું છે કે પાયલટની અદ્ભુત હિંમતને કારણે એક મોટો અકસ્માત અને હાઈજેકિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો છે.
વિમાન પર પૂર્ણ નિયંત્રણ રાખીને, લોહીલુહાણ હાલતમાં પણ કેપ્ટન સ્મિતે 180 જેટલા મુસાફરોને મોતના મુખમાંથી ખેંચી કાઢીને સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનમાં મોટાભાગના ઈઝરાયલી મુસાફરો સવાર હતા, જેમણે હુમલાખોરને કાબૂમાં લીધા બાદ તાળીઓના ગડગડાટ સાથે હીરો સ્મિતનો આભાર માન્યો હતો.
પીએમ મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂ સહિત વિશ્વભરના નેતાઓ બહાદુરી પર આફરીન
ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની સાહસિક કામગીરીને દુનિયાના ચારે ખૂણેથી સલામી મળી રહી છે. પીએમ મોદીએ કેપ્ટન સ્મિતની પ્રશંસા કરતા કહ્યું કે, "અત્યંત ગંભીર ખતરા વચ્ચે અને પોતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં કેપ્ટન સ્મિતે અન્યોનો જીવ બચાવવા માટે અદભુત હિંમત દર્શાવી છે. તેમની બહાદુરીના કારણે અસંખ્ય લોકોના જીવ બચ્યા છે અને દેશને તેમના પર ગર્વ છે."
વડાપ્રધાને તેઓ ઝડપથી સાજા થાય અને ઉત્તમ સ્વાસ્થ્ય મેળવે તેવી પ્રાર્થના પણ કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને બિરદાવતા તેમને સાચા અર્થમાં 'રીયલ લાઈફ હીરો' કહ્યાં હતા. જ્યારે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ અને ઉચ્ચ અધિકારીઓએ પણ પાયલટ સ્મિતની બહાદુરી અને સમયસૂચકતાને સલામ કરી હતી.