Khedut Andolan Gujarat : ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન અને પોલના વળતર મુદ્દે મોરબીના ખેડૂતો છેલ્લા ચાર મહિનાથી લડત આપી રહ્યા છે. પરંતુ, ખેડૂતોની માંગણીઓ સંતોષવાને બદલે વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 5 તાલુકાના 4,300 થી વધુ ખેડૂતોને એકસાથે MRC કમિટીમાં જોડાવા માટે નોટિસો ફટકારી દેવાતા ખેડૂતોનો ગુસ્સો ફાટી નીકળ્યો.
તંત્રના આ વલણ સામે જેતપર સત્યાગ્રહ છાવણીમાંથી મહિલાઓ, બાળકો અને વડીલો સાથે આખું ગામ કલેક્ટર કચેરીએ પહોંચી ગયું, અને તંત્રની કાર્યવાહીને તાનાશાહી ગણાવીને જમીનમાલિકોએ લેખિત વાંધા-અરજીઓ સાથે કલેક્ટરને સોંપી.
ખેડૂતોએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે નવી વળતર નીતિનો પરિપત્ર જ મંજૂર થયો નથી, તો પછી MRC કમિટી માટે તંત્ર આટલો આગ્રહ કેમ રાખી રહ્યું છે? વીજ લાઈન નાખવાની તંત્રને આટલી બધી ઉતાવળ કેમ છે . ખેડૂતોએ તંત્ર સામે ભારોભાર રોષ ઠાલવ્યો છે અને આ અન્યાય સામે દિવાળી પછી મોરબીમાં વિશાળ 'ખેડૂત મહાપંચાયત' બોલાવવાની ચીમકી પણ આપી દીધી છે.
વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ
ખેડૂતોના ભારે વિરોધ અને કલેક્ટર કચેરીએ ઉમટેલી હજારોની મેદનીને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જેને પગલે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદ યોજીને સ્પષ્ટતા કરી હતી કે સરકારી નિયમો અને પરિપત્ર મુજબ જ ખેડૂતોને નોટિસો આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે કમિટીમાં ખેડૂતોનો પક્ષ સાંભળવાના હેતુથી જ આ પ્રક્રિયા હાથ ધરાઈ છે અને જે ખેડૂતો આજે હાજર રહી શક્યા નથી, તેમને તંત્ર દ્વારા વધુ એક તક આપવામાં આવશે.
વીજ કંપનીઓની દાદાગીરી સામે નમશે નહીં
હવે આ આંદોલન માત્ર જેતપર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર મોરબી જિલ્લામાં વ્યાપક રૂપ ધારણ કરી રહ્યું છે. પોતાના હક અને જમીનની કિંમત માટે લડી રહેલા ખેડૂતોએ સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ કોઈ પણ ભોગે વીજ કંપનીઓની દાદાગીરી સામે નમશે નહીં.
ગુજરાતમાં ભાજપ સરકાર સામે સૌથી વધુ રોષ સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો છે. જો સરકાર આ બાબતે તાકીદે પગલાં નહીં ભરે તો સૌથી વધારે નુક્સાન અહીંથી ભોગવવાની તૈયારીઓ રાખવી પડશે. મોરબી હાલમાં આંદોલનનું કેન્દ્ર બનતું જાય છે. જો મોરબીમાં મહાપંચાયત ભરાઈ તો સૌથી વધારે નુક્સાન થવાની સંભાવના છે. આપ આ ટાંપીને બેઠું છે.