ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ શખ્સો જેમનું નામ દર્શન રમેશભાઈ મકવાણા અને શુભમ દિલીપભાઈ પરમાર છે. આ બન્ને શખ્સો પર આરોપ છે સાયબર માફિયાઓ સાથે મળી લોકોની ડિજિટલ તિજોરીઓ ખાલી કરવાનો.. સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટમાં રહેતા 82 વર્ષના નિવૃત્ત તબીબ દમયંતીબેન વિઠ્ઠલભાઈ ગણાત્રાને ગત તા.21 સપ્ટેમ્બરના રોજ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં હિન્દી ભાષી સંજયસિંહ નામના શખ્સે મુંબઈના કોલંબા પોલીસ સ્ટેશનના PSI તરીકે ઓળખ આપી જણાવાયું હતું કે, મુંબઈની ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના મેનેજર હિતેશ મહેતાના મની લોન્ડરિંગ કેસમાં રેડ દરમિયાન તેમના નામનું આધાર કાર્ડ તથા એટીએમ કાર્ડ મળી આવ્યું છે.
ઘરની બહાર ન નીકળવા એટલે કે 'હાઉસ અરેસ્ટ' રહેવા સૂચના
આ કેસમાં ધરપકડ કરવાની ધમકી આપી, વય મર્યાદાના કારણે તેમને ઘરની બહાર ન નીકળવા એટલે કે 'હાઉસ અરેસ્ટ' રહેવા સૂચના આપી હતી. ત્યારબાદ 'અનિલ સર' નામના ખાખી વર્ધીધારી ડીસીપી સાથે વિડીયો કોલ કરાવી સતત માનસિક દબાણ ઊભું કર્યું હતું. આરોપીઓએ તા.21 થી 30 સપ્ટેમ્બર દરમિયાન રોજના 3 થી 4 વિડીયો કોલ કરીને વૃદ્ધાને સતત ભય હેઠળ રાખ્યા હતા અને તા.25ના રોજ આરોપીઓએ મુંબઈ હાઈકોર્ટનો કથિત ઓર્ડર હોવાનું જણાવી તેમના તમામ બેંક એકાઉન્ટ, એફડી અને મ્યુચ્યુઅલ ફંડની માહિતી મેળવી રૂ.21.50 લાખ જમા કરાવવા કહ્યું હતું. જોકે, બેંક મેનેજરની સતર્કતાથી પ્રથમ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરંતુ ઠગોએ ચાલબાજી રચી વૃદ્ધા પાસે તેમના જ અન્ય ખાતામાં તમામ નાણાં એકત્ર કરાવ્યા હતા. ત્યારબાદ તા.27ના રોજ દબાણ કરીને રૂ.58.50 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
રમેશભાઈ મકવાણા અને શુભમ દિલીપભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા
નાણાં મળ્યા બાદ તમામ વોટ્સએપ ચેટ અને ડેટા ડિલીટ કરાવી બે દિવસમાં નાણાં પરત મળવાની ખોટી ખાતરી આપી હતી. બે દિવસ વીતવા છતાં નાણાં પરત ન મળતાં વૃદ્ધાએ પરિવારજનોને જાણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસ અને બેંક ખાતાઓની તપાસ હાથ ધરવામાં આવતા પોલીસે અમદાવાદ ખાતેથી દર્શન રમેશભાઈ મકવાણા અને શુભમ દિલીપભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા છે.
આરોપીઓ પાસેથી કુલ રૂ.1.20 લાખની કિંમતના 4 મોંઘા મોબાઈલ ફોન તથા 1 ડેલ કંપનીનું લેપટોપ કબ્જે
પોલીસ તપાસમાં પકડાયેલા બંને આરોપીઓ અમદાવાદમાં કારખાનું ધરાવે છે. તેઓએ માત્ર 6 ટકા કમિશન મેળવવાની લાલચે પોતાની કંપનીનું કરંટ એકાઉન્ટ મુખ્ય સાયબર માફિયાઓને ભાડે આપ્યું હતું. આ એકાઉન્ટમાં વૃદ્ધા પાસેથી પડાવેલા રૂ.58.50 લાખ જમા કરાવી મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. એટલું જ નહિ પરંતુ તપાસમાં આ જ કરંટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં દેશભરમાંથી સાયબર ફ્રોડના રૂ.2.50 કરોડ જમા થયા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.1.20 લાખની કિંમતના 4 મોંઘા મોબાઈલ ફોન તથા 1 ડેલ કંપનીનું લેપટોપ કબ્જે કરવામાં આવ્યું છે.
પકડાયેલા બંને શખ્સો માત્ર મ્યુલ એકાઉન્ટ પ્રોવાઈડર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એવા મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે તથા બેંક ખાતાના નાણાકીય વ્યવહારો સીઝ કરાવવા માટે તપાસ તજવીજ હાથ ધરી છે.