SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રાજકોટ સિવિલમાં એક સાથે 8 એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં, હોસ્પિટલ વહીવટી તંત્ર અજાણ

Rajkot Civil Hospital : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સરકારી એમ્બ્યુલન્સના કોન્ટ્રાક્ટ બેઇઝ 8 ડ્રાઇવરોએ એક સાથે રાજીનામાં ધરી દીધા છે. શુક્રવારે ડ્રાઇવરોએ રાજીનામાં ધરી દેતા તંત્રમાં દોડધામ મચી હતી. જેને કારણે દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ સેવાને અસર પહોંચી હતી. જોકે, આ મામલે સિવિલ હોસ્પિટલ તંત્રએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે આ મામલે એજન્સીએ અમને કોઈ જાણ કરી નહોતી અને વૈકલ્પિક 3 ડ્રાઇવરો આપવામાં આવ્યા હતા.

Written By Dilip Chaudhary
Published: Oct 19, 2026, 08:07 PM IST | Updated: Oct 19, 2026, 08:10 PM IST
Join

ગૌરવ દવે, રાજકોટ : સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદોનું ઘર બની છે. કાઠિયાવાડમાંથી સારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકો આવતા હોય છે. દરરોજ અંદાજીત 50 હજાર કરતા વધુ લોકો સારવાર લેવા આવે છે. તેની વચ્ચે માત્ર 4 જ એમ્બ્યુલન્સ હોવાનો ઘટસ્ફોટ થયો છે. 4 સરકારી એમ્બ્યુલન્સ વચ્ચે એજન્સીના માત્ર 8 ડ્રાઇવરો છે. તે ડ્રાઇવરોને પણ પગાર ઓછો મળતો હોવાથી ધડાધડ રાજીનામાં ધરી દીધા છે.

નિવેદન પડ્યું ભારે કે પછી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ? નર્મદાના પાણી અંગે મંત્રી સ્વરૂપજીને કરવી પડી સ્પષ્ટતા

એમ્બ્યુલન્સના ડ્રાઇવરોના હેડ ઇસ્માઇલ પડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કુલ 4 એમ્બ્યુલન્સ છે. જે પ્રતિ કિલોમીટર રૂ. 2ના ભાવે મળે છે. દર્દીઓને અમદાવાદ મુકવા જવાનું થાય તો પ્રતિ કિલોમીટર રૂ. 2 લેખે ભાડું તો મળે છે. પરંતુ જે ડ્રાઇવર પોતાના ખિસ્સાના રૂપિયા વાપરી નાખે છે તે સરકારમાંથી પરત મળતા નથી. ડ્રાઇવરોની માંગ છે કે તેના પગારમાં વધારો કરવામાં આવે.

ડ્રાઇવરોએ રાજીનામાં આપતા દર્દીઓની વધી મુશ્કેલી

તો બીજી તરફ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સંબંધીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે, સરકારી એમ્બ્યુલન્સ મળતી નથી અને ખાનગી એમ્બ્યુલન્સ લઈને અન્ય જગ્યાએ જવું પડી રહ્યું છે. જેને કારણે દર્દીઓના સગા ઉપર વધારાનું ભારણ આવે છે. સામાન્ય રીતે પ્રતિ કિલોમીટર રૂ. 2 લેખે સરકારી એમ્બ્યુલન્સ ચલાવવાની હોય છે. ત્યારે બંધ હાલતમાં હોવાથી ફરજિયાત પણે પ્રતિ કિલોમીટર ₹20 લેખે ખાનગી એમ્બ્યુલન્સ લઈ જવા દર્દીઓ મજબૂર થતા હોય છે. જોકે સરકારી એમ્બ્યુલન્સના ડ્રાઇવરોએ રાજીનામાં આપી દેતા દર્દીઓના સંબંધીઓ મુશ્કેલીમાં મુકાયા છે

સિવિલ હોસ્પિટલ તંત્રએ શું કહ્યું?

રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર એમ્બ્યુલન્સ ડ્રાઇવરોના રાજીનામાં મુદ્દે બચાવમાં આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી ડો. એમ.એસ.રોયે નિવેદન આપતા કહ્યું હતું કે, ડ્રાઇવરોના રાજીનામાની કોઈ વાત અમારા સુધી આવી જ નથી. અમારા સુધી કોઈ જ રાજીનામું આવ્યું નથી. કોઈ જ લેખિત રજુઆત કરવામાં આવી નથી. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એજન્સીને કહીને 3 એક્સ્ટ્રા ડ્રાઇવર રાખવામાં આવ્યા છે. ડ્રાઇવરો રાજીનામાં આપે તેને કારણે મુશ્કેલી સર્જાય તે સ્વાભાવિક વાત છે. રાજીનામુ આપ્યું હશે તો ડ્રાઇવરો સામે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

પૂર્વ સાંસદની રજૂઆત છતાં કોઈ વ્યવસ્થા નહિ

રાજ્ય સભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ પણ એમ્બ્યુલન્સની ખખડધજ હાલત અને ધૂળખાતી હોવાની રજૂઆત આરોગ્ય મંત્રી સમક્ષ કરી હતી. તેમ છતાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી શકી નથી અથવા તો એમ્બ્યુલન્સની નવી ખરીદી કરી નથી.

4 એમ્બ્યુલન્સમાંથી 3 બંધ હાલતમાં

8 ડ્રાઈવરો વચ્ચે માત્ર ચાર એમ્બ્યુલન્સ છે, તેમાં પણ ત્રણ એમ્બ્યુલન્સ બંધ હાલતમાં છે. માત્ર એક એમ્બ્યુલન્સ કાર્યરત છે તે પણ અન્ય કામગીરીમાં હોય તેને કારણે દર્દીઓને એમ્બ્યુલન્સનો લાભ મળતો નથી અને ખાનગી એમ્બ્યુલન્સ ફરજિયાત લેવા માટે દર્દીઓના સબંધીઓએ મજબૂર થવું પડી રહ્યું છે. શું સિવિલ હોસ્પિટલ તંત્ર અને ખાનગી એમ્બ્યુલન્સો વચ્ચે સાંઠ ગાંઠ છે કે નહીં તે તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થઈ શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES