)
દિવાળીના તહેવાર દરમિયાન AMC ફૂડ વિભાગને મોટી સફળતા મળી છે. અમદાવાદમાં એલ્યુમિનિયમ વરખ બનાવતું કારખાનું ઝડપાયું છે. કાલુપુર જુના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. મીઠાઈના વેપારીઓને વરખનો સપ્લાય કરાતો હતો. આ વરખનો ઉપયોગ મીઠાઈ પર ચાંદીની વરખ તરીકે થતો હતો.
મુખ્યમંત્રીએ શિક્ષકોની વધુ ભરતી અંગે જણાવ્યું કે આજે જેટલાં ભલામણ પત્રકો અપાયાં છે, એટલી જ વધુ ભરતી કરવાની અમારી તૈયારી છે. જોકે, કેટલાક લોકો કોર્ટમાં ગયા હોવાથી પ્રક્રિયામાં અડચણ આવી રહી છે. તેમણે કહ્યું કે શિક્ષકો પ્રત્યે સમાજમાં માન-સન્માન છે, તેથી તેમણે વર્ગખંડમાં યોગ્ય વર્તન જાળવવું જોઈએ. સોશિયલ મીડિયાના જમાનામાં એક વીડિયો પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. જો શિક્ષકને કામમાં રસ ન હોય તો રજા મૂકીને જતા રહેવું જોઈએ, નહીં તો એક વીડિયો રાજીનામું અપાવી શકે છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં તેમણે દિલ્હીમાં યોજાયેલી રાહુલ ગાંધીની તાજેતરની રેલી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે આ રેલીના સંદર્ભમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, રાહુલ ગાંધી ઘૂસણખોરોને બચાવવા માટે મેદાને પડ્યા છે, રાહુલ ગાંધી સંસદમાં આવશે તો મોદી અરીસો બતાવી દેશે.
ગુજરાતના નિર્ભયા કાંડના દોષિતનું વડોદરા સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેકથી મોત થયું છે. આરોપીએ ભરૂચની ઝઘડિયા GIDCમાં 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજા પહોંચાડી હતી, કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી, ત્યારે આજે આરોપી વિજય પાસવાનનું સયાજી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.
પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાદ 82 વિધાનસભાના ધારાસભ્ય પબુભા માણેકનો મોબાઇલ નંબર પણ હેક થયો છે. પબુભા માણેકનો મોબાઇલ નંબર હેક થતા લોકોને સાવચેત કરાયા છે. Whatsapp દ્વારા અનેક લોકો પાસે હેકર્સે નાણાં મંગાવ્યા હતા. ધારાસભ્યએ આ મેસેજને ઇગ્નોર કરી અને કોઈ ઉત્તર ન આપવા વિનંતી કરી છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
સુરત મહાનગરપાલિકામાં ACBના દરોડા દરમિયાન બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે. સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ACBએ સફળ ટ્રેપ ગોઠવી હતી. વોર્ડ નં. 37(A) પીપલોદ આરોગ્ય કચેરીમાં કાર્યવાહી કરાઈ. ફટાકડાના વેચાણનું લાયસન્સ મેળવવા લાંચની માંગણી કરાઈ હતી. લાયસન્સની પ્રક્રિયા કરવા બદલ રૂપિયા 11 હજાર માગ્યા હતા. જાગૃત નાગરિકે લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો.
ફરિયાદના આધારે ACBએ લાંચના છટકું ગોઠવ્યુ હતું. સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જોશી ટ્રેપમાં સપડાયા. સફાઈ કામદાર શૈલેષ સોલંકી પણ લાંચ લેતા ઝડપાયો. બંને કર્મચારીઓ વોર્ડ નં. 37(A)માં ફરજ બજાવતા હતા. સેનેટરી ઇન્સ્પેક્ટરના કહેવાથી સફાઈ કામદારે લાંચ સ્વીકારી હતી. ફરિયાદી પાસેથી 11 હજારની લાંચ લેવામાં આવી હતી. ACBએ લાંચની સમગ્ર રકમ રિકવર કરી. બંને આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
દિવાળી અને છઠ પૂજા પહેલા રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જામી છે. ઉત્તર ભારત જતી મોટાભાગની ટ્રેનોમાંમાં કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ છે. મોટાભાગની ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ 200ને પાર છે. કેટલીક ટ્રેનોમાં ટિકિટ મેળવવા આગળના સ્ટેશનનું બુકીંગ કરાવવું પડી રહ્યું છે. અમદાવાદ ડિવિઝન દ્વારા દિવાળી સ્પેશલ ટ્રેનો શરૂ કરી છે.
જોકે દિવાળી સ્પેશ્યલ ટ્રેનોમાં પણ વેઇટિંગ છે. સાબરમતીથી પ્રયાગરાજ જતી 177 વેઇટિંગ, અસારવાથી આગ્રા જતી 152 વેઇટિંગ, અમદાવાદથી ભાગલપુર જતી અમૃતભારત ટ્રેનમાં પણ 100 થી વધુ વેઇટિંગ છે. કેટલીક ટ્રેનોમાં વધારાના કોચ જોડીને ચલાવવામાં આવી રહી છે. પ્લેટફોર્મ પર યાત્રીઓની ભીડ ભેગી ન થાય તે માટે હોલ્ડ એરિયા બનાવવામાં આવ્યો છે.
જામનગરમાં ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલા જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પાર્સલની આડમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે 50 જેટલા શંકાસ્પદ પાર્સલની તપાસ કરી, જેમાંથી 2,150 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે કુલ રૂપિયા 6,20,350નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. માલ સીમરન એન્ટરપ્રાઈઝ નામે મોકલવામાં આવ્યો હતો અને યુવરાજ એન્ટરપ્રાઈઝ મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. માલ મોકલનાર અને મંગાવનાર સામે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Gujarat Breaking News Live: ગુજરાત સહિત દેશ અને દુનિયામાં બનતી તમામ મહત્વની ઘટનાઓ, રાજકારણ, હવામાન, અકસ્માત, રમતગમત, બિઝનેસ, મનોરંજન સહિતના દરેક મોટા સમાચારની પળેપળની લાઈવ અપડેટ અને બ્રેકિંગ ન્યૂઝ એક જ જગ્યાએ મેળવવા માટે જોડાયેલા રહો Zee 24 Kalakના લાઈવ બ્લોગ સાથે...